ટોયલેટ કરાવવાની ના પાડતા યુવકે મહિલા પર ક્રિકેટ બેટ વડે હુમલો
જડબું ફાટી જતા મહિલા ગંભીર ઈજાગ્રસ્ત, માંજલપુર પોલીસે આરોપીની અટકાયત કરી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 6
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલતુ શ્વાનને લઈ પડોશીઓ વચ્ચે થયેલો સામાન્ય વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકે ઉશ્કેરાઈને મહિલા પર ક્રિકેટ બેટ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવને પગલે સોસાયટીમાં ભારે હાહાકાર મચી ગયો હતો અને લોકોને ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ માંજલપુર વિસ્તારની મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા દીપરાજસિંહ ચૌહાણ નામનો યુવક પોતાના પાલતુ શ્વાનને પાડોશીના ઘર સામે ઊભું રાખીને ટોયલેટ કરાવતો હતો. આ બાબતે પડોશી મહિલા વૈશાલીબેન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને શ્વાનને અન્યના ઘર સામે ગંદકી ન કરાવવાની સમજાવટ કરવામાં આવી હતી.

મહિલાની આ વાતથી ઉશ્કેરાયેલા યુવકે ઘરે જઈ ક્રિકેટ બેટ લઈને આવી મહિલાના માથાના ભાગે જોરદાર ફટકો માર્યો હતો. હુમલા કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી અને જડબાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવ બનતા સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને વચ્ચે પડી મહિલાને વધુ મારથી બચાવી હતી. ઈજાગ્રસ્ત મહિલાના પતિ વિકાસ મીરે દ્વારા માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આરોપી દીપરાજસિંહ ચૌહાણની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.