વર્તમાન યુદ્ધો અણુબોમ્બ કે હાઈડ્રોજન બોમ્બ જેવાં મોટાં હથિયારો વડે નથી લડાઈ રહ્યાં પણ પેજર અને વોકી-ટોકી જેવાં નાનાં ઉપકરણો વડે લડાઈ રહ્યાં છે. ઈઝરાયેલના ફળદ્રુપ ભેજાંમાંથી પેજર બોમ્બ જેવી ટેકનોલોજી બહાર નીકળી છે, જેમાં હાથમાં રહેલું પેજર કે વોકી-ટોકી બોમ્બ બની જાય છે. હવે ભવિષ્યમાં મોબાઈલ તથા ટી.વી.માં પણ ધડાકા થવા લાગે તો દુનિયાનું પ્રત્યેક ઘર બોમ્બમારા સામે લાચાર બની જશે. લેબનોનમાં પ્રથમ પેજરમાં અને પછી વોકી-ટોકી જેવાં કેટલાંક ઉપકરણોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા છે. આ વિસ્ફોટોમાં ઘણાં લોકોનાં મોત થયાં છે અને લગભગ ૩,૫૦૦ લોકો ઘાયલ થયાં છે. આ વિસ્ફોટો પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનું કહેવાય છે, જે નાની વસ્તુઓને શસ્ત્રોમાં ફેરવવાની ટેકનોલોજીમાં દુનિયામાં સૌથી આગળ છે.
વિશ્વના ઘણા ભાગોમાં અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ એક વર્ષ થવા જઈ રહ્યું છે. હિઝબુલ્લાહ જેવા ઘણા પ્રોક્સી નેટવર્કોએ પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. લેબનોન સ્થિત આ સંગઠને યુદ્ધની શરૂઆતથી જ ઇઝરાયેલના વિસ્તારોમાં સતત રોકેટ હુમલા કર્યા છે. જો કે, આ સંઘર્ષમાં છેલ્લા બે દિવસમાં જે બન્યું તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ છે. લેબનોનમાં મંગળવારે શ્રેણીબદ્ધ પેજર બ્લાસ્ટ થયા હતા, જેમાં ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
બુધવારે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને આ વખતે વોકી-ટોકીમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં સેંકડો લોકો ઘાયલ થયાં હતાં.બૈરૂતમાં હિઝબુલ્લાના સભ્યોના અંતિમ સંસ્કાર દરમિયાન અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા અને પેજર બ્લાસ્ટથી એક બાળકનું મોત થયું હતું. વાયરલેસ ઉપકરણો સાથે સંકળાયેલા વિસ્ફોટો બેકા ખીણના સોહમોર શહેરમાં, રાજધાની બૈરૂતના દક્ષિણ ઉપનગરો અને દક્ષિણ લેબનોનમાં થયા હતા.આ વિસ્ફોટો પાછળ અપનાવવામાં આવેલી રણનીતિથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે ઈઝરાયેલે તેને એક નવા પ્રકારનું યુદ્ધ ગણાવ્યું છે. નિષ્ણાતોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે પેજર અને વોકી-ટોકી પછી અન્ય ઉપકરણોનો ઉપયોગ દુશ્મનોને નિશાન બનાવવા માટે થઈ શકે છે.
લેબનીઝ વરિષ્ઠ સુરક્ષા સ્રોતે જણાવ્યું હતું કે ૫,૦૦૦ પેજરની અંદર વિસ્ફોટકોનો નાનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. આ માટે ઈઝરાયેલની ગુપ્તચર સેવાઓ જવાબદાર છે. આ પેજર્સ હિઝબુલ્લાહ દ્વારા તેના સભ્યો માટે ઓર્ડર કરવામાં આવ્યા હતા. મોસાદે ઉપકરણોની અંદર એક બોર્ડ લગાવ્યું હતું જેમાં વિસ્ફોટક સામગ્રી હતી જેને કોડ મળ્યો હતો. તેને કોઈ પણ ઉપકરણ અથવા સ્કેનર વડે પણ શોધવું ખૂબ મુશ્કેલ છે. નવા પેજરમાં ત્રણ ગ્રામ સુધીના વિસ્ફોટકો છુપાયેલા હતા અને મહિનાઓ સુધી હિઝબુલ્લાહ દ્વારા તે શોધી શકાયા ન હતા. ૩,૦૦૦ પેજર્સને કોડેડ મેસેજ મોકલવામાં આવ્યો ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. લેબનોન પહોંચતાં પહેલાં સાધનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. બેટરીની બાજુમાં દરેક પેજરમાં વિસ્ફોટક સામગ્રી છુપાવવામાં આવી હતી. એક સ્વીચ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી જે ઉપકરણમાં દૂરથી વિસ્ફોટ કરી શકે છે.
લેબનીઝ અધિકારીના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહે તાઈવાન સ્થિત કંપની ગોલ્ડ અપોલો પાસેથી ૫,૦૦૦ પેજર મંગાવ્યા હતા અને આ નવાં ઉપકરણોમાં જ વિસ્ફોટ થયા હતા.પેજર સાથે વોકી-ટોકી ખરીદવામાં આવી હતી. આ ઉપકરણોની તસવીરોમાં અંદરની પેનલ પર આઇકોમ અને મેડ ઇન જપાન લખેલું જોવા મળ્યું હતું. આઇકોમએ ઓસાકા સ્થિત વાયરલેસ કોમ્યુનિકેશન કંપની છે.આઇકોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને મિડિયા અહેવાલો વિશે જાણવા મળ્યું છે કે લેબનોનમાં તેના લોગો સાથેનું સ્ટીકર ધરાવતું વોકી-ટોકી વિસ્ફોટ થયું હતું. કંપનીએ કહ્યું કે તે હાલમાં વિસ્ફોટ પાછળનાં તથ્યોની ચકાસણી કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઇઝરાયેલ સહિત વિશ્વમાં એવા ઘણા દેશો છે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિનાશ સર્જવામાં નિપુણતા ધરાવે છે. આમાં સૌથી ખાસ ચીન અને રશિયા જેવા દેશો છે. નાની વસ્તુઓને હથિયાર બનાવવામાં ઇઝરાયેલ વિશ્વમાં આગળ છે. અગાઉ તે લેટર બોમ્બનો ઉપયોગ ખૂબ જ અસરકારક રીતે કરતો હતો. આવી જ રીતે ઈઝરાયેલ દ્વારા ૧૯૯૬ માં ગાઝામાં હમાસના મુખ્ય બોમ્બ નિર્માતા યાહ્યા અય્યાશની હત્યા કરવામાં આવી હતી.
અય્યાશે ફોન કોલનો જવાબ આપતાં જ તેનો ફોન ફાટ્યો જેના કારણે તેનું મોત થઈ ગયું. ૨૦૦૮ માં એક વિસ્ફોટક કાર હેડરેસ્ટે સિરિયામાં વિશ્વના સૌથી ભયંકર આતંકવાદી ઇમાદ મુઘાનીની હત્યા કરી હતી. તે જ રીતે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સ્ટક્સનેટ નામનો વાયરસ દાખલ કરીને નાશ કરવામાં આવ્યો હતો. સૌથી તાજું ઉદાહરણ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા છે. હાનિયાને તેના મોબાઈલ ફોન દ્વારા ઈરાનની રાજધાની તેહરાનના એક ગેસ્ટ હાઉસમાં ટ્રેક કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. આ બધું સેટેલાઇટ દ્વારા કંટ્રોલ કરવામાં આવ્યું હતું.
એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સપ્લાય અથવા મેન્યુફેક્ચરિંગ દરમિયાન પેજરમાં વિસ્ફોટકો ફીટ કરવામાં આવ્યા હોઈ શકે છે, જે કોઈ ચોક્કસ સંદેશ પ્રાપ્ત થાય ત્યારે જ વિસ્ફોટ કરે છે.અમેરિકન વિશ્લેષકો જોન હલ્ટક્વિસ્ટ અને ડેવિડ કેનેડી બંને માને છે કે આવું બન્યું હશે. પેજર તાજેતરમાં હિઝબુલ્લાહને પૂરા પાડવામાં આવ્યા હતા.બ્રિટિશ આર્મીમાં કામ કરી ચૂકેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે પેજરમાં ૧૦થી ૨૦ ગ્રામના ઉચ્ચ ગ્રેડના લશ્કરી વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હશે.
અન્ય એક દાવા મુજબ ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના પાંચ હજાર પેજરમાં ૩ ગ્રામ વિસ્ફોટકો મૂક્યા હતા.સંરક્ષણ નિષ્ણાતોના મતે આ કાર્યને પૂર્ણ કરવામાં થોડા મહિનાથી બે વર્ષ લાગ્યાં હશે.હિઝબુલ્લાહ પરનો આ હુમલો પહેલાં કરતાં તદ્દન અલગ પ્રકારનો છે. આ દ્વારા ઈઝરાયેલે સંદેશ આપ્યો છે કે તેની પાસે એટલી બધી બુદ્ધિ, ટેક્નોલોજી અને શક્તિ છે કે તે ગમે ત્યાં પોતાનું મિશન પાર પાડી શકે છે.લેબનોનની અર્થવ્યવસ્થા ઘણી નબળી છે. હોસ્પિટલોમાં સંસાધનોની અછત છે. આવી સ્થિતિમાં આ પ્રકારનો હુમલો ત્યાંનાં લોકોમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ નકારાત્મક ભાવના પેદા કરી શકે છે.
લેબનોનમાં તાજેતરના હુમલા બાદ કોમ્યુનિકેશન સાધનોને લગતી ચિંતાઓ પણ સામે આવવા લાગી છે. સંયુક્ત રાષ્ટ્રે આ ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે તમામ સંબંધિત પક્ષોને મહત્તમ સંયમ રાખવા વિનંતી કરી છે. આ વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી સમગ્ર લેબનોનના લોકોના મનમાં તેમનાં ઉપકરણો કેટલાં સુરક્ષિત છે તે અંગે પ્રશ્નો ઊભા કરી રહી છે. મોબાઈલ ફોન, લેપટોપ, વાયરલેસ હેડફોન અથવા તો કારમાંથી લગભગ કોઈ પણ ઈન્ટરનેટ-કનેક્ટેડ ગેજેટ ધરાવનાર દરેક વ્યક્તિ માટે ચિંતાનો વિષય છે. લેબનોનમાં ગભરાટનો માહોલ છે, સ્થિતિ એવી છે કે લોકોએ ડરના કારણે પોતાની વોકી-ટોકીમાંથી બેટરીઓ કાઢી અને વિસ્ફોટના ડરથી ઉપકરણોને રસ્તા પર ફેંકી દીધાં છે. આ ડર વચ્ચે લેબનીઝ આર્મી શંકાસ્પદ વસ્તુઓનો વિસ્ફોટ કરી રહી છે.
ફિંગરપ્રિન્ટ ડિવાઇસ અને રેડિયોની જેમ ઘરની સોલાર પાવર સિસ્ટમમાં પણ ગુરુવારે બપોરે વિસ્ફોટ થયા હતા. હિઝબુલ્લાહનાં માણસો બૈરૂતનાં દક્ષિણી ઉપનગરોમાં વિસ્ફોટ ન થઈ હોય તેવી તમામ વોકી-ટોકીમાંથી બેટરીઓ હટાવતાં જોવા મળ્યા હતા.બ્રિટિશ અખબાર ધ ઈન્ડિપેન્ડન્ટે એક નિષ્ણાતને ટાંકીને કહ્યું કે જો પેજરને હેક કરીને વિસ્ફોટ કરી શકાય, તો હવે ભવિષ્યમાં સેલ ફોનનો પણ વારો આવશે. કિંગ્સ કૉલેજ લંડનના ડિપાર્ટમેન્ટ ઑફ વૉર સ્ટડીઝના રિસર્ચ ફેલો ડૉ. લુકાઝ ઓલેજનિકે જણાવ્યું હતું કે આવા હુમલામાં પેજરને બદલે સ્માર્ટફોનને પણ નિશાન બનાવી શકાય છે, કારણ કે સ્માર્ટફોનને વધુ સરળતાથી ટ્રેક કરી શકાય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.