વાંધાઓ ઉઠાવતા અને બૂમો પોકારતા કેટલાક સભ્યો આજે મૌન રહ્યા
કાર્યકારી ચેરમેન નીતિન દોંગાની આગેવાનીમાં શાંતિપૂર્ણ બેઠક સંપન્ન
શહેરના વિકાસ માટે મહત્વના કામોને ઝડપભેર મંજૂરી આપતા, સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં અંદાજે રૂ.141 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને લીલીઝંડી આપવામાં આવી છે. કુલ 31 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 30 કામો મંજુર કરવામાં આવ્યા, જ્યારે એક કામ નામંજૂર થયું. હાલના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી ગાંધીનગર બેઠકમાં હોવાથી, સ્થાયી સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે સ્થાયી સભ્ય નીતિન દોંગાની નિમણૂક કરવામાં આવી હતી. તેમની અધ્યક્ષતામાં બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, જેમાં કોઈપણ વિવાદ વિના નિર્ણયો લેવામાં આવ્યા. ખાસ વાત એ રહી કે, સામાન્ય રીતે સ્થિતિની બેઠકમમાં વાંધાઓ ઉઠાવતા અને બૂમો પોકારતા કેટલાક સભ્યો આજે મૌન રહ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો. એકંદરે, શહેરના પ્રગતિશીલ વિકાસ માટે સ્થાયી સમિતિએ મહત્વપૂર્ણ નિર્ણયો લઈને વિવિધ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હતી.
સ્કલ્પચર અને આર્ટ વર્ક માટે વધારાના ફંડની દરખાસ્ત નામંજૂર
વડોદરા શહેરમાં ડેવલોપમેન્ટ ઓફ સ્કલ્પચર એન્ડ આર્ટ વર્કના વિવિધ કામો માટે નાણાંની મર્યાદા વધારવાની દરખાસ્ત પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ લોકેશન્સ પર સ્કલ્પચર અને કલા કૃતિઓ મૂકવાની યોજના હતી. ગત વર્ષે ત્રણ કરોડ રૂપિયાની મર્યાદા સાથે આ કામ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાયી સમિતિએ માત્ર બે કરોડ સુધીની મર્યાદા મંજુર કરી હતી. હવે, વધુ એક વખત આ મર્યાદા વધારી ત્રણ કરોડ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સ્થાયી સમિતિએ ફરીથી નામંજૂર કરી છે. સ્થાયી સમિતિના સભ્યોના મતે, હાલ 10થી વધુ સ્કલ્પચર એવા છે, જે હજુ પણ યોગ્ય લોકેશન પર ગોઠવાયા નથી. નવા સ્કલ્પચર સ્થાપિત કરતા પહેલા, શહેરમાં પહેલેથી હાજર કલા કૃતિઓની યોગ્ય ગોઠવણી કરવી જોઈએ.
ડે. મેયરના વિરોધ વચ્ચે ડ્રેનેજ રીહેબીલીટેશન પ્રોજેક્ટને લીલી ઝંડી
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 12માં આવેલ 1800 મીમી વ્યાસની જૂની ડ્રેનેજ ગ્રેવિટી લાઇનના રીહેબીલીટેશન માટે રૂ. 79.29 કરોડ (+GST)ના ખર્ચ સાથે ટેન્ડર રજૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ શ્રેણીક પાર્ક સર્કલથી અકોટા-દાંડીયા બજાર બ્રીજ જંકશન થઈને અટલાદરા STP સુધી આવેલી લાઇનને નવેસરથી મજબૂત બનાવવા માટે છે. ગત ચોમાસામાં વોર્ડ 12માં ઠેર ઠેર ભુવાની હારમાળા જોવા મળી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી સમયસર ન જતાં અનેક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. વધુમાં, ચોમાસા બાદ ભુવાની મરામત માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થતો રહ્યો છે, જેને પગલે પાલિકાની તિજોરી પર વધારાનો બોજો પણ પડ્યો છે. ગતરોજ મળેલી સ્થાયી સમિતિની સંકલન બેઠકમાં ડે. મેયરે આ કામ મુલતવી રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, કાર્યકારી ચેરમેન નીતિન દોંગાની અધ્યક્ષતામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
નિમેટા પ્લાન્ટ માટે પાંચ વર્ષનો ઈજારો મંજૂર, પૂજા કન્સ્ટ્રક્શન સંચાલન સંભાળશે
પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજે નિમેટા પ્લાન્ટ શુદ્ધિકરણ ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. આ કામ અગાઉ પણ સ્થાયી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ગત બેઠકમાં કેટલાક સભ્યોની અસંમતિને કારણે કામ મુલતવી રાખવું પડ્યું હતું. આજે યોજાયેલી બેઠકમાં ફરી એકવાર કામ મુલતવી કરવા માટે પ્રયાસો થયા હતા, પરંતુ આ વખતે વિરોધ કરનારા સભ્યોના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને કામને અંતે મંજૂરી મળી. નિમેટા પ્લાન્ટનું સંચાલન અને નિભાવણી માટે નવી પાંચ વર્ષની ઈજારો પદ્ધતિ અમલમાં મુકવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હાલમાં પ્લાન્ટના સંચાલન માટે VA Tech Wabag કંપની સાથે કરાર હતો, જેની સમય મર્યાદા એપ્રિલ માસમાં પૂર્ણ થવા જઈ રહી છે. આ સ્થિતિમાં કામ ઝડપથી શરૂ થાય તે જરૂરી હતું. આ મંજૂરીના કારણે હવે નવી કંપની પૂજા કન્સ્ટ્રક્શન પ્લાન્ટનું સંચાલન અને નિભાવણી સંભાળશે.
