Charotar

પેટલાદમાં પાલીકાની સભામાં વિવાદીત દુકાનોનું કામ મુલત્વી રખાયું

પેટલાદ પાલિકાના શાસકોનું રાંડ્યા પછીનું ડહાપણ | કેબીન ધારકોને બારોબાર આપેલી જમીનમાં લીગલ એક્સપર્ટની સલાહ લેશે

પેટલાદના રેલવે સ્ટેશન નજીક 33 દુકાન ધમધતી થઇ ગઇ છતાં તે કાયદેસર છે કે ગેરકાયદેસર ? તે પ્રશ્ન વણઉકેલ્યો બન્યો …

પેટલાદ નગરપાલિકાના શાસકોને રેલવે સ્ટેશન નજીક ફાળવેલી જગ્યામાં કાચુ કપાયાનું ભાન થયું છે. પાલિકાની ગુરૂવારના રોજ મળેલી સામાન્ય સભામાં દુકાનો બાબતેનો ઠરાવ પડતો મુકાયો છે અને આ સમગ્ર પ્રક્રિયા અંગે લીગલ એક્સપર્ટની સલાહ લેવા પ્રમુખે સુચન કર્યું છે. જોકે, આખું કોળું દાળમાં જતું રહ્યું છે. પાલિકાએ જગ્યા ફાળવી, 66માંથી 33 દુકાન બનીને ધમધમતી થઇ ગઇ છે. હવે લીગલ એક્સપર્ટની સલાહ લેવા દોડશે.

પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા ગુરૂવારના રોજ યોજાઇ હતી. આ સભામાં 25 કામ હાથ પર લેવામાં આવ્યાં હતાં. જે પૈકી 10 અને 18 નંબરનું કામ મુલત્વી રાખવામાં આવ્યું હતું. આ બન્ને કામ રેલવે સ્ટેશન નજીકની વિવાદીત દુકાનોને લઇને હતાં. આ સમગ્ર પ્રકરણમાં ક્યાંક કાચુ કપાયાનું શાસકોને રહી રહીને ભાન થયું છે. જેથી આ સમગ્ર મામલે લીગલ એક્સપ્રટની સલાહ અને માર્ગદર્શન મેળવવાનું નક્કી કરી તેને મુલત્વી રાખવામાં આવ્યાં છે.  આ સભામાં કારોબારી સભાના ઠરાવોને બહાલી આપવી, ત્રિમાસિક અને વાર્ષિક હિસાબો મંજૂર કરવા, સર્વે કરેલી મિલકતોના વેરા રદ્ કરવા, શોપિંગ સેન્ટરોની દુકાનોના ભાડા તથા ટ્રાન્સફર ફીમાં વધારો, આંબેડકર કોમ્યુનિટી હોલ બનાવવો, લગ્ન નોંધણી ફીમાં વધારો, આકારણી નકલની ફીમાં વધારા કરવા જેવા કામોનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત કામ નં.10 અને 18 હેઠળ કેબીનોના ભાડા તથા નિયમો બનાવવાનું કામ હતું. પરંતુ આ કામમાં 66 જેટલા કેબીનોના દબાણો દૂર કરી પાકી દુકાનો બનાવવા સરકારી જગ્યા બારોબાર ફાળવી દેવાના મુદ્દે ચર્ચાનો વિષય બન્યો હતો. આ જગ્યા ફાળવવામાં કોઈપણ સક્ષમ અધિકારી કે સરકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી. જેથી કાયદાકીય ગુંચવાડો ઉભો થયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. આ કામમાં બાકી ભાડાની માંડવાળી, ઠરાવ સિવાય જગ્યાની ફાળવણી,  ટેન્ડર પ્રક્રિયા વગર ખાનગી કોન્ટ્રાક્ટર થકી બાંધકામ પણ કરી દેવાના અનેક વિવાદીત નિર્ણયો માત્ર મૌખિક રીતે લેવાયા હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બનવા પામી છે. જો આ સમગ્ર મામલાની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સહિત અનેક કૌભાંડો બહાર આવવાની વાત નગરજનોમાં જોરશોરથી ચાલી રહી છે. હાલ આ વિવાદીત દુકાનો મુદ્દે હાલ પેટલાદના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ તમામ શક્યતાઓને કારણે આજના કામ નં.10 અને 18 મુલત્વી રાખવામાં આવ્યા હતા. જો કે આ પૈકી કામ નં.18 સંદર્ભે વિપક્ષ સભ્ય રિફાકત પઠાણે સુધારો રજુ કરતાં જણાવ્યું હતું કે, આ દુકાનો પૈકી જે બની ગઈ છે અને તેનું લોકાર્પણ ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખના હસ્તે થઈ ચૂક્યું છે. તો તે માટે નિયમો અને ભાડા વહેલીતકે નક્કી કરી દેવા જોઈએ.

ટાઉનહોલ સર્કલ માટે વિપક્ષ સભ્યનો વિરોધ

સામાન્ય સભાના એજન્ડા મુજબ કામ નં.12 દ્વારા ટાઉનહોલ પાસે દાતા ગુરૂકૃપા જ્વેલર્સ દ્વારા સર્કલનું રિનોવેશન કરવા અંગેનુ હતું. હાલ પણ તેઓના નામથી જ અહીંયા સર્કલ બનાવેલ છે. જે અંગે વિપક્ષ સભ્ય રિફાકત પઠાણે સુધારો રજૂ કર્યો હતો કે, આગામી સમયમાં સરકારની ગ્રાન્ટ દ્વારા ટાઉનહોલનું નવિનીકરણ થવાનું છે. તો ત્યાં એ સર્કલ નગરપાલિકા કે અગાઉના દાતા ગોળ વાળાના નામ સાથે બનાવવું જોઈએ.

આઉટસોર્સિંગથી ભારણ વધશે

એજન્ડા મુજબ કામ નં.13 મુજબ એજન્સી દ્વારા જરૂરી આઉટસોર્સ પુરા પાડવાનું કામ હતું. જેમાં સુધારો રજૂ કર્યો હતો કે હાલ રોજમદારો પાછળ દર મહિને અંદાજીત રૂપિયા બાવીસ લાખ જેટલો ખર્ચ થાય છે. જો હવે આઉટસોર્સિંગ થકી માનવબળ લેવામાં આવે તો પાલિકા ઉપર આર્થિક ભારણ વધવાની શક્યતા છે. જેથી હાલ પૂરતું આ કામ મુલત્વી રાખવા સુધારામાં જણાવ્યું હતું. આ ઉપરાંત કામ નં.14 હેઠળ બજાર ભાડા ઉઘરાવવા એજન્સીની નિમણૂંક કરવા અંગેનુ હતું. જે સંદર્ભે  સુધારામાં ઉલ્લેખ હતો કે, હાલ પાલિકાના કર્મચારીઓ ઉઘરાવે છે તે યોગ્ય જ છે. તેમાંય પેટલાદના વેપાર – રોજગારમાં મંદી હોવાથી પાથરણાં વાળા કે લારી, ગલ્લાને ભાડા પોસાતા નથી. જેથી દરેકના ફિક્સ ભાડા નક્કી કરવામાં આવે તો પાલિકાને ઉઘરાવવામાં પણ તકલીફ પડે નહીં. આ સુધારામાં મતદાન થતાં બહુમતીથી કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

બે થી બાર ગણો વધારો

પેટલાદમાં નગરપાલિકા સંચાલિત આશરે 15 શોપિંગ સેન્ટરો છે. જેમાં લગભગ 500થી વધુ દુકાનો આવેલી છે. આ પૈકી કેટલીક દુકાનો પાઘડીની રકમ લઈ જે તે ઈસમોને આપેલી છે. જ્યારે કેટલીક દુકાનો 11 મહિનાના કરાર આધારિત ભાડે આપેલી છે. જે દુકાનો પાઘડીથી આપેલ છે અને તે દુકાનદાર અન્ય કોઈ ઈસમને આપે છે. તો પાલિકામાં નામ ટ્રાન્સફર કરવું આવશ્યક બને છે. તેવા સંજોગોમાં શોપિંગ સેન્ટરના લોકેશન મુજબ રૂ.બે હજારથી રૂ.દસ હજાર સુધીની ટ્રાન્સફર ફી પાલિકા વસૂલ કરતી આવી છે. જેમાં હવે બે થી બાર ગણી રકમનો જંગી વધારો પાલિકા દ્વારા ઝીંકવામાં આવ્યો છે.

Most Popular

To Top