વડોદરા સ્થાયી થયેલો રાજસ્થાનનો પરિવાર સાળંગપુર દર્શનાર્થે જઇ રહ્યો હતો

પેટલાદના નાર પાસેથી તારાપુર – બગોદરા સીક્સલેન હાઈ-વે પર ગતરાત્રીએ ઓવરબ્રીજના ડીવાઈડર સાથે પુરપાટ જતી કાર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. પ્રાથમિક તપાસમાં રાજસ્થાનનો પરિવાર સાળંગપુર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો તે સમયે આ અકસ્માતનો ભોગ બન્યો હતો.
પેટલાદના નાર ગામ પાસેથી વાસદ – બગોદરા સીક્સલેન હાઈ-વે પસાર થાય છે. આ નાર ગામ પાસે ઓવરબ્રીજ આવેલો છે. જ્યાં ગતરોજ રાત્રીએ આશરે 10 કલાકે એક સ્વીફ્ટ કાર જીજે 16 બીજી 0762નો અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ અંગે પેટલાદ રૂરલ પોલીસ મથકે રાજારામ નૈનારામ જાટે (ઉ.વ. 30, રહે. અંકલેશ્વર, મૂળ નાગૌર – રાજસ્થાન)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના નાના ભાઈ અન્નારામ નૈનારામ જાટ (રહે. વડોદરા) મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ ગતરોજ રાત્રે વડોદરાથી સાળંગપુર ખાતે દર્શન કરવા જવા નીકળ્યા હતા. જેઓની સાથે અમારા કુટુંબીજન સંપતરામ સુગનારામ (રહે.ભંવાદ, નાગૌર – રાજસ્થાન) પણ જઈ રહ્યા હતા. આ ઉપરાંત લાંભવેલ રહેતા અમારા અન્ય કુટુંબીજન રૂપારામ અર્જુનરામ બોરસદથી સાથે બેસીને જવા રવાના થયા હતા. આ કાર લઈ રાત્રે દસ કલાકે નાર ઓવરબ્રીજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અન્નારામે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા પૂર ઝડપે જતી કાર ડીવાઈડર સાથે અથડાવી હતી. જેને કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતનો ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ તે સમયે સંપતરામ અને રૂપારામના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્નારામને માથા અને શરીરના ભાગે ઈજાઓ થતાં 108 મારફતે પેટલાદ સિવીલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે તેઓને પણ મૃત જાહેર કર્યા હતા. આ ત્રણેય મૃતકોના પોસ્ટ મોર્ટમ પેટલાદ સિવીલ ખાતે કરવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે મૃતક ડ્રાઈવર અન્નારામ વિરૂદ્ધ ગુનો દાખલ થયેલ હોવાથી પોલીસે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.