Halol

પાવાગઢ ખાતે 24 કરોડ નર્વાણ મંત્ર અનુષ્ઠાનમાં વિદ્યાર્થીઓની ભાવપૂર્ણ ભાગીદારી

પનીયારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો યજ્ઞ આહુતિમાં જોડાયા

હાલોલ | તા. 23
યાત્રાધામ પાવાગઢ ખાતે હાલ ચાલી રહેલા 24 કરોડ નર્વાણ મંત્ર અનુષ્ઠાનમાં દેશ-રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાંથી ભક્તો અને યાત્રિકો સતત ઉમટી રહ્યા છે. આ ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનમાં તમામ વયજૂથના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

આજ રોજ જાંબુઘોડા તાલુકાના પનીયારા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ વહેલી સવારે પાવાગઢ સ્થિત મા મહાકાળી મંદિર ખાતે પહોંચ્યા હતા. પવિત્ર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓને 24 કરોડ નર્વાણ મંત્ર અનુષ્ઠાનમાં યજ્ઞની આહુતિ આપવાનો લાહવો મળ્યો હતો, જે વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને આધ્યાત્મિક અનુભવ બની રહ્યો હતો.

નાનાં ભૂલકાં વિદ્યાર્થીઓએ ભક્તિભાવથી આહુતિ આપતાં મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યો અંગે માર્ગદર્શન

આ પ્રસંગે શિક્ષકોએ વિદ્યાર્થીઓને હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર, ધાર્મિક પરંપરા તથા આધ્યાત્મિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આવા ધાર્મિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારીથી તેમના માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે, તેમ શિક્ષકોએ જણાવ્યું હતું.
પાવાગઢ ખાતે ચાલી રહેલું 24 કરોડ નર્વાણ મંત્ર અનુષ્ઠાન સમગ્ર રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં દરરોજ હજારો ભક્તો મા મહાકાળીના દર્શન કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી રહ્યા છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top