National

પાલ્લી ગામે બેન્કમાં કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણ્યા શખ્સે રૂા.૧.૫૦ લાખ ઉપાડી લીધા

દાહોદ : દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બેન્કમાં કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણી વ્યક્તિએ પાલ્લી ગામે રહેતાં એક ૨૮ વર્ષીય યુવતીના મોબાઈલ પર ફોન કરી યુવતીના એટીએમ કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર મેળવી તેની પાસેથી ઓટીપી લઈ યુવતીના બેન્ક ખાતામાંથી કુલ રૂા.૧,૫૦,૦૧૭ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.લીમખેડા તાલુકાના પાલ્લી ગામે રેવન્યું ક્વાટર્સમાં રહેતી અને લીમખેડામાં સી.એચ.સી.માં નર્સ તરીકે ફરજ બજાવતી ૨૮ વર્ષીય પ્રિયંકાબેન ખીમસિંહ ચારેલના મોબાઈલ ફોન પર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પ્રિયંકાબેનને કહેલ કે, હું બેન્કમાંથી ઓમપ્રકાશ વર્મા બોલું છું અને તમારા બેન્ક ખાતામાં કેવાયસી અપડેટ કરવાનું છે.

તમો તમારા એ.ટી.એમ. કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર આપો, તેમ જણાવતાં પ્રિયંકાબેને પોતાના એટીએમ કાર્ડના છેલ્લા ૦૬ ડીજીટ નંબર અજાણી વ્યક્તિને આપી દીધાં હતાં આ બાદ પ્રિયંકાબેનના મોબાઈલ પર ઓટીપી કોડ આવ્યો હતો આ ઓટીપી કોડ પણ પ્રિયંકાબેને અજાણી વ્યક્તિને આપી દેતાં અજાણી વ્યક્તિ દ્વારા પ્રિયંકાબેનના બેન્ક ખાતામાંથી કુલ રૂા.૧,૫૦,૦૧૭ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે લગભગ ૧૦ માસ બાદ પ્રિયંકાબેન ખીમસીંહ ચારેલ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે યુવકના બેન્કના ખાતામાંથી રૂ. ૯૪,૪૪૨ છેતરપિંડી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૪૬ વર્ષીય વ્યક્તિએ બેન્કની પરીક્ષાની ફી એક એપ્લીકેશનના માધ્યમથી પોતાના ક્રેડીટ કાર્ડના માધ્યમથી ભરતાં આ ફી ત્યાં પહોંચી ન હતી જેથી વ્યક્તિએ એપ્લીકેશનમાં દર્શાવેલ હેલ્પલાઈન પર ફોર કરતાં હેલ્પલાઈન નંબરવાળા વ્યક્તિએ વ્યક્તિના બે અલગ અલગ બેન્કખાતામાં કુલ રૂા.૯૪,૪૪૨ રૂપીયા ક્રેડીટ કાર્ડ અને મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતાં આ મામલે પોલીસમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવા પામી છે. મુળ વડોદરામાં રહેતાં અને દેવગઢ બારીઆરમાં પાલિકાની સામે રહેતાં ૪૬ વર્ષીય રાકેશકુમાર સતીષકુમાર સિન્હાએ તારીખ ૨૬મી જુલાઈના રોજ બેન્કની પરીક્ષાની ફી ભરવા માટે કાળીડુંગરી ગામે આળેલ એસ.બી.આઈ. બેન્ક ખાતે પહોંચ્યાં હતાં.

જ્યાંથી તેઓએ સી.આર.ઈ.ડી. એપ્લીકેશનથી આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના પોતાના ક્રેડીટ કાર્ડથી બે વખત ફી જમા કરાવી હતી જ્યાં ૮૫૮૩૦૨૦૧૯૮ નંબર હેલ્પલાઈનનો આપ્યો હતો. આ નંબર પર રાકેશકુમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી હતી. રાકેશકુમારના આઈ.સી.આઈ.સી. બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી રૂા.૪૫,૬૯૮ અને એસ.બી.આઈ. બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી ૪૮,૭૪૪ એમ કુલ મળી રૂા.૯૪,૪૪૨ની રકમ મોબાઈલ નંબરવાળી અજાણી વ્યક્તિએ ઓનલાઈન ઈન્ટરનેટના માધ્યમથી ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે રાકેશકુમાર સતીષકુમાર સિંન્હાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top