પ્રતિનિધિ ગોધરા તા.26
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર વર્ગ-૩ માંથી પોલીસ ઈન્સ્પેકટર વર્ગ-૨ તરીકે હંગામી ધોરણે અગાઉ બઢતી પામેલા કુલ 254 જેટલા અધિકારીઓને નવા સ્થળે નિમણૂંક આપવાના સત્તાવાર હુકમ રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. અગાઉના વિવિધ હુકમોથી પ્રમોશન મેળવી ચૂકેલા આ અધિકારીઓનું હવે નિમણૂંક સાથે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા ૪ પોલીસ અધિકારીઓને પણ પીઆઇ તરીકે અન્ય જિલ્લાઓમાં મુકવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાંથી બઢતી પામીને અન્યત્ર નિમણૂંક મેળવનાર અધિકારીઓમાં પ્રવિણાબેન કમલેશકુમાર તબિયાર, રાજદીપસિંહ જશુભા જાડેજા, જયદિપકુમાર વિષ્ણુલાલ પટેલ અને સતિષકુમાર લીમજીભાઇ કામોળનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલમાં ફરજ બજાવતા પ્રવિણાબેન કમલેશકુમાર તબિયારની નિમણૂંક સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત રાજદીપસિંહ જશુભા જાડેજાને પંચમહાલથી છોટાઉદેપુર ખાતે નવી નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે અન્ય બે અધિકારીઓ જયદિપકુમાર વિષ્ણુલાલ પટેલ અને સતિષકુમાર લીમજીભાઇ કામોળને પંચમહાલથી પાડોશી જિલ્લા મહિસાગર ખાતે મુકવામાં આવ્યા છે.
ઉચ્ચ કક્ષાએથી થયેલા આ હુકમ મુજબ, તમામ પોલીસ ઇન્સ્પેકટરોને નિમણૂંક વાળી જગ્યાએ હાજર થવા તાત્કાલિક છુટા કરવાના રહેશે. આ તમામ અધિકારીઓએ કોઇપણ જાતની રજા ભોગવ્યા સિવાય તેમના નવા નિમણૂંકના સ્થળે ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે. આ સામુહિક નિમણૂંકો અને બદલીઓને કારણે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો જોવા મળી રહ્યા છે
રિપોર્ટર: આશિષ બારીયા