Columns

પેટ્રોડોલરનો કરાર ખતમ થતાં અમેરિકાની દાદાગીરીનો અંત આવશે?

અમેરિકાનો ડોલર આજે વિશ્વની સૌથી મજબૂત કરન્સી ગણાય છે, તેનું કારણ અમેરિકાની સમૃદ્ધિ નથી, પણ તેણે ખનિજ તેલનું ઉત્પાદન કરતાં દેશો સાથે ૧૯૭૪માં કરેલો કરાર છે. આ કરાર મુજબ દુનિયાનો કોઈ પણ દેશ ખનિજ તેલ ખરીદવા માગતો હોય તો તેણે ચૂકવણી ડોલરમાં જ કરવી પડે છે. આ કરારને કારણે દુનિયાના તમામ દેશોમાં ડોલરની ડિમાન્ડ વધતી ગઈ, કારણ કે ખનિજ તેલ વગર કોઈ દેશને ચાલતું નથી.

દુનિયાના અર્થતંત્રમાં ડોલરની દાદાગીરીનો લાભ લઈને અમેરિકા બેફામ ડોલર છાપતું ગયું અને દુનિયાના વિવિધ દેશોમાંથી પોતાની જીવનજરૂરિયાતની ચીજો કે લક્ઝરી ખરીદતું રહ્યું. અમેરિકાને પોતાનો માલ વેચનારા દેશો પાસે ડોલરના ભંડારો પણ વધતા ગયા. દુનિયાના દેશોની આ મજબૂરીનો લાભ લઈને અમેરિકા, રશિયા અને ઇરાન જેવા દેશોનું નાક દબાવવા તેમના પર આર્થિક પ્રતિબંધો લાદતું રહ્યું. હવે સાઉદી અરેબિયાએ અમેરિકા સાથેના ૫૦ વર્ષ જૂના કરારને રિન્યુ કરવાનો ઇનકાર કરતાં આ કરારનો અંત આવ્યો તેનાં દૂરગામી પરિણામો જગતના રાજકારણ પર પડવાનાં છે. તેને કારણે ડોલર નબળો પડશે અને અમેરિકાના મહાસત્તા તરીકેના સામ્રાજ્યનો પણ અંત આવશે.

૧૯૭૪માં અમેરિકાએ આરબ દેશો સાથે પેટ્રોડોલરનો કરાર કર્યો ત્યારે અમેરિકાનું અર્થતંત્ર કથળી ગયું હતું. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા સોનાના કોઈ પણ જાતના આધાર વગર અબજો ડોલર છાપવામાં આવતા હતા, જેને કારણે ડોલરની કિંમત ગબડી રહી હતી. ફ્રાન્સ જેવા દેશે પોતાના ડોલરના ભંડાર સામે સોનું ખરીદવા માંડતાં સોનાના ભાવો સતત વધી રહ્યા હતા. ડોલરનું પતન રોકવા અમેરિકાએ ઇઝરાયેલ પાસે ઇજિપ્ત પર હુમલો કરાવ્યો હતો, જેને કારણે આરબ દેશો ફફડી ઊઠ્યા હતા. તેમના ગભરાટનો લાભ લઈને અમેરિકાએ તેમની સાથે પેટ્રોડોલર અંગેનો કરાર કર્યો હતો. પેટ્રોલને કારણે ડોલરે વિશ્વના અર્થતંત્રમાં પોતાની મોનોપોલી ઊભી કરી હતી. હવે સાઉદી અરેબિયા અમેરિકાના અંકુશમાંથી બહાર આવી ગયું છે અને ચીનની નજીક સરકી રહ્યું હોવાથી તેણે અમેરિકા સાથેનો પેટ્રોડોલર અંગેનો કરાર સમાપ્ત કર્યો છે.

બીજા વિશ્વયુદ્ધ સુધી વિશ્વ વેપાર સોનાના માધ્યમથી ચાલતો હતો. દુનિયાનો કોઈ પણ દેશ બીજા દેશ પાસેથી કોઈ પણ માલ મંગાવે તો તેણે ચૂકવણી સોનામાં કરવી પડતી હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાના ઉદ્યોગો દ્વારા શસ્ત્રોની તમામ દેશોમાં નિકાસ કરવામાં આવી, જેને કારણે અમેરિકા પાસે સોનાનો મોટો જથ્થો ભેગો થઈ ગયો. તેને કારણે બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા દેશો ન્યુ યોર્કની બ્રેટોન વુડ્સ હોટેલમાં ભેગા થયા અને તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ચલણના માધ્યમ તરીકે ડોલરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો.

૧૯૪૪ના બ્રેટોન વુડ્સ કરારે યુએસ ડૉલરને વિશ્વના પ્રાથમિક અનામત ચલણ તરીકે સ્થાપિત કર્યું હતું, જે સોના પર આધારિત હતું. આનાથી બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક સ્થિરતાની સુવિધા મળી. જો કે, ૧૯૭૧માં અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સને ડોલરની સોનામાં પરિવર્તનક્ષમતાનો અંત આણ્યો, જેના કારણે તરતા વિનિમય દરો અને ચલણની અસ્થિરતામાં વધારો થયો. તે પછીના વર્ષમાં ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) એ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલને યુએસના સમર્થનના પ્રતિભાવમાં તેલ પ્રતિબંધ લાદ્યો, જેના કારણે તેલના ભાવો આસમાને પહોંચી ગયા. અમેરિકાએ પરિસ્થિતિને સ્થિર કરવા માટે સાઉદી અરેબિયા અને અન્ય ઓપેક દેશો સાથે સોદો કર્યો, જે મુજબ તેલનો વેપાર યુએસ ડોલરમાં જ થશે. બદલામાં અમેરિકાએ આરબ દેશોને લશ્કરી સુરક્ષા અને આર્થિક સહાય પૂરી પાડી.

અમેરિકાનો ડોલર રિઝર્વ કરન્સી બની ગયો તેને કારણે અમેરિકાને લીલાલહેર થઈ ગઈ. પહેલાં ફેડરલ રિઝર્વ જેટલા ડોલર છાપે તેની સામે તેણે રિઝર્વમાં તેટલું સોનું રાખવું પડતું હતું. હવે જરા પણ સોનું રાખ્યા વિના ફેડરલ રિઝર્વ બેમર્યાદ ડોલર છાપી શકતું હતું. તેને કારણે કોઈ પણ જાતનો પુરુષાર્થ કર્યા વિના અમેરિકાની ખરીદશક્તિ વધી ગઈ. અમેરિકાની કંપનીઓ દુનિયાના કોઈ પણ દેશમાંથી માલ મંગાવતી અને તેની ચૂકવણી ડોલરમાં કરતી. આ ડોલર ફેડરલ રિઝર્વ છાપીને તેમને લોન તરીકે આપતું હતું. અમેરિકાની સરકાર પણ ફેડરલ રિઝર્વ પાસેથી જેટલા જોઈએ તેટલા ડોલર લોન તરીકે લઈને બાદશાહી ખર્ચાઓ કરવા લાગી હતી.

હવે પેટ્રો ડોલર કરાર સમાપ્ત થયા બાદ તેલની ખરીદીમાં ડોલરના એકાધિકારનો અંત આવશે. સાઉદી અરેબિયા હવે તેલ અથવા અન્ય કોઈ પણ પેટ્રોકેમિકલ ઉત્પાદનોને અમેરિકન ડોલરને બદલે ચાઈનીઝ આરએમબી, યુરો, યેન, યુઆન, રૂપિયા અથવા અન્ય કોઈ પણ ચલણમાં વેચી શકશે. બિટકોઈન જેવી ડિજીટલ કરન્સી વડે પણ ખનિજ તેલ ખરીદી શકાશે. સાઉદી અરેબિયાના આ નિર્ણયથી ડૉલરના સાર્વભૌમત્વને અસર થશે તે વાતને નકારી શકાય નહીં.

