Vadodara

પેપર રોલ ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો, હોટેલ અને નવી આઇસર ગાડીમાં ભારે નુકસાન

નેશનલ હાઈવે-48 પર વધુ એક ભયાનક અકસ્માત

ઓવરલોડિંગ અને સેફટી બેલ્ટ વિના માલ વહનના આક્ષેપ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 31
વડોદરા શહેર નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 હવે જાણે “મોતનું હાઈવે” બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક પછી એક અકસ્માતોની વણઝાર અટકવાનું નામ લઈ રહી નથી. તાજેતરમાં પેપર રોલ ભરેલો એક ભારદારી ટ્રક પલ્ટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક-ક્લિનર ઇજાગ્રસ્ત બન્યા હતા તેમજ નજીકની એક હોટેલ અને બહાર પાર્ક કરેલી નવી નકોર આઇસર ગાડીમાં ભારે નુકસાન થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ GJ-12-7674 નંબરનો ટ્રક પેપર રોલ ભરેલી હાલતમાં નેશનલ હાઈવે-48 પરથી પસાર થઈ રહ્યો હતો. ટ્રકમાં જૂનાગઢ જિલ્લાના દલિતપુરા ગામે રહેતા 42 વર્ષીય ડ્રાઈવર અકબર નૂરૂદ્દીન જશી અને ક્લિનર અમીભાઈ ચાવડા હાજર હતા. તરસાલી બાયપાસ બ્રિજ ઉતરતા ટ્રક અચાનક કાબૂ ગુમાવી પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ટ્રક પલ્ટી ખાઈ જતા તેમાં ભરેલા ભારે વજન ધરાવતા પેપર રોલ રસ્તા પર ગગડી ગયા હતા. દોઢથી બે ટન વજન ધરાવતા આ રોલ નજીકમાં આવેલી એક હોટેલમાં ઘૂસી ગયા હતા તેમજ બહાર પાર્ક કરેલી નવી આઇસર ટેમ્પોમાં અથડાતા હોટેલ અને વાહનમાં ભારે નુકસાન થયું હતું.

નુકસાનગ્રસ્ત હોટેલ અને વાહનના માલિકોએ આ ઘટનાને લઈ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનો આક્ષેપ છે કે ટ્રકમાં ઓવરલોડિંગ કરવામાં આવ્યું હતું અને પેપર રોલને સેફટી બેલ્ટથી બાંધવામાં આવ્યા નહોતા. સદનસીબે અકસ્માત સમયે હોટેલની બહાર કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top