કલેક્ટરના આદેશથી હરકતમાં આવેલી ટીમે ‘હોટેલ ગેલેક્સી’માં પાડી રેડ, ખાનગી કંપનીના ઘરેલું બોટલો વ્યાપારી હેતુ માટે વપરાતા હોવાનો પર્દાફાશ
(પ્રતિનિધિ), વડોદરા. તા.15
વડોદરા જિલ્લામાં વ્યાપારી એકમો દ્વારા ઘરેલું રાંધણ ગેસના સિલિન્ડરનો ગેરકાયદેસર ઉપયોગ કરી સરકારી તિજોરીને ચૂનો લગાવતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રે કડક ઝુંબેશ છેડી છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગની ટીમોએ જિલ્લાભરમાં ફિલ્ડ ચેકિંગ તેજ બનાવ્યું છે. આ કડક અમલીકરણના ભાગરૂપે પોર વિસ્તારની એક જાણીતી હોટેલમાં દરોડો પાડી 17 જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

પુરવઠા વિભાગની ટીમને બાતમી મળી હતી કે પોર વિસ્તારમાં આવેલી ‘હોટેલ ગેલેક્સી’ માં વ્યાપારી હેતુ માટે નિયમોનું ઉલ્લંઘન કરીને ઘરેલું ગેસ સિલિન્ડરનો વપરાશ થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટેલના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરને બદલે ખાનગી ગેસ કંપનીના કુલ 17 નંગ ઘરેલું ગેસ સિલિન્ડર કાર્યરત હાલતમાં મળી આવ્યા હતા.

નિયમ મુજબ, ઘરેલું વપરાશ માટે સબસિડી ધરાવતા કે રાહત દરે મળતા સિલિન્ડરનો ઉપયોગ હોટેલ, રેસ્ટોરન્ટ કે અન્ય વ્યવસાયિક સ્થળોએ કરવો એ ગંભીર ગુનો બને છે. પુરવઠા વિભાગે તાત્કાલિક અસરથી તમામ 17 સિલિન્ડરોનો જથ્થો કબજે કર્યો છે અને હોટેલ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે હાઈવે પર આવેલી અન્ય હોટેલો અને ખાણીપીણીના એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ આ અંગે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારના નિયમોને નેવે મૂકીને જે પણ સંસ્થા કે વ્યક્તિ ગેસ સિલિન્ડરનો ગેરકાયદે સંગ્રહ અથવા ઉપયોગ કરશે, તેમની સામે આવશ્યક વસ્તુ અધિનિયમ (Essential Commodities Act) હેઠળ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને દરોડાની કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે.