પસંદગીયુક્ત કાર્યવાહી સામે જનઆક્રોશ
દેવગઢ બારીયા: પીપલોદ ગ્રામ પંચાયત છેલ્લા ઘણા વર્ષોથી દબાણના ગંભીર મુદ્દે સતત ચર્ચાના કેન્દ્રમાં રહી છે. પોતાને જાગૃત અને સક્રિય પંચાયત તરીકે રજૂ કરતી પંચાયતમાં હકીકતમાં દબાણ સામેની કાર્યવાહી માત્ર ફાઈલ અને કાગળ સુધી સીમિત રહેતી હોવાનું સ્થાનિકો ખુલ્લેઆમ કહી રહ્યા છે.
પીપલોદના બજાર વિસ્તારમાં થયેલા દબાણના કારણે ભૂત ફળિયા તરફથી મુખ્ય માર્ગ સુધી પહોંચવાનો રસ્તો લાંબા સમયથી બંધ છે. પરિણામે 108 એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ વિસ્તારમાં પ્રવેશી શકતી નથી. આ ગંભીર બાબતે તાલુકા કક્ષાથી લઈને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી કક્ષાએ વારંવાર રજૂઆતો છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થવી વહીવટી નિષ્ક્રિયતાનું ઉદાહરણ માનવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પીપલોદ ગામમાં કરોડો ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી ગૌચર જમીન તથા સરકારી જમીન પર વ્યાપક દબાણ છે. સર્વે નં. 74/1, 436, 1267, 1233/1 તેમજ તળાવ, ખરાબા અને પડતર જમીનો પર ખેડૂત તથા વેપારી વર્ગ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 108-109 અને ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ, 1879ની કલમ 37(2) અને 61 મુજબ ગૌચર અને સરકારી જમીન પર દબાણ સ્પષ્ટ ગુનો છે અને તેને તાત્કાલીન હટાવવાની જવાબદારી વહીવટીતંત્રની છે. છતાં પ્રભાવશાળી દબાણકારો સામે કાર્યવાહી થતી ન હોવાનો ભારે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો સવાલ છે કે શું કાયદો સૌ માટે સમાન છે કે માત્ર નબળા વર્ગ સામે જ અમલ થાય છે? લોકો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને સીધી, નિષ્પક્ષ તપાસ કરી બધા દબાણકારો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વહીવટી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ તૂટી જશે એવી સ્પષ્ટ ચેતવણી પણ સ્થાનિકો આપી રહ્યા છે.
રિપોર્ટર: નવીન સિક્લીગર