Vadodara

પોરબુજમાં મગરની લાકડીઓ મારી નિર્મમ હત્યા, બે શખ્સોની અટકાયત

અબોલ જીવ પર અત્યાચાર : મગરને અધમૂવો કરી તળાવમાં ફેંકી દીધો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વન વિભાગની લાલ આંખ

(પ્રતિનિધિ) વડોદરા | તા. 24
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પોરબુજ ગામે માનવતાને શરમાવે તેવી એક કરુણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં વસવાટ કરતા અબોલ મગરને કેટલાક શખ્સોએ અત્યંત ક્રૂરતાપૂર્વક લાકડીઓથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

કરજણ તાલુકાના પોરબુજ ગામે આવેલા તળાવમાં એક મગર રહેતો હતો. કોઈ અકળ કારણોસર ગામના જ કેટલાક શખ્સોએ ઉશ્કેરાઈને મગર પર જીવલેણ હુમલો કર્યો હતો. લાકડીઓ વડે બેરહેમીથી ફટકારી મગરને અધમૂવો બનાવી દેવામાં આવ્યો હતો, જેના પરિણામે મગરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ મગરના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો.

આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક પોરબુજ ગામે પહોંચી હતી. કરજણ રેન્જના ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન મગરને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. વાયરલ વીડિયોના આધારે વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપીઓમાં વીઠ્ઠલભાઈ સગાભાઈ ગાયકવાડ
અને ભિખુભાઈ રાયજીભાઈ ગાયકવાડનો સમાવેશ થાય છે.
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ મગર જેવા સંરક્ષિત પ્રાણીની હત્યા ગંભીર ગુનો ગણાય છે. વન વિભાગે જણાવ્યું છે કે પકડાયેલા આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ પ્રકારના કૃત્યો સામે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખવામાં આવશે નહીં.

Most Popular

To Top