Charotar

પેટલાદમાં નહેરમાં ડૂબી જતાં બાળકનું મોત

ખડાણા ગામનું બાળક ઘર પાસે નહેરમાં ન્હાવા પડ્યું હતું
પેટલાદ : પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં સરદારપુરા પ્રાથમિક શાળા પાસે રહેતા શ્રમિક પરિવારનો 9 વર્ષિય પુત્ર શુક્રવારના રોજ નહેરમાં ન્હાવા પડ્યો હતો. પરંતુ નહેરમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખડાણા તાબેના સરદારપુરા પ્રાથમિક શાળા પાસે આવેલી મોટી નહેર નજીક રહેતા રણજીત કરશનભાઈ વાઘેલા મજુરી કામ કરે છે અને તેમની નજીક તેમના બહેન ત્રણ સંતાનો સાથે રહે છે. દરમિયાનમાં રણજીતભાઈનો ભાણિયો પ્રકાશ પ્રભાતભાઈ પરમાર (ઉ.વ.9) 28મી માર્ચના રોજ સાંજે ઘરેથી નિકળી નજીકમાં આવેલી મોટી નહેરમાં ન્હાવા પડ્યો હતો. જોકે, આ બાબતથી અજાણ તેના પરિવારનો મોડી રાત સુધી રાહ જોયા બાદ પણ પ્રકાશ ન આવતા શોધખોળ શરૂ કરી હતી. આજુબાજુ તેમજ નહેરના પાણીમાં બેટરી લાઇટથી તપાસ કરતાં ઘરેથી આશરે 500 મીટર દુર નહેરમાં પાણીમાં ભોંય તળીએ મૃતદેહ મળી આવ્યો હતો. આ દ્રશ્ય નિહાલી પરિવારજનો ચોંકી ગયાં હતાં અને બનાવ સંદર્ભે પોલીસને જાણ કરતાં પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. બાળકના મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જ્યારે બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. સિસોદીયાને સોંપવામાં આવી છે.

Most Popular

To Top