Health

પેલીએટીવ કેર

ડૉક્ટરના જીવનમાં દરરોજ હર ઘડીએ ઘણી ઘટનાઓ ઓપ લેતી હોય છે. ક્યારેક સારા પ્રતિભાવ મળે તો ક્યારેક દર્દીને છેલ્લા શ્વાસ લેતા જોઈ દુઃખદ ક્ષણોમાં પરિવારને હોંસલો આપતી હિંમત જુટાવવી કે પછી આવી તમામ હકારાત્મક અને નકારાત્મક બાબતોને એક સાતત્યથી બસ નિહાળી મૂવ ઓન થતાં રહેવું પડે. ચાની ચૂસકી લેતા લેતા પત્ની જોડે વાતમાંથી વાત નીકળી અને એ કહે છે કે મંથન, જે લોકો અંતિમ શ્વાસ લેતા હોય છે કે પછી જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે અને જીવલેણ રોગ સાથે ઝઝૂમતા હોય એ લોકો અને એમના પરિવાર માટે આપણે ત્યાં જો કોઈ પેલીએટીવ કેર સ્પેશ્યાલિસ્ટ જોઈએ તો કદાચ અઘરું જ પડે.

વળી, ખરેખરમાં એમ બન્યું અને ગયા અઠવાડિયે USAના એક મિત્રે ફોન કરી કોઈ સારા પેલીએટીવ કેર સ્પેશ્યાલિસ્ટનો રેફરન્સ માંગ્યો ત્યારે વિચાર પહેલો એ જ આવ્યો કે કેટલા લોકો મેડિકલની આ શાખા વિશે જાણતા હશે? પાછલા અમુક અંકોમાં ફેમિલી મેડિસિન, ઈમરજન્સી મેડિસિન, ઇન્ટરનલ મેડિસિન વિશે તો જાણ્યું પણ આજે જોઈશું પેલીએટીવ કેર મેડિસિન વિશે. અત્યંત ટૂંકમાં શરૂઆત કરું તો પેલીએટીવ કેર એ વિશિષ્ટ તબીબી સંભાળ છે જે દર્દીઓને પીડા અને ગંભીર બીમારીના અન્ય લક્ષણોમાંથી રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પેલીએટીવ કેર ટીમ દર્દીઓ અને તેમના પરિવારો બંને માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે કામ કરે છે. આ પ્રકારની કેર (કાળજી) જેતે રોગની જે દવા ચાલતી હોય તેની સાથે આપવામાં આવે છે. પેલીએટીવ કેર ટીમના લોકો દર્દી, તેના કુટુંબ તથા ડૉક્ટર કે જે દર્દીની સારવાર કરે છે તે બધાની સાથે મળીને એક વધારાનો સહારો આપે છે. જેનાથી દર્દીની સારસંભાળ લેવામાં એક વધારાની પાંખ જોડાઈ જાય છે.

શું કહે છે હકીકત?
WHO, હુનું માનીએ તો દર વર્ષે લગભગ 40 મિલિયન લોકોને આ પેલીએટીવ કેરની જરૂર હોય છે. જેમાંથી 78% લોકો ખૂબ જ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે અને આખા વિશ્વમાં જરૂરતમંદ લોકોમાંથી ખાલી 14% લોકોને જ આ પેલીએટીવ કેર નસીબ થાય છે.

શું પેલીએટીવ કેર એ જીવનના અંતિમ તબક્કામાં થતી હોસ્પાઇસ કેરને સમાન છે?
ના, પેલીએટીવ કેર એ અસાધ્ય રોગોના જે લક્ષણો છે તેને હળવા કરવામાં મદદ કરે છે. અહીં લક્ષ્ય માનસિક તાણ ઓછું કરવાનું તથા ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જીવનની ગુણવત્તા એકંદરે સુધારવાનું છે. હોસ્પાઇસ કેરનો મતલબ થાય છે કે જીવનની અંતિમ તબક્કામાં થતી કેર જ્યારે પેલીએટીવ કેર તો માણસ કોઈ પણ ઉંમરનો હોય અને કોઈ પણ સ્ટેજની તેને ગંભીર બીમારી હોય તેની કાળજી કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.

પેલીએટીવ કેરની જરૂર કોને પડે છે?
આગળ જણાવ્યું તેમ કોઈ પણ માણસ, કોઈ પણ ઉંમરનો હોય, જેને અત્યંત ગંભીર અથવા જીવલેણ બીમારી હોય તે આ પેલીએટીવ કેર લઈ શકે છે. કેટલાંક ઉદાહરણો પર ઊડતી નજર કરીએ તો કેન્સર, કોવિડ 19, હૃદયની બીમારી, HIV, પાર્કિન્સન્સ ડીસીઝ, સ્ટ્રોક, મલ્ટિપલ સ્ક્લેરોસીસ, ફેફસાંની ગંભીર બીમારી, યાદશક્તિની બીમારી વગેરે…

પેલીએટીવ કેર કયા પ્રકારના લક્ષણોમાં રાહત કરવા મદદરૂપ થઈ શકે છે?
પેલેએટિવ કેર એવા લક્ષણોને સારા કરવામાં મદદ કરી શકે છે જે દર્દીના શારીરિક, માનસિક અને ઈમોશનલ વેલ બીઇંગ (લાગણી સાથે જોડાયેલી સ્વસ્થતા) માટે જવાબદાર છે. આ લક્ષણોમાં એન્ઝાઇટી, ડિપ્રેશન, થાક લાગવો, કબજિયાત થવી, ખૂબ જ દુખાવો થવો, ઊંઘવામાં તકલીફ પડવી, ભૂખ ન લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, માનસિક તાણ વગેરેનો સમાવેશ થાય છે.

