Chhotaudepur

પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે ગણેશ વિસર્જન વખતે ડૂબી જતા એકનું મોત

ગજરા ગામના ૪૫ વર્ષીય યોગેશભાઈ નાયકાનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન

છોટાઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે બુધવારે ગણેશ વિસર્જન દરમ્યાન એક હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતી. ગણપતિ બાપ્પાના વિસર્જનનો પાવન પ્રસંગ ભક્તિમય વાતાવરણ વચ્ચે ચાલી રહ્યો હતો, ત્યારે ગજરા ગામના રહેવાસી યોગેશભાઈ વેચાતભાઈ નાયકા (ઉંમર ૪૫ વર્ષ) તળાવમાં ડૂબી જતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.



મળતી માહિતી મુજબ, યોગેશભાઈ નાયકા પોતાના ગામમાંથી પરિવારજનો અને ગામલોકો સાથે વાવડી ગામના તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવા આવ્યા હતા. વિસર્જનની વિધિ દરમ્યાન તેઓ અચાનક પાણીમાં ડૂબી ગયા .

ઘટનાની જાણ કરી જિલ્લા ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તળાવમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. કેટલીક વારમાં યોગેશભાઈનો નિર્જીવ દેહ તળાવમાંથી બહાર કઢાયો હતો. મૃતદેહ કબજામાં લઈ જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

અકસ્માતની ખબર જેમ ગામલોકો સુધી પહોંચી તેમ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગણેશ વિસર્જનનો પાવન પ્રસંગ દુર્ઘટનામાં પરિવર્તિત થતાં ઉજવણીનું માહોલ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો.

તસવીર: સંજય સોની , છોટાઉદેપુર

Most Popular

To Top