Halol

પાવાગઢ તળેટીના વડા તળાવમાં બોડેલી તાલુકાનો યુવક ડૂબી ગયો

ફાયર બ્રિગેડની ટીમને ત્રણ કલાકની જહેમત બાદ ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો

હાલોલ:

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢની તળેટી ખાતે આવેલા વડા તળાવમાં બોડેલી તાલુકાનો એક યુવક ડૂબી જતા બનાવની જાણ હાલોલ ફાયર બ્રિગેડને કરાવતા ફાયર બ્રિગેડની ટીમને ત્રણ કલાકની જહેમત બાદ ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે જે તે સમયે ડૂબેલા યુવકને બચાવા ઉતરેલો તેનો મિત્ર પણ એક તબક્કે પાણીમાં ડુબવા લાગ્યો હતો. જોકે તે યુવક મહા મુસીબતે ચારે બાજુ પાણીની વચ્ચે ટેકરી પર પહોંચી ગયો હતો. જોકે ત્યારબાદ તે જગ્યા પર ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી તાલુકાના કાટકુવા ગામના ચાર યુવકો મંગળવારના રોજ પાવાગઢ દર્શને આવ્યા હતા. જેવો પાવાગઢ દર્શન કરી પરત જતા વડા તળાવ ખાતે ગયા હતા. જ્યાં વિપુલભાઈ રાઠવા ઉ. વ.૨૦, વડા તળાવ પાણીમાં ઊતર્યો હતો. જ્યાં તે પાણીમાં તણાઈ જતા તેની સાથેના યુવકો પૈકી તેનો મિત્ર જીગ્નેશભાઈ રાઠવા તેને બચાવવા માટે પાણીમાં ઊતર્યો હતો. જો કે તે પણ એક તબક્કે પાણીમાં ડુબવા લાગ્યો હતો. મહામુસીબતે આ યુવક પાણીની વચ્ચે આવેલી ટેકરી પર સહી સલામત પહોંચી ગયો હતો.
જ્યારે આ બનાવની જાણ હાલોલ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ડૂબેલા યુવક ની શોધ ખોળ હાથ ધરી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમને ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાણીની વચ્ચે ટેકરી પર ફસાયેલા યુવકને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

Most Popular

To Top