આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત ઓપરેશનમાં વલેટવા –વડતાલ રોડ પર પાડગોલ ગામમાં આવેલી યમુના બાયો એનર્જી પ્રા. લી. કંપનીમાં એલડીઓમાંથી ગેરકાયદેસર રીતે બાયો ડિઝલ ઉત્પાદન કરી વેચાણ કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આ કૌભાંડમાં પોલીસે ટેન્કર, કેમિકલ, બાયો ડિઝલ મળી કુલ રૂ.2.75 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, કંપની માલીક દ્વારા જરૂરી પુરાવા આપવામાં આવ્યાં હતાં. આ પુરાવાનું પૃથ્થકરણ કરતાં તેમની પાસે મંજુરી કરતા વધુ પ્રમાણમાં સ્ટોક હોવાનું જાણવા મળ્યું હતું. આથી, મહેળાવ પોલીસમાં વડોદરા રહેતા કંપનીના માલીક સામે ગુનો નોંધાયો હતો.
આણંદ પોલીસને બાતમી મળી હતી કે પાડગોલ ગામમાં આવેલી યમુના બાયો એનર્જી પ્રા. લી. કંપનીમાં બહારથી ટેન્કર મારફત બાયો ડિઝલ તથા એલડીઓનો જથ્થો મંગાવી ફ્યુઅલ પંપ મારફતે ભરી હેરાફેર કરવામાં આવે છે. આ બાતમી આધારે પોલીસે એફએસએલ, પુરવઠા અધિકારી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, રીજીઓનલ ઓફિસ આણંદના અધિકારીઓને સાથે રાખી 25મી જુલાઇની વ્હેલી સવારે દરોડો પાડ્યો હતો.
દરોડામાં ઓફિસના સુપરવાઇઝર ઘનશ્યામ હર્ષદભાઈ વ્યાસ (રહે. મોરજ રોડ, તારાપુર)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં કંપનીમાં આવેલા અલગ અલગ પ્લાન્ટ તથા ઓવરહેડ ટાંકી તથા ટેન્કરમાંથી વિવિધ કેમિકલ મળી આવ્યાં હતાં. આ કેમિકલ એલડીઓમાંથી બાયો ડિઝલ બનાવવાના રો મટીરિયલ તરીકે વપરાતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, અહીં મોટા પાયે બાયોડિઝલ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યાનું પોલીસને ગંધ આવતાં કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ પોલીસની પ્રાથમિક તપાસમાં કંપનીના માલીક ગૌરાંગ રમેશચંદ્ર શાહ (રહે.અમીનનગર રામાકાકા રોડ છાણી, વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે તેમની સામે હવાનુ પ્રદુષણ ફેલાવી, હવાને હાનિકારક બનાવી નુકસાન થાય તે રીતે હવા પ્રદુષીત કરી તેમજ સળગી ઉઠે તેવા કેમિકલ પોતાની કંપનીમાં જુદી જુદી ટેન્કોમાં સ્ટોર કરી તેમજ આ મટીરીયલમાંથી બાયો ડિઝલ બનાવી પરવાનગીથી વધારે પ્રમાણમાં ખરીદ – વેચાણ તથા સંગ્રહ કરી જરૂરી સ્ટોક રજીસ્ટર નહીં નિભાવી, વેસ્ટેજ મટીરીયલ જીવ જોખમાય તે રીતે ખુલ્લામાં રાખી વિવિધ કલમનો ભંગ કર્યો હતો. આથી, મહેળવા પોલીસે ગૌરાંગ શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.