હાલોલ:
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાના દિવસોમાં ઉમટતી ભારે શ્રદ્ધાળુ ભીડ અને વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ આગામી બે માસ સુધી તમામ રવિવારના દિવસોમાં ખાસ ટ્રાફિક નિયમનના પગલાં અમલમાં રહેશે.
જાહેરનામા અનુસાર તળેટીથી માચી સુધીના માર્ગ પર માત્ર સરકારી એસ.ટી. બસો, સરકારી વાહનો તથા પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓને જ અવર-જવરની મંજૂરી આપવામાં આવશે. ખાનગી ભારે અને હળવા વાહનો માટે માચી ખાતેના પાર્કિંગની ઉપલબ્ધતાને આધારે જ પ્રવેશ આપવામાં આવશે. જો પાર્કિંગ ફૂલ થઈ જશે તો કોઈપણ ખાનગી વાહનને તળેટીથી ઉપર જવા દેવામાં આવશે નહીં.
પ્રવેશબંધીના મુખ્ય પોઈન્ટ્સ તરીકે હાલોલ ટિમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ જતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત માચીથી દુધિયા તળાવ સુધીના માર્ગ પર પશુઓ દ્વારા માલસામાન વહન કરવા અથવા પશુઓ દોરીને જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. 21 ફેબ્રુઆરી 2026 થી તા. 20 એપ્રિલ 2026 સુધીના તમામ રવિવારના દિવસોમાં અમલમાં રહેશે. જોકે આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો, સરકારી એસ.ટી. બસો, સરકારી ફરજ પરના વાહનો તથા આરોગ્ય સેવાઓ (એમ્બ્યુલન્સ)ને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વધુમાં જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાનગી પાર્કિંગ સંચાલકોએ પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરેલા દર કરતા વધુ ચાર્જ વસૂલવા નહીં. ખેતીની જમીન પર થતી ખાનગી પાર્કિંગ માટે જમીનના કબજેદારોએ પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રીપોર્ટર: યોગેશ ચૌહાણ.