શહેરમાં ભારદારી વાહનો જોખમી બની રહ્યાં છતાં તંત્રના આંખ આડા કાન
અકસ્માતમાં કારને નુકસાન જ્યારે વકીલનો આબાદ બચાવ



(પ્રતિનિધિ) વડોદરા તા. 21
શહેરના મુજમહુડા ખાતે આવેલા વિશ્વામિત્રી ફ્લાયઓવર બ્રિજ પર મંગળવારે બપોરના સુમારે પાલિકાના ડમ્પર ચાલકે વકીલની કારને અડફેટે લઇ દૂર સુધી ધસેડતા કારને નુકસાન જો કે સદનસીબે વકીલનો આબાદ બચાવ થયો હતો.અકસ્માતને પગલે વકીલે પોલીસ આરટીઓ તથા ટ્રાફિક શાખાની નીતિઓ ને જવાબદાર ઠેરવી.


વડોદરા શહેરમાં ધોળે દિવસે ભારદારી વાહનો જેમાં ખાસ કરીને ડમ્પરો માતેલા સાંઢની માફક દોડતા હોય છે અને અકસ્માત સર્જી રહ્યા છતાં આર.ટી.ઓ.વિભાગ, ટ્રાફિક પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા તટસ્થતાથી કોઈ નિર્ણય ન લેવાતાં છેલ્લા એક વર્ષમાં ઘણા લોકો ડમ્પરના કારણે ભોગ બની રહ્યા છે ત્યારે મંગળવારે બપોરના સુમારે શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી બ્રિજ પર પાલિકાના એક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે શહેરના એક જાણીતા ધારાશાસ્ત્રી સ્નેહલ શાહ જેઓ પોતાની રાજમહેલ રોડ પર આવેલી ઓફિસથી કોર્ટ જવા માટે નિકળ્યા હતા તેઓની કારને અડફેટે લઇ થોડે દૂર સુધી ઢસડી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત ને પગલે બ્રિજની આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો જ્યારે આ અકસ્માતમાં વકીલની કારને મોટું નુક્સાન થયું હતું જો કે સદનસીબે વકીલનો આબાદ બચાવ થવા પામ્યો હતો લોકોએ વકીલને બીજી તરફના દરવાજાથી બહાર કાઢી લીધા હતા.અકસ્માતમા કરના ડ્રાઇવર તરફના સાઇડે સાઇડ ગ્લાસમાં, પાછળના ભાગે કાચ તૂટી ગયા હતા તથા કારના સાઇડના ભાગે તથા આગળ મોટું નુક્સાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડમ્પર ચાલકને અટકમાં લીધો હતો. આ સમગ્ર મામલે એડવોકેટ સ્નેહલ શાહે પોલીસ, ટ્રાફિક પોલીસ તથા પાલિકા તંત્રને જવાબદાર ઠેરવી આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પાલિકાના આ કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડમ્પરમાં આરટીઓના નિયમો મુજબની એક પણ વસ્તુ નથી સાઇડ ની દિશા સૂચક લાઇટ નથી, ડમ્પરના પાછળના ભાગે નંબર પ્લેટ સુધ્ધાં નથી ડ્રાઇવર પાસે લાયસન્સ છે કે નથી એ પોલીસની તપાસનો વિષય છે પરંતુ શહેરમાં આરટીઓ, ટ્રાફિક પોલીસ, પોલીસની મિલિભગતથી આવા ડમ્પરો બેફામ રીતે શહેરમાં ચાલી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ગત એક વર્ષમાં શહેરના અક્ષરચોક બ્રિજથી ઉતરતા સર્કલ પાસે, શહેરના કારેલીબાગ વિસ્તારમાં, મકરપુરા અને જામ્બુવા વિસ્તારમાં ડમ્પરે લોકોના ભોગ લીધા હતા અને ઘણા લોકો આવા ભારદારી વાહનોને કારણે ઇજાગ્રસ્ત થ ઇ રહ્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિક પોઇન્ટ્સ, સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તેવું જણાય છે. સીસીટીવી કેમેરામાં ફક્ત શું નાના વાહનો જ ટ્રાફિક અને આરટીઓને દેખાય છે પરંતુ આ ભારદારી માતેલા સાંઢની માફક લોકો માટે કાળરૂપી દોડતા ડમ્પરો, ભારદારી વાહનો નજરે પડતાં નથી?