Vadodara

પૂ. વ્રજરાજકુમાર મહોદયજીના હસ્તે જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના કૃપાપાત્ર ૮૪ વૈષ્ણવના વાર્તાજીની અંગ્રેજી બુકનું વિમોચન

વડોદરા::

વિશ્વ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં પુજય શ્રીવ્રજરાજકુમારજી મહોદયજીના વરદ હસ્તે જગતગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી ના કૃપાપાત્ર ૮૪ વૈષ્ણવના વાર્તાજીની અંગ્રેજી ભાષામાં પ્રકાશિત બુકનું ( 84 VAISHNAV’S VARTAJI ) વિમોચન કરવામાં આવ્યું હતું.

શ્રી વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષ અને શ્રી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન ઇન્ટરનેશનલના 15 વર્ષના મંગલ સમાપ્તીના મહોત્સવને અનુલક્ષીને વૈષ્ણવનગરી વડોદરા ના આંગણે વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથામાં ભારત તીર્થ દર્શન, ચારધામ યાત્રા દર્શન, સાથે સાથે 400થી વધુ સ્ટોલના એક્ઝિબિશન સાથે સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિક યાત્રાના મહા મહોત્સવમાં નવ દિવસમાં અંદાજે 15 લાખથી વધુ લોકોએ આ મહા મહોત્સવનો લાભ લીધો હતો અને પુષ્ટિમાર્ગીના 550 વર્ષના ઇતિહાસમાં આ મહોત્સવનો રેકોર્ડ થવા બદલ સાક્ષી બન્યા હતા.

પ્રેરણા મહોત્સવમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી રચિત પુષ્ટિમાર્ગના કૃપાપાત્ર 84 વૈષ્ણવોની વાર્તાજીના દરેક 84 વૈષ્ણવોના જીવન ચરિત્ર તેમની સેવા પ્રણાલી તથા શ્રી ઠાકોરજી પ્રત્યે તેમના પ્રેમભાવના વાર્તાજીનું સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં સુંદર ચિત્રજી સાથે પ્રકાશિત“84 VAISHNAV’S VARTAJI” બુકનું VYO ઇન્ટરનેશનલના સ્થાપક પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ 84 વૈષ્ણવ ની વાર્તાજીનું અંગ્રેજીમાં ભાષાંતર ડોક્ટર વિજયભાઈ ઝવેરી અને ડોક્ટર બકુલભાઈ દલાલે કરીને આ સેવા માટે પૂજ્યશ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ મેળવ્યા હતા સાથે સાથે આ બુકના કોઓર્ડીનેશન માટે ડો. હીનાબેન પરીખ ને પણ પૂજ્યશ્રી એ આશીર્વાદ આપી આ સમગ્ર ટીમને પુષ્ટિમાર્ગીયના આ ભગીરથ કાર્ય માટે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવ્યા હતા.

આ પ્રેરણા મહોત્સવના અંતિમ દિવસે મહા મહોત્સવના સમાપન સમયે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક ભૂમિબેન ત્રિવેદી અને અંકિતભાઈ ત્રિવેદી ની ભજન સંધ્યા એવમ્ રાસ ગરબા માં કથા મંડપ પણ નાનો પડે એટલી વિશાળ સંખ્યામાં હજારો વૈષ્ણવોએ હાજર રહીને શ્રીકૃષ્ણની લીલા ના સંગીત અને મધુર ગાયન સાથે મોડી રાત સુધી દરેક સૂર સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આખા નવલખી ગ્રાઉન્ડમાં જાણે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ લીલાનો રાસ રમાતો હોય તેવા વ્રજના દ્રશ્યો જોવા મળ્યા હતા. સૌના હૃદય અને મુખ પર શ્રી રાધે કૃષ્ણ બિરાજમાન થઈને સૌ કોઈને વ્રજમાં વૃંદાવનમાં રાસ ગરબા રમતા હોય તેવી અનુભૂતિ થઈ હતી એટલે જ આજે રાત્રે આ વૈષ્ણવનગરી વડોદરા વૃંદાવન બનીને શ્રી કૃષ્ણમય થઈ ગયું હતું.

આ ભજન સંધ્યા એવમ રાસ ગરબા માં વૈષ્ણવાચાર્ય શ્રી ધ્રુમિલકુમારજી મહોદયશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ થી જોડાઈને પ્રેરણા મહોત્સવના સુંદર આયોજનને બિરદાવીને યુવાનોમાં સનાતન ધર્મના માહોલનું સર્જન કરવા માટે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીનો આભાર માન્યો હતો.

“ના ભૂતો અને ભવિષ્યતિ” પુષ્ટિમાર્ગીય 550 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર થયેલ વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ને નવ દિવસ તો શું આ મહોત્સવ ને આખો મહિનો પણ ટૂંકો પડે તેવું નવલખી ગ્રાઉન્ડમાં ભક્તોનું ઘોડાપૂર હતું એટલે જ જે વૈષ્ણવો અને ભક્તોએ આ પ્રેરણા મહોત્સવનો લાભ પ્રાપ્ત થયો હતો તે લોકોમાં એક જ સૂર હતો કે “આજનો લાવો લીજીએ રે કાલ કોને દિઠી છે” વૈષ્ણવનગરી વડોદરામાં ચારેય તરફ પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના આ મહોત્સવના વિશાળ આયોજન અને આપશ્રીની દિવ્ય વાણી દ્વારા ભાગવત કથા ના શ્રવણની સુંદરતા, સુશોભન અને સત્સંગની ઝલક આંખે વળગી ગઈ હતી અને સૌને નવલખી ગ્રાઉન્ડમાં નહીં પણ વૃંદાવનમાં હોય તેવી સાક્ષાત અનુભૂતિ થઈ હતી અને સૌએ VYO ઈન્ટરનેશનલના સ્થાપક શ્રી વ્રજરાજકુમારજીને સમગ્ર દેશ વિદેશમાં હિન્દુ વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય ઘર્મ સાથે સનાતન ધર્મના કાર્યો માટે પ્રેરણા સ્ત્રોત માન્યા હતા.

આજ આ પ્રેરણા મહોત્સવમાં સૌ કોઈના હૃદયમાં ધર્મ, સેવા, સત્સંગ, ધ્યાન, શ્રવણ, કીર્તન, હરિનામ સંકીર્તન સાથે માનવતાના કાર્યો, સામાજિક તથા ધાર્મિક કાર્યો, આરોગ્યલક્ષી અને પર્યાવરણ લક્ષી કાર્યો કરવા માટે પ્રેરણા ઉત્પન્ન થઈ હતી એટલે જ આ પ્રેરણા મહોત્સવનું સમાપન સૌ કોઈને પ્રેરણા યુક્ત ઝરણું આપીને સંપૂર્ણ સમાપન માનવ કલ્યાણ અને સનાતન ધર્મની સંસ્કૃતિ તરફ મહાપ્રયાણ થયું છે.

Most Popular

To Top