દારૂની હેરાફેરી કરતો વડોદરાનો અમિત ઝડપાયો
(પ્રતિનિધિ), દેવગઢબારિયા
દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પીપલોદ પોલીસે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. પીપલોદ પોલીસ સ્ટેશનની ટીમે સ્વીફ્ટ કારમાંથી રૂ. 5.02 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રવિરાજસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, દાહોદ જીલ્લા દ્વારા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ, અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ અને પ્રોહિબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જી.બી. રાઠવા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગમાં હતા.

આ દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારૂતિ સ્વીફ્ટ કાર નં. GJ-06-DQ-1166 ઇંગ્લીશ દારૂ ભરી દાહોદ તરફથી પીપલોદ તરફ આવી રહી છે. બાતમીના આધારે પંચેલા પોલીસ સહાયતા કેન્દ્ર પાસે વાહન ચેકિંગ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા ડ્રાઇવર સીટ પાછળ તથા ડીકીના ભાગમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી જથ્થાબંધ પેટીઓ મળી આવી હતી.
પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીનું નામ અમિતકુમાર અશોકભાઈ (ઉ.વ. 20), જાતે માળી, ધંધો મજૂરી, રહે. દેવનગર સોસાયટી, કલાલી, વડોદરા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ગુન્હામાં સંડોવાયેલા અન્ય બે ઇસમો વિજયભાઈ માનસીંગભાઈ (રહે. બાજવા, વડોદરા) તથા નીતિનભાઈ તડવી (રહે. નિઝામપુરા, વડોદરા) ફરાર હોવાનું બહાર આવ્યું છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
કબજે કરેલો મુદ્દામાલ :
વિદેશી દારૂના ક્વાર્ટરીયા : 1008 (કિંમત રૂ. 2,82,240/-)
સ્વીફ્ટ કાર નં. GJ-06-DQ-1166 : રૂ. 2,00,000/-
મોબાઇલ ફોન : રૂ. 20,000/- કુલ મુદ્દામાલ : રૂ. 5,02,240/-
પીપલોદ પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.
રિપોર્ટર: નવીન સિક્લીગર, દેવગઢ બારીયા