20,000 વૃક્ષો કાપવા અને કમિશનરને સંપૂર્ણ સત્તા: વિપક્ષ આ મુદ્દે શાસક પક્ષને ઘેરશે
જમીન વળતરનો મોટો વિવાદ: રેલવે લાઇન માટે 6.85 હેક્ટર જમીનનું હસ્તાંતરણ; જંત્રીના 4 ગણા ભાવે વળતરનો વિકલ્પ
વડોદરા મહાનગરપાલિકા ની સામાન્ય સભા ગુરુવાર, 20 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે શહેરના સર સયાજીરાવ સભાગૃહ ખાતે યોજાશે. કમિશ્નર દ્વારા રજૂ કરાયેલા અને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થયેલા કુલ પાંચ મહત્ત્વના ઠરાવો અંતિમ નિર્ણય માટે હવે સામાન્ય સભા સમક્ષ રજૂ કરાયા છે. આ ઠરાવો શહેરના વહીવટી, નાણાકીય અને માળખાગત વિકાસની દિશા નક્કી કરશે.
સૌથી મહત્ત્વના નાણાકીય ઠરાવમાં, કમિશનર કચેરીના સિપાહી કર્મચારીઓએ તેમના માસિક ખાસ ભથ્થાને ₹300 માંથી વધારીને ₹1000 કરવાની માંગણી કરી છે. સ્થાયી સમિતિએ આ ભલામણ મંજૂર કરીને સામાન્ય સભાની મંજૂરી માટે મોકલી છે. જો આ ઠરાવ પસાર થશે, તો કમિશનર કચેરીના કર્મચારીઓને માસિક ₹700 નો વધારાનો નાણાકીય લાભ મળશે, જેનાથી તેમના પગારમાં નોંધપાત્ર વધારો થશે.
નાગરિકોના બાકી વેરાને લગતી વ્યાજ માફી યોજના હાલમાં અમલમાં છે, ત્યારે સભામાં વર્ષ 2025-26 માટેની ઇન્સેન્ટિવ રીબેટ સ્કીમ અંગેનો ઠરાવ પણ રજૂ થશે. કમિશનર દ્વારા ક્ષેત્રફળ આધારિત અને ભાડા આધારિત આકારણી પદ્ધતિ માટે અલગ-અલગ ઇન્સેન્ટિવ યોજનાઓ મંજૂર કરવાની ભલામણ કરાઈ છે, જેને સ્થાયી સમિતિએ પહેલેથી મંજૂરી આપી દીધી છે. આનાથી સમયસર વેરો ભરનારા નાગરિકોને આકર્ષક વળતર મળી શકશે.
અન્ય મુદ્દામાં, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના અધિકારીઓ અને ફાયરમેનને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર ખાતે જાન્યુઆરી 2026 થી શરૂ થનારા ‘ડિવિઝનલ ઓફિસર’ અને ‘સબ ઓફિસર’ કોર્સમાં સ્વખર્ચે ભાગ લેવાની મંજૂરી આપવા અંગેનો ઠરાવ રજૂ થશે. આ ભલામણને પણ સ્થાયી સમિતિની લીલી ઝંડી મળી ગઈ છે, જે ફાયર વિભાગની કાર્યક્ષમતા વધારશે.
મોટો નિર્ણય: આજવા ડેમ નજીક રેલવે લાઈનનું જમીન હસ્તાંતરણ વિવાદનું કેન્દ્ર..
સભાનો સૌથી સંવેદનશીલ મુદ્દો આજવા ડેમ પાસેની નેરોગેજ લાઇનને મિયાગામ ડભોઇ–સમીયાલા નવી બ્રોડગેજ લાઇન સાથે ખસેડવા માટે VMC ની જમીનના પરિવર્તનની પ્રક્રિયાનો છે. આ ઠરાવમાં વિવાદ જોર પકડે તેવા મુખ્ય મુદ્દાઓ:
*વેસ્ટર્ન રેલવેની કુલ 6.05 હેક્ટર જમીનનો કબજો પાલિકાને સોંપવો.
*અટાપી વિસ્તારની 6.85 હેક્ટર જમીનમાં નવી બ્રોડગેજ લાઇન નાંખવાની મંજૂરી આપવી.
*જમીન વળતર મુદ્દે સરકારની 2011ની જંત્રીના ચાર ગણા ભાવે રેલવે પાસેથી રકમ મેળવવાનો વિકલ્પ રાખવો.
*ફોરેસ્ટ વિભાગની જમીનમાં આવેલા આશરે 20,000 વૃક્ષો કાપવા યોગ્ય મંજૂરી મેળવવી.
*સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂરી કરવા માટે કમિશનરને સંપૂર્ણ સત્તા આપવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન હસ્તાંતરણ અને ખાસ કરીને જંત્રીના ચાર ગણા વળતરના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મોટો મતભેદ ઊભો થવાની અને ગરમાગરમ ચર્ચા થવાની પૂરેપૂરી શક્યતા છે.
મુદ્દો વિગત
1.ગત સભાની કાર્યવાહી નોંધ મંજૂરી આપવા બાબત ચર્ચા.
2.સિપાહી ભથ્થામાં વધારો ₹300 થી ₹1000, સ્થાયી સમિતિએ મંજૂર.
3.વેરા રીબેટ સ્કીમ
2025-26 માટે, ક્ષેત્રફળ અને ભાડા આધારિત અલગ સ્કીમ.
4.રેલવે જમીન હસ્તાંતરણ 6.85 હેક્ટર નવી લાઇન માટે, ₹20,000 વૃક્ષો કપાશે, જંત્રીના 4 ગણા વળતરનો વિકલ્પ.
5.ફાયર સર્વિસ તાલીમ
નાગપુર કોર્સમાં સ્વખર્ચે ભાગ લેવા મંજૂરી.