માં કાલિકા ઉડન ખટોલા દ્વારા રોપ-વે સેવાનો સમયગાળો જાહેર કરાયો
આગામી તારીખ 30 મી માર્ચ રવિવારના રોજથી માતાજીનું આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરી માતાજીની આરાધના અને સ્તુતિ કરવાનો અનેરો મહિમા અને શ્રદ્ધાભાવ છે. જેને અનુલક્ષીને ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રિકો યાત્રાધામ પાવાગઢ ખાતે પધારશે તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. માં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શન માટે માતાજીના મંદિરને ખોલવા અને બંધ કરવાનો પણ સમયગાળો પણ વધારી ભક્તજનો સુખ સુવિધા અને આરામથી દર્શન કરી શકે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ ખાતે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત માં કાલિકા ઉડન ખટોલા મેનેજમેન્ટ દ્વારા પણ ચૈત્રી નવરાત્રી અનુલક્ષીને રોપવે સેવાના સમયગાળામાં સુધારો કરી યાત્રિકોની સુખ સુવિધા માટે મંદિર ખોલવાના સમયગાળા દરમિયાન જ રોપ વ સેવા પણ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ચૈત્રી નવરાત્રીની પ્રથમ દિવસે એટલે કે એકમ,આઠમ,નોમ અને પૂનમના દિવસે વહેલી સવારે 4:00 વાગ્યાથી રોપવે સેવા કાર્યરત કરી રાત્રે 8:00 વાગ્યા સુધી કાર્યરત કરવાનું નક્કી કરાયું છે. જેમાં આ દિવસો દરમિયાન મધ્ય રાત્રીના 3:00 કલાકે રોપ-વે સેવાની ટિકિટ બારી જ્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન બાકીના દિવસોમાં જેમાં બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ્ઠ, સાતમ, દશમ,અગિયારસ,બારસ, તેરસ અને ચૌદસના દિવસે વહેલી સવારે 5:00 કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી રોપ-વે સેવા કાર્યરત રહેશે. જ્યારે આ દિવસો દરમિયાન વહેલી પરોઢે 4:00 કલાકે ટિકિટ બારી ખોલી દેવામાં આવ.શે જોકે રોપ-વે સેવા રાત્રિના 8:00 કલાકે બંધ કરવાના સમયે સંજોગોવસાત જરૂરત જણાશે તો થોડો સમય સુધી વધુ રોપ-વે સેવા કાર્યરત રાખી યાત્રિકોને ડુંગર પરથી માચી સુધી નીચે ઉતારવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે.