આ પેલીએટીવ કેર કોણ આપે છે?
આ માટે એક ટીમ હોય છે જેની અંદર તબીબો અને બીજા સ્પેશ્યાલિસ્ટ જેનો આમાં અનુભવ હોય અને આનું ભણતર લીધેલું હોય તેઓનો સમાવેશ થાય છે. આ તજજ્ઞો ખૂબ જ સારી રીતે આ બધા જ લક્ષણોને મેનેજ કરી શકે છે અને આ ટીમના સભ્યો વધારાનો માનસિક તાણ અને જવાબદારીઓ કે જે ખૂબ જ ગંભીર બીમારીની સાથે આવતી હોય છે તેને ઓછી કરવામાં અને તેનો ઉકેલ લાવવામાં પણ મદદ કરે છે. પેલીએટીવ કેરની ટીમમાં ડૉક્ટર, નર્સ, સોશ્યલ વર્કર, પેરા મેડિકલ વર્કર, ફાર્મસીસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્વયંસેવકો, ન્યૂટ્રિશનિસ્ટ, ફાઇનાન્સિયલ એડવાઈઝર, આધ્યાત્મિક સલાહકાર વગેરેનો સમાવેશ થાય છે. આ ટીમ તમને કેવી રીતે ઊંઘ સારી કરવી, માનસિક રિલેક્સેશન માટેની અમુક કસરતો, શ્વાસની કસરતો, ન્યૂટ્રીશન વિશે જાણકારી, મેડીટેશન, કોગ્નિટિવ કસરતો, ટોક થેરાપી, હીલિંગ ટચ વગેરે ઉપલબ્ધ કરાવતા હોય છે. જો દર્દીને વધારાની સારસંભાળની જરૂર હોય તો પેલીએટીવ કેરના તજજ્ઞો જેતે સ્પેશ્યાલિસ્ટ પાસે પણ રીફર કરે છે.

આ પેલીએટીવ કેર ક્યાં ઉપલબ્ધ હોય છે?
દર્દી જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારમાં કયા પ્રકારના સ્ત્રોત ઉપલબ્ધ છે તેના ઉપર અલગ અલગ પ્રકારની પેલીએટીવ કેર મળતી હોય છે પરંતુ સામાન્યતઃ જેતે દર્દીના ઘરે, નર્સિંગહોમમાં, ક્લિનિકમાં તથા મોટી હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ શકતી હોય છે.

પેલીએટીવ કેર લેવાનો કોઈ ચોક્કસ સમય?
એવો કોઈ ચોક્કસ સમય નથી કે જ્યારે પેલીએટીવ કેર લેવી જોઈએ અથવા કોઈને આ માટે સમજાવવું જોઈએ. ઘણા લોકો પેલીએટીવ કેર ત્યારે લેવાનું ચાલુ કરે છે જ્યારે તેમને ખૂબ જ ગંભીર બીમારીની જાણકારી થાય છે. એ નોંધવું રહ્યું કે જેટલી જલ્દી તમે મદદ લેશો તેટલો આમાં ફાયદો વધારે થાય છે.

ફાયદા શું છે?
તમને એટલા સક્ષમ બનાવે છે કે તમે દર્દીના સારા થવાના કે સારસંભાળ કરવા માટેના નિર્ણયો ખૂબ જ સારી રીતે લઈ શકો છો. જે દર્દીની જિંદગીને હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. પેલીએટીવ કેર હેલ્થ કેરને લગતા જે તે પરિણામો છે તેને પણ સુધારે છે. અત્યાર સુધીના રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે પેલીએટીવ કેર જે તે દર્દીની લાઈફ એક્સપેક્ટન્સી વધારવામાં, એન્ઝાઈટી અને ડિપ્રેશન ઓછું કરવામાં, આ ઉપરાંત સૌથી મહત્ત્વનું દર્દી અને તેની સારસંભાળ કરનારા લોકોને પ્રોત્સાહન આપવામાં અને મનોબળ વધારવામાં મહત્ત્વપૂર્ણ પુરવાર થયું છે.

પેલીએટીવ કેર કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
તમને પેલીએટીવ કેર લેવા માટે જેતે ડૉક્ટર અથવા જે દર્દીની ટ્રીટમેન્ટ કરતા હોય તે જણાવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તેઓ જાતે જ તમારા પૂછતા પહેલાં તમને આ માટે ભલામણ કરે છે કે પછી તમે તમારા ડૉક્ટરને જણાવી શકો છો કે તમને આ સારવાર લેવામાં રસ છે અને ડૉકટર તથા એમની ટીમ એ અંગે વિશ્લેષણ કરશે કે તમે ખરેખર આ સારવાર માટે યોગ્ય ઉમેદવાર / દર્દી છો કે નહીં?

Most Popular

To Top