વડોદરા નજીક આવેલી લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેરલના વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું છે. બે દિવસથી તેની તબિયત બગાડતા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ એમ્બ્યુલન્સના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો. વરણામા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરા નજીક વાઘોડિયાના લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે રોનાલ્ડ થોમસ કરીપાઈલ રોય (ઉં. વ. 23) કેરળથી