Vadodara

પૂર્વ ઝોનમાં પાંચ મહિના બાદ પણ MRF કાર્યરત નહીં, તંત્રની નિષ્ફળતાથી સ્થાનિકોમાં રોષ

માર્ચમાં આપેલા ડોર ટુ ડોર ઈજારા બાદ કચરા વિભાજનની સુવિધા શરુ ન થતાં વિવાદ તીવ્ર બનવાના એંધાણ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાએ પૂર્વ ઝોનમાં ગૃહસ્થ સ્તરે સ્વચ્છતા અભિયાન અંતર્ગત “ડોર ટુ ડોર” કચરો એકત્રિત કરવાની નવી વ્યવસ્થા માટે માર્ચ મહિનામાં નવો ઇજારો આપ્યો હતો. ઈજારાની શરતો અનુસાર, સંકળાયેલા ઈજારદારને મટીરીયલ રિકવરી ફેસીલીટી (MRF) ઊભી કરવાની ફરજ હતી. જેથી સુકો કચરો, ભીનો કચરો તેમજ રિ-સાયકલિંગ લાયક કચરાને અલગ-અલગ વિભાગોમાં વિભાજિત કરી પ્રક્રિયા આગળ ધપાવી શકાય. પરંતુ, ઈજારો મળ્યા બાદ આજે પાંચ મહિના પસાર થઈ ગયા છતાં પૂર્વ ઝોન વિસ્તારમાં એકપણ મટીરીયલ રિકવરી ફેસીલીટી સ્થાપિત કરવામાં આવી નથી. પરિણામે સંગ્રહિત કચરાને સુવ્યવસ્થિત રીતે છૂટું પાડવા ગંભીર મુશ્કેલી ઉભી થઈ રહી છે.

સ્થાનિક નગરસેવકોએ આ મુદ્દે વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે ઈજારદાર તાત્કાલિક જરૂરી સુવિધા સ્થાપિત કરે. તેમ છતાં અધિકારીઓ દ્વારા ઈજારદાર પ્રત્યે નરમ વલણ દાખવવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નગરસેવકોના જણાવ્યા મુજબ, જો તંત્ર દબાણ લાવ્યું હોત તો આજે સુધી એમઆરએફ સેન્ટર કાર્યરત થઈ ગયું હોત.
સ્વચ્છતા અભિયાનની સફળતા માટે કચરાની ‘ડોર ટુ ડોર’ વસૂલાત સાથે યોગ્ય સુવિધાઓની ઉપલબ્ધિ અત્યંત જરૂરી છે. MRF ચાલુ ન થતાં એકત્રિત કચરાને યોગ્ય રીતે સંગ્રહિત તથા પ્રક્રિયા કરવી મુશ્કેલ બની રહી છે અને તંત્રનું વલણ આ સમગ્ર વ્યવસ્થા અપૂર્ણ બનાવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આ બાબતે આગામી દિવસોમાં વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. નગરસેવકો ઉપરાંત સ્થાનિક રહેવાસીઓએ પણ આશા વ્યક્ત કરી છે કે તંત્ર તાત્કાલિક ગંભીરતાપૂર્વક પગલાં લઈ ઈજારદારને મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ કરાવવા દબાણ કરશે.

Most Popular

To Top