સુરત: અડાજણમાં પીધેલા ટેમ્પોચાલક દ્વારા લક્ઝુરિયસ ગાડીઓનો ખુરદો બોલાવી દેવામાં આવ્યો હતો. તેમાં ફરિયાદી રવિ ચીનુભાઇ મહેતા દ્વારા અડાજણ પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આરોપી ચાલક ઉમાકાંત જયકરણ સિંગ ટાટા સીગ્ના મીલર દ્વારા લક્ઝુરિયસ ગાડીઓને ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. ઉમાકાંત દ્વારા ટેમ્પોને પૂરપાટ હાંકીને વેલોસીટો હોસ્પિટલ પાસે ઊભેલી ગાડીને અથડાવી દીધી હતી. તેમાં કારના આગળના ભાગે તથા અર્ટિગા ગાડીના પાછળના ભાગે આશરે ૩,૦૦,૦૦૦ રૂપિયાનું તથા તેમની ગાડીની સામે પાર્ક કરેલી વિપુલભાઇ રાજેન્દ્રભાઇ પટેલની વોક્સવેગન પોલો ફોર વ્હીલર ગાડીને આગળના ભાગે આશરે ૨,૦૦,૦૦૦ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ સંદર્ભે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.
અડાજણ ગંગેશ્વર મંદિર પાસે પાર્ક કરેલી એક કારમાં આગ
સુરત: અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મંદિર પાસે રામેશ્વરમ રો-હાઉસ પાસે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બનાવ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે દોઢ વાગ્યે અડાજણ ગંગેશ્વર મંદિર પાસે રામેશ્વરમ રો-હાઉસ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયરમાં જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને થોડી જ વારમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ આગને કારણે કાર સંપૂર્ણ બળી ગઈ હતી. ગઈ કાલે રાત્રે કતારગામ ખાતે કઝીનના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સપરિવાર ગયા હતા. રાત્રે નવા વર વધુને લઈને તેમના ભાઈ સહીત પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાંથી ઘરે આવ્યા હતા અને ઘર પાસે કાર પાર્ક કરીને ઘરમાં ઘુસ્યા હતા અને થોડી જ વારમાં કારમાં આગ ભડકી ઉઠી હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાની નહીં થઇ હતી.