National

પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ મુકો

૨૪ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ દૈનિક ‘ટુ ધ પોઇન્ટ’ કોલમ અંતર્ગત સમકિત શાહે અત્યંત ચર્ચાસ્પદ મુદ્દાની ચર્ચા કરી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિને પોર્ન ફિલ્મો બનાવવાની જરૂર શું પડી? સ્વયં ૨૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હોવા છતાં આ ‘ગેરવ્યાજબી’ કાર્ય કરવાની શું જરૂર? વધુને વધુ સંપત્તિની પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા હશે! બુધવારની દર્પણ પૂર્તિમાં પણ ભરત ઘેલાણીએ ‘કલોઝ-અપ જિંદગી’માં આ વ્યાપારની ચર્ચા કરી છે. ક્રિકેટના સટ્ટામાં પણ રાજ કુન્દ્રાએ ‘રાજ’ કર્યુ હતું! પોર્નફિલ્મ સમાજ માટે કેટલી ખતરનાક છે એ સુરતનાં નાની બાળકીઓ પર તથા યુવતીઓ પર થતાં બળાત્કારનું અણગમતું દૃષ્ટાંત છે! પરપ્રંાતિય વસ્તી ધરાવનાર સુરતના અમુક વિસ્તારમાં નાની બાળકીઓ જે બળાત્કારનો ભોગ બને છે એના મૂૃળમાં આ પોર્નફિલ્મ જ હોય છે.

ઘણીવાર બળાત્કારીઓએ  પોલીસ દ્વારા થતી પૂછપરછમાં કબૂલ્યું જ હોય છે કે, પોર્નફિલ્મ નિહાળ્યા બાદ આ દુષ્કૃત્ય આચરવાનું મન થયું! આથી ફિલ્મોનો વ્યાપ શા માટે વધવો જોઇએ? અને સૌથી વધુ દુ:ખદ વાત તો એ છે કે રાજકુન્દ્રા વાળી ઘટનાનો એક છેડો સુરત સાથે સંકળાયેલો છે! વખાના માર્યા યુવક યુવતીઓ ‘આવી’ ફિલ્મોમાં કામ કરવા પણ તૈયાર થઇ જાય! ‘પોર્નફિલ્મ’ પ્રાશ્ચયાત દેશોનું અનુકરણ છે! પ્રાશ્ચયાત દેશો પાસેથી શીખવા જેવું શીખવાને બદલે આવા અધ:પતનનું અનુકરણ કેટલે અંશે યોગ્ય છે?

આખો મામલો નાણાંથી સગેવગે થઇ જશે અને પાછાં ‘જૈસે થે’ની પરિસ્થિતિ આવી જશે! અને આ તો હિમશીલાની ટોચ છે. આવા તો અનેક પ્રોડયુસર, દિગ્દર્શકો હશે! આના ‘દર્શકો’ મળતાં હોય અને નાણાંકીય રીતે સધ્ધર થવાતું હોય તો આવા ઘણાં ‘રાજકુન્દ્રા’ હશે જ! આ એક સામાજીક દૂષણ છે જે દૂર કરવું જ રહ્યું. ‘પોર્નફિલ્મ’નું મનોરંજન માનસિક વિકૃતિ અવશ્ય લાવી શકે. એવી વેબસાઇટ પર પ્રતિબંધ આવકાર્ય જ ગણાશે. સુરત     – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top