ચીન હાલમાં દરરોજ ૧૧૦ લાખ બેરલ ક્રુડ ઓઇલની આયાત કરે છે. તેમાંથી સાઉદી અરેબિયામાંથી ૧૭ લાખ બેરલથી વધુ તેલની આયાત કરવામાં આવે છે. આ ચીનની તેલની આયાતના લગભગ ૧૭ ટકા છે. આ સાઉદી અરેબિયાની કુલ તેલ નિકાસના ૨૬ ટકા છે. ચીન  રશિયા પાસેથી પણ દરરોજ ૧૫ લાખ બેરલ તેલની આયાત કરે છે. ચીન હાલમાં સમગ્ર વિશ્વમાં ઊર્જાનો મુખ્ય ગ્રાહક બની ગયો છે. આ વાસ્તવિકતાએ વૈશ્વિક તેલ બજારનું માળખું બદલી નાખ્યું છે. ચીન ઓઈલ માર્કેટમાં મોટા ગ્રાહક તરીકે ઉભરી આવ્યું છે.

ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશો પણ ક્રુડ ઓઈલના મોટા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના ૨૦૨૦ના ડેટા અનુસાર, સાઉદી અરેબિયાની નિકાસના ૭૭ ટકા તેલ એશિયન બજારોમાં જાય છે. માત્ર દસ ટકા યુરોપ જાય છે. અમેરિકામાં દરરોજ માત્ર પાંચ લાખ બેરલ તેલ જાય છે, કારણ કે અમેરિકા સ્થાનિક રીતે કાઢવામાં આવતા તેલ પર નિર્ભર છે. જો આરબ દેશોનું મોટા ભાગનું ખનિજ તેલ એશિયાના દેશો ખરીદતા હોય તો તેણે પોતાનું તેલ ડોલરમાં વેચવાનો આગ્રહ રાખવો જરૂરી નહોતો, માટે તેનો અંત આણવામાં આવ્યો છે.

આ વાસ્તવિકતા જોઈને સાઉદી અરેબિયા, રશિયા અને અન્ય ખનિજ તેલ નિકાસ કરતા દેશો હવે ચીન અને અન્ય એશિયાઈ દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દ્વારા તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમનું તેલ આ મહત્ત્વપૂર્ણ બજારોમાં પહોંચતું રહે. આ માટે તેલની નિકાસ કરતા દેશો ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાનમાં રિફાઇનરીઓ બનાવવા માંગે છે. આ સાથે તેલ ખરીદનારા દેશોને લાંબા ગાળાના ખરીદ કરાર મળે છે. સાઉદીની કંપની અરામકોએ તાજેતરમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને રિફાઈનરી બનાવવા માટે ચીન સાથે ભાગીદારી કરાર કર્યો છે. આ સાથે ઊર્જા ક્ષેત્રે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો બની શકે છે.

સાઉદી અરેબિયા દ્વારા અમેરિકા સાથેના પેટ્રોડોલર કરાર ખતમ કરાયા તેની દૂરગામી અસર અમેરિકાના અર્થતંત્ર પર પડી શકે છે. દુનિયાના દેશો ડોલરનો ઉપયોગ રિઝર્વ કરન્સી તરીકે કરતા હતા, કારણ કે તેની જરૂર ખનિજ તેલની આયાત કરવા માટે પડતી હતી. હવે દુનિયાની ઘણી સેન્ટ્રલ બેન્કો પોતાની પાસેના ડોલરના ભંડારો વેચીને તેની સામે સોનું ખરીદી રહ્યા છે, જેમાં ભારતની રિઝર્વ બેન્કનો પણ સમાવેશ થાય છે. જો આ પ્રક્રિયા ઝડપી બનશે તો ડોલર તૂટશે અને સોનાના ભાવો આસમાને પહોંચી જશે. ડોલરના પતન સાથે અમેરિકાના સ્ટોક એક્સચેન્જમાં પણ ધરતીકંપ આવશે, જેની અસર દુનિયાની તમામ મોટી કંપનીઓ ઉપર પડશે. આ કારણે ૨૦૨૫માં દુનિયાભરના શેર બજારોમાં મોટો કડાકો બોલવાની આગાહી કરવામાં આવી રહી છે.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top