ગુજરાત મિત્ર…પાવીજેતપુર
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે રેલ્વે સ્ટેશન આગળ એક સ્કૂટરમાં સાપ ભરાઈ ગયો હતો. જેની વાત વાયુવેગે પ્રસરતા લોક ટોળા ભેગા થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુરના રહેવાસી મિત સોની રાતના સમયે લગભગ સવા આઠ વાગે પોતાની ડિયો ગાડીને રેલ્વે સ્ટેશન સામે પાર્ક કરી ચાલવા ગયા હતા. તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા કોબ્રા સાપને ( નાગ ) ડિયો ગાડીમાં જતો જોવામાં આવ્યો હતો. તે દરમિયાન ટ્રેન વડોદરાથી પાવીજેતપુર આવવાનો સમય હોવાથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા. આ વાતની જાણ લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
ત્યાર બાદ પાવીજેતપુર ગામના બાઇક મિકેનિક ફરહાન રેન્જર દ્વારા જ્યારે કોબ્રા સાપ જે ડિયો ગાડીમાં હતો તે દરમિયાન ગાડીના અમુક પાર્ટ્સને ખૂબ મહેનતથી ખોલવામાં આવ્યા હતા અને સાપ પકડનાર આકાશ તડવી દ્વારા ખૂબ જહેમત બાદ અત્યંત ઝેરી કોબ્રા સાપને પકડી લેવામાં આવ્યો હતો. જેને સુરક્ષિત જગ્યા એ જંગલ માં છોડવામાં આવ્યો હતો સાપને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી.