સગીરાને લગ્નની લાલચે આરોપી ભગાડી લઇ જઇ વિવિધ સ્થળોએ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ગુનો
(પ્રતિનિધિ) વડોદરા તા.09
શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત ફેબ્રુઆરી મહિનામાં દાહોદના એક ગામના યુવકે સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ અલગ અલગ સ્થળોએ લઇ જઇ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હોવાના પોક્સો હેઠળના ગુનામાં આરોપી અરજદાર દ્વારા વકીલ મારફતે બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં નિયમિત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જેમાં એ.પી.પી. નરેન્દ્ર મકવાણાની દલીલો, પૂરાવાઓ અને રજૂઆત ને ગ્રાહ્ય રાખીને સેસન્સ કોર્ટ દ્વારા આરોપી અરજદારના જામીન નામંજૂર કરવાનો હૂકમ કર્યો છે.
ગત તા. 17-02-2025 ના રોજ સાંજે આશરે સાડા ચાર થી પાંચ વાગ્યાના અરસામાં દાહોદ જિલ્લાના ચેડીયા ના સંજય સોમાભાઇ તડવી નામના યુવકે સગીરા કે જેની ઉંમર 15 વર્ષ,8માસ અને 23 દિવસની હતી તેને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ને ભગાડી લઇ ગયો હતો અને અલગ અલગ સ્થળોએ સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધ્યા હોવાના મામલે આરોપી વિરુદ્ધ બી.એન.એસ.એસ અધિનિયમ ની કલમ 483 મુજબ નિયમિત જામીન અરજી દાખલ કરી બી.એન.એસ.ની કલમ 137(2),87,64(2)(એમ),65 (1) તથા પોક્સો એક્ટની કલમ 4,5 (એલ) 6,8,10,12 ના ગુનામાં જામીન માટેની અરજી બીજા અધિક સેશન્સ જજ ની કોર્ટમાં તા.02-07-2025 ના રોજ અરજદ આરોપી સંજય સોમાભાઇ તડવી તરફથી વકીલ એન.જી.દૂધવાલા દ્વારા રજૂ કરવામાં આવી હતી આ કેસમાં જે તે સમયે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલી અપાયો હતો ત્યારથી આરોપી અરજદાર જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. સરકાર તરફે એ.પી.પી. નરેન્દ્ર યુ.મકવાણા દ્વારા આરોપી અરજદારના જામીન રદ કરવા માટે પૂરાવાઓ, દલીલો સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં આરોપી અરજદારની ગુનામાં સંડોવણી હોવાનું, તથા ભોગ બનનાર સગીરાને લગ્નની લાલચે ભગાડી ગુનો કર્યો હોય આ ગુનામાં મુખ્ય આરોપી હોય તેને જામીન ન આપવા સાથે જ આરોપીને જાણ હોવા છતાં કે સગીરા નાની વયની છે છતાં તેને લગ્નની લાલચે પટાવી ફોસલાવી ને અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો તેવી દલીલો અને ધારદાર રજૂઆતોને ગ્રાહ્ય રાખીને બીજા અધિક સેશન્સ જજ, વડોદરા દ્વારા તા.07 જૂલાઇના રોજ આરોપી અરજદારના જામીન નામંજૂર કરવાનો હૂકમ કર્યો છે.