કચેરીમાં પૂર્વ ઝૉનના આસિસ્ટન્ટ કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની ઓફિસ આવેલી હોવા છતાં કોઇના ધ્યાનમાં ન આવ્યું.
જો દબાણ દૂર કરી તટસ્થ તપાસ નહીં કરાય તો વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનર પાસે જવાબ માંગવામાં આવશે :-કાર્યકારી પ્રમુખ.
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા ખાતે આવેલ વોર્ડ નંબર 4 ની કચેરીની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી ચાર માળની બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવેલ હતી જેને તોડવાનું કામ પાલિકા દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલ હતુ પરંતુ મોટો સવાલ એ છે કે પાલિકાની કચેરીની બાજુમાં જ આ રીતે દબાણ થઈ રહ્યું હતું અને એ કચેરીમાં પૂર્વ ઝૉનના આસિસ્ટન્ટ કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની ઓફિસ આવેલી હોવા છતાં આ રીતેનું બાંધકામ થઈ ગયું છતાં કોઈના ધ્યાને ના આવ્યું ?
વડોદરા શહેરમાં દિવા તળે જ અંધારા જેવો ઘાટ સર્જાયો હોય તેવું જણાય છે. શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરનાર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ગરીબોના આવાસો, ધાર્મિક સ્થળો તોડી દૂર કરતું પાલિકા તંત્ર બિલ્ડરો, માલેતુજારો દ્વારા કરાતાં ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કરતાં હોય તેવું લાગી રહ્યું છે.શહેરના સંગમ ચાર રસ્તા ખાતે આવેલ વોર્ડ નંબર 4 ની કચેરીની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી ચાર માળની બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવેલ હતી જેને તોડવાનું કામ પાલિકા દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલ.આ અંગે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની કચેરી દ્વારા આ બિલ્ડર સાથે મસ મોટો વહીવટ કરીને આ પ્રકારના દબાણો કરવા દેવામાં આવતા હોય છે ગુરુવારે પણ જ્યારે પાલિકા દ્વારા આ બિલ્ડિંગને તોડવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેશનના જ મોટા અધિકારીનો ફોન આવતા કામગીરી રોકી ફક્ત બિલ્ડીંગને સીલ કરી દબાણ શાખાની ટીમ અને TDO ની ટીમ પરત ફરી ગઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ જોતાં એ સાબિત થાય છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસરો અને કોર્પોરેશનના અધિકારીઓની મીલીભગતના કારણે અને બિલ્ડર જોડે મસમોટા વ્યવહાર કરી કાં તો કોઈ નેતા કે અધિકારીના દબાવથી આ બિલ્ડીંગના દબાણને તોડતા રોકી દેવામાં આવ્યો હતો? જો આ જ રીતે મોટા બિલ્ડરોને અધિકારીઓ દ્વારા બચાવવામાં આવતા હોય તો કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ગરીબ લોકોના ઝુંપડા ઉપર અને ધંધા ઉપર તરાપ કેમ મારતા હોય છે એ પણ એક મોટો સવાલ છે વધુમાં પવન ગુપ્તાએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો આ દબાણને તોડવામાં ન આવ્યું તો આવનાર દિવસોમાં પાલિકાની વડી કચેરીએ જઈ અધિકારીઓથી પૂછવામાં આવશે કે એવી તો કઈ પદ્ધતિ છે જેનાથી કલાકોમાં જ ગેરકાયદેસર બિલ્ડીંગ કાયદેસર થઈ જાય છે એ જાહેર જનતાને પણ બતાવવામાં આવે જેથી ગરીબ લોકો પોતાના ઘરને પણ લીગલ બનાવી શકે જેનાથી ગરીબોના ઘર ના દબાણ પણ બચી શકે.