Business

પુતિન યુદ્ધમાંથી શું મેળવશે? લોહી સસ્તું, તેલ મોંઘું થશે

અમેરિકન પ્રમુખ જો બાઈડન રશિયાના પુતિન કે કપુતિનને વારંવાર ચેતવણી આપતા રહે છે કે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થશે તો વિશ્વયુદ્ધમાં પરિણમશે. જાણે કે પુતિન આવું કશું જાણતાં ન હોય. બાઈડનની શૈલી જ આવ્યા ત્યારથી મહેતો મારે નહીં અને ભણાવે નહીં તેવી રહી છે. રશિયાને જોઇ લેવાની યુદ્ધ અગાઉ, મોટી મોટી ડીંગો મારી પણ સમય આવ્યો ત્યારે હવા નીકળી ગઇ. કંઇ પણ કર્યા વગર નીકળી ગઇ. ઓવરઓલ આ યુદ્ધ રશિયાના પુતિન જીતવાના નથી. કદાચ જીતી ગયાનો ભવિષ્યમાં દાવો કરશે તો પણ રશિયાના અર્થતંત્રનો ભોગ લેવાઇ ચૂકયો હશે અને તેને બેઠું થતાં વરસોનાં વરસ લાગી જશે. જગતની તમામ નાનીમોટી કંપનીઓએ રશિયા સાથે ધંધો બંધ કરી દીધો છે.

બીજી તરફ યુક્રેન તો માર ખાઈ રહ્યું છે પણ આ મારનો ફટકો સમગ્ર જગત પર અસર કરશે. દુનિયાનાં બજારો, કંપનીઓ ને દેશોનાં અર્થતંત્રોએ આજે એક બનીને રશિયાને અર્થતંત્રની દુનિયામાંથી તનખૈયા અથવા જ્ઞાતિ બહાર જાહેર કર્યું છે. એપલ, માઈક્રોસોફટ, ગૂગલ, ટીક ટોક વગેરે તમામ યુરોપિયન અમેરિકન કંપનીઓએ રશિયામાંથી ઓફિસો-દૂકાનો બંધ કરી દીધાં છે. પરંતુ રશિયા સાથે કીટ્ટા કરવાથી પશ્ચિમના દેશોને મળતું તેલ બંધ પડી ગયું છે. તેલ અને ગેસની કિંમતો વધી રહી છે અને પશ્ચિમની કંપનીઓએ અને સરકારોએ તેનું પારાવાર નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અમેરિકા -યુરોપના પેટ્રોલ વપરાશકારોએ હવે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. એક તો પશ્ચિમના દેશોમાં ફુગાવાના પડઘમ વાગી રહ્યા છે.

તેમાં તેલની ઊંચી કિંમતોએ મોંઘવારી પણ વધારી છે અને હજી વધશે. હવે જો રશિયાની સામે ઊભા રહીને પશ્ચિમનાં સૈન્યો સામનો કરશે તો પશ્ચિમના લોકોની જીવનશૈલી પર તેની મોટી નકારાત્મક અસર થશે. પુતિન અને રશિયા ભલે કહે કે વૈશ્વિકીકરણથી અળગા થઇ જવાથી રશિયા પર કોઇ ખરાબ અસર નથી, પણ એવું બને જ નહીં. રશિયાના ઘઉં, તેલ, હીરા અને બીજી ધાતુ રશિયાની બહાર વેચાય છે પરંતુ એ નહીં વેચાય તો પૈસા કયાંથી આવશે? પશ્ચિમના દેશો રશિયાના ગેસ પર નિર્ભર છે પણ હવે એ નિર્ભરતા દૂર કરવા અને અન્ય વૈકલ્પિક માર્ગે ગેસની આયાત કરવા તે માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવા યુરોપના દેશો કટિબદ્ધ થયા છે. પુતિને રશિયાના અર્થતંત્ર પર લાંબા સમય ઊભા ન થવાય અને ખોટ ખમવી પડે એવો કુહાડો માર્યો છે. પશ્ચિમના જગતને સાવધાન કરી દીધું છે.

કદાચ યુક્રેન પર અખત્યાર જમાવી દેશે તો દુનિયા અને યુક્રેનની પ્રજા પુતિન કે રશિયાને ચેનથી જીવવા નહીં દે અને બાકીની દુનિયા ચેનથી મરવા દેશે નહીં. પુતિનનો હુમલો દુનિયાને પણ વસમો પડવાનો છે. ચીન-રશિયાની એક ધરી સર્જાઇ છે. અમેરિકનોની તાકાત ઘટી રહી છે. અમેરિકનો પણ સંભવિત યુદ્ધથી ડરી ગયા છે તેથી વિદેશોમાં પથરાયેલું ડોલર રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને તેથી ડોલર મોંઘો થયો છે. સોનું પણ 2000 ડોલર ઔંસ પાર કરી ગયું છે. આમ છતાં યુદ્ધ પ્રત્યે પશ્ચિમે જે પ્રતિસાદ આપ્યો છે તે સંયમ ભર્યો છે. યુદ્ધનાં પરિણામો અને યુદ્ધ બાદ જગતની આર્થિક, ભૌગોલિક સ્થિતિ કેવી હશે તે કહેવાનું મુશ્કેલ હોય છે પરંતુ પુતિનનાં કુકર્મો બાદ એ વધુ સ્પષ્ટ થયું છે કે હવે દુનિયા વધુ ક્રૂર તાનાશાહોને સહન કરી લેવાની નથી.

રશિયા પર પ્રતિબંધો મુકાયા છે તેની આર્થિક અસર સમગ્ર વિશ્વ પર પડશે. જેમ કે રશિયાની અલરોસાની ખાણમાંથી સુરત આવતા કાચા હીરાની સપ્લાય ઘટી જશે અથવા બંધ પડી જશે. અમેરિકાએ રશિયન બેન્કોમાં રશિયન નાગરિકોના ડોલરના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકા- યુરોપ ખાતેની કેટલીક રશિયન બેન્કોએ કામકાજ વગર તાળાં મારી દીધાં છે. ઊંચી ટેકનોલોજીનો  રશિયા તરફ નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને રશિયન કુબેરો અને ધનપતિઓની ચળ કે અચળ સંપત્તિ યુરોપ અમેરિકામાં છે તેની ભાળ મેળવવા પશ્ચિમની સરકારોએ ટાસ્ક-ફોર્સની રચના કરી છે. રશિયન માફિયા, રાજકીય લૂંટારા વગેરેનું બેસુમાર કાળું નાણું લંડનની પ્રોપર્ટીઓમાં રોકાયેલું છે. રશિયામાંથી કાનૂન મુજબ હાલમાં જે કંઇ આયાત થાય છે તેના પર અમેરિકા યુરોપે ઊંચી જકાત લાગુ પાડી છે. રશિયામાં રહેલી વિદેશોની મલ્ટીનેશનલ કંપનીઓ રશિયામાંથી મોટી સંખ્યામાં બહાર નીકળવા માંડી છે. રશિયનોએ પણ કોમ્પિટિશનના અભાવમાં બેસુમાર મોંઘવારી સહન કરવી પડશે. હવે જો રશિયા અને અમેરિકા વચ્ચે કોઇક જાતનું સમાધાન થાય અને યુક્રેનમાં સ્થિતિ સુધરે તો રશિયાની રિઝર્વબેન્કનું ભંડોળ છૂટું થાય. રશિયાને ડોલર મળે પણ તેથી કંઇ રશિયાના ધંધાવહેવારો આપોઆપ થાળે પડી નહીં જાય. બધું થાળે પડતાં વરસો લાગશે.

જો બાઈડન ‘સ્વતંત્રતાની રક્ષા’ અર્થાત ડિફેન્ડીંગ ફ્રીડમ જેવા ભારે સાહિત્યિક શબ્દો વાપરે છે. બાઈડન કહે છે કે યુક્રેનની સુરક્ષાની રક્ષા માટે અમેરિકાએ ભોગ આપવો પડશે. પણ કયારે? દુનિયા પૂછી રહી છે અમેરિકી અખબારોમાં વાચકો બાઈડન સાહેબને ઉતાવળ કરવાની અપીલ કરે છે પરંતુ બાઈડનને અમેરિકાના અર્થતંત્રની ચિંતા પણ સતાવે છે. છેલ્લા માત્ર એક મહિનામાં અમેરિકામાં ગેસની કિંમતોમાં 25% નો વધારો થયો છે. મોટરગાડીઓના આ દેશને ખાદ્યતેલ વગર ચાલશે પણ ખનીજ તેલ વગર નથી ચાલતું. અમેરિકાના અર્થ નિષ્ણાતો કહે છે કે આ યુદ્ધની આર્થિક અસર અમેરિકનો પર પણ વધુ ઘેરી રીતે પડશે. અમેરિકનો માને છે કે યુદ્ધ દુનિયાના કોઇ દૂરના ખૂણા પર લડાઈ રહ્યું છે પણ તેઓને ખ્યાલ નથી કે દુનિયા આખી હવે એકબીજા સાથે ખૂબ સંકળાયેલી છે.

આ વરસે વિશ્વનો સરેરાશ વિકાસ દર અડધો એક ટકો ઘટી જશે. કોરોના હજી ગયો નથી. ચીનમાં ફરીથી ફેલાયો છે અને તેમાં પુતfન આવી ગયા. ફુગાવામાં 70 પૈસાથી માંડી પોણા ત્રણ રૂપિયા (3/4 %) જેટલો વધારો થશે. તેવો અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે. રશિયા અને યુક્રેન મળી દુનિયાને ઊર્જા, બળતણ, અનાજ, ધાતુઓ અને કિંમતી મિનરલો વગેરે પૂરાં પાડે છે. તે અટકી જવાથી જગતભરમાં તેની કિંમતો ઊંચી જશે. હાલમાં જ અમેરિકા, યુરોપના લોકો સુપર માર્કેટમાં જાય છે અને જુએ છે કે ઘણી ચીજોના ભાવ વધી ગયા છે. પેટ્રોલના ભાવો પર પણ હવે અમેરિકાનો અગાઉ હતો તેવો કાબૂ નથી. અખાતના દેશોએ ઉત્પાદન વધારવાની અમેરિકાની સલાહ કે માગણી સ્વીકારી નથી. અમેરિકા રશિયામાંથી પ્રત્યેક દિવસના 7 લાખ બેરલ તેલની આયાત કરે છે અને પ્રમુખ બાઈડને જાહેર કર્યું છે કે અમેરિકા રશિયાના તેલની આયાત બંધ કરશે. એક ડર છે કે તેલની આયાત બંધ કરી પુતિનને વધુ છંછેડવામાં આવશે તો પુતિન ડાહ્યા જુગારીની માફક બમણું રમશે. જે એની પાસેનાં હથિયારો જોતાં રશિયા, અમેરિકા કે દુનિયામાં કોઇના પણ હિતમાં નથી.

હાલમાં અમેરિકા વેનેઝુએલા અને અખાતના દેશો સાથે તેલની સપ્લાય પાકી બનાવવા માટે કાર્યરત છે. જો કે છેલ્લે છેલ્લે સાઉદી અરેબિયા અને UAE સહમત થયા છે કે તેલનું ઉત્પાદન વધારવામાં આવશે જેથી કિંમતો ખૂબ વધી ન જાય. યુરોપના અધિકારીઓ રશિયન ગેસની આયાત ઘટાડવાની યોજનાઓ ઘડી રહ્યા છે. ગયા વરસે યુરોપે રશિયા પાસેથી 155 અબજ ઘન મિટર ગેસ આયાત કર્યો હતો. તેમાંથી ત્રીજા ભાગના ગેસની આયાત આ વરસે જ બંધ કરાશે. ઇરાન પાસેથી તેલ મળી રહે તે માટે ઇરાન પરના આર્થિક પ્રતિબંધો દૂર કરવાની અને ઇરાન સાથે નવો અણુ કરાર સાઈન કરવાની પેરવી ચાલી રહી છે. આ યુદ્ધમાં દરેક દેશ, દરેક નેતાઓ તેલ અને તેલની ધાર જોઇ રહ્યા છે તેમાં બિચારા ગરીબડા, નિર્દોષ યુક્રેનનું તેલ નીકળી રહ્યું છે.

Most Popular

To Top