Comments

પૅરિસ ઑલિમ્પિક અને કોપા જેવી વિશ્વકક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ચાઇનીઝ ઉત્પાદકો અને નિકાસકારોને ફળી રહી છે

સૂર્યનાં કિરણો તેમજ તાપ સામે રક્ષણ આપતાં ચીની બનાવટના ફેશકીની માસ્ક, સ્વીમસુટથી માંડીને અન્ય અનેક ઉત્પાદનોની માંગમાં એકાએક ૩૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે, જેનું કારણ ઉત્તરીય ગોળાર્ધમાં વધી રહેલું તાપમાન છે. પૂર્વીય ચીનના ઝેઝીઆંગ પ્રાંત, જ્યાં આ પ્રકારની ‘સન પ્રોટેકશન’ની ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યાંના વેપારીઓના કહેવા પ્રમાણે ઘરઆંગણાની તેમજ જાપાન, દક્ષિણ કોરિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી આ ઉત્પાદનોની માંગ નીકળી છે. જો કે યુરોપ અને અમેરિકામાંથી મળતા ઑર્ડર ઘટી રહ્યા છે. સન હેટ્સ અને કુલિંગ સ્લીવ્સ જેવી પ્રોડક્ટ યુરોપ અને અમેરિકામાં વધારે ખપે છે, જ્યારે ફેસકીની અને સન પ્રોટેક્શન માસ્ક જાપાન અને દક્ષિણ કોરિયામાં વધુ વેચાય છે.

ઝેઝીઆંગ ખાતે આવેલ યુવી ઇન્ટરનેશનલ સીટીમાં સન પ્રોટેક્શન પ્રોડક્ટ વેચનાર વેન્ડર્સમાં આ વર્ષે ૪૦ ટકાનો વધારો થયો છે. સન પ્રોટેક્ટીવ ક્લોધિંગ જે સૌથી વધુ વેચાતી આઇટમ છે તેના વેચાણમાં ૩૬ ટકા વધારો થયો છે, જ્યારે ‘ફેશકીની’ જેને આપણે આખા મોઢાનું માસ્ક કહીએ જેમાં વાપરનારની આંખો તેમજ નાક માટે કાણા રાખવામાં આવે છે તે વેચતી દુકાનોમાં ૨૬ ટકા અને ઑર્ડર્સમાં ૩૩ ટકાનો વધારો થયો.

સન પ્રોટેક્શન માર્કેટ ૯.૪ ટકાના વાર્ષિક વૃદ્ધિદરથી વધી રહ્યું છે. ઘરાકીમાં આટલો ઉછાળો હોવા છતાંય ભાવ વધ્યા નથી પણ ચીન નિકાસ-વ્યાપારની તક કઈ રીતે ઝડપવી તે સુપેરે સમજે છે એટલે નવી નવી ડિઝાઇનો તેમજ જથ્થાબંધ ઉત્પાદનમાં એમની જે મહારથ છે તેનો અત્યારે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપ આ બધાં ઉત્પાદનોના વેચાણમાં ૩૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

સૂર્યકિરણો સામે રક્ષણ આપતી આ પ્રોડક્ટની માંગમાં વધારાનું બીજું એક કારણ બદલાતી જતી જીવનપદ્ધતિ પણ છે. ઉપરાંત રજાઓ દરમિયાન મુસાફરી વધી રહી છે. લોકો તહેવારોની રજાઓમાં કુટુંબ સાથે આઉટડોર પ્રવૃત્તિ માટે નીકળી પડે છે, જે દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ માટે સન પ્રોટેક્શન અને સ્કીન કેર પ્રોડક્ટનો વધુ ને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આ કારણથી ૨૦૧૬માં ચીનમાં સન પ્રોટેક્શન ક્લોધિંગનું માર્કેટ ૪૫.૯ બિલિયન યુઆન હતું તે વધીને ૨૦૨૧માં ૬૧.૧ બિલિયન યુઆન થયું છે. ૨૦૨૬ સુધીમાં આ બજા૨ ૯૫.૮ બિલિયન યુઆન થશે એવી ધારણા છે. આમ, ક્લાઇમેટ ચેન્જને કારણે ઘણું બધું નુકસાન થાય છે એ વાત સાચી, પણ ચીનની સન પ્રોટેક્શન માર્કેટને ફાયદો પણ થયો છે!

બીજો આવો ઉછાળો પેરિસ ઑલિમ્પિકને કારણે પણ બજારમાં આવ્યો છે. પેરિસની ૨૦૨૪ ઑલિમ્પિકની જ્યોત ફ્રાન્સ પહોંચી ચૂકી છે અને હવે પેરિસ ઑલિમ્પિક ૨૦૨૪ શરૂ થવા આડે માત્ર ગણતરીનાં અઠવાડિયાં જ બાકી રહ્યાં છે ત્યારે જે રીતે ચીનને ઑર્ડર્સ મળી રહ્યા છે તે બતાવે છે કે ચીનનાં ઉત્પાદનો આજે પણ ગુણવત્તા તેમજ કિંમત બંને દૃષ્ટિએ વિશ્વબજારમાં હરીફાઈ કરી શકે છે. ચીનની એક કંપની યુવી દાના ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પેરિસ ઑલિમ્પિક માટે નિકાસ કરતી એક મુખ્ય કંપની છે. આ કંપનીએ અત્યાર સુધી દોઢ લાખ જેટલા ઑર્ડર તો માત્ર નવી જરસીઓ માટે લીધા છે.

વિશ્વના ૫૩ દેશોને આ કંપની પોતાનું ઉત્પાદન વેચે છે. આવી અનેક કંપનીઓ જરસીથી લઈને મૅડલ, ટ્રૉફી વગેરે માલસામાનની અમેરિકાની કોપા જેવી ફૂટબૉલની સ્પર્ધાઓ તેમજ અન્ય સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે નિકાસ કરી રહી છે. ચીન વિશ્વબજારમાં મજબૂતાઈથી પાછું ફરી રહ્યું છે, તેનાં ત્રણ કારણોમાં પહેલું કિંમત, બીજું ગુણવત્તા અને ત્રીજું સમયસર ડીલીવરી ગણી શકાય. ભારત આમાંથી શીખવા માગે તો ઘણું બધું શીખી શકાય તેમ છે, પણ પેલી કહેવત ‘મન હોય તો માળવે જવાય’ આના જવાબમાં બરાબર બંધબેસતી આવે છે, ખરું ને?
   ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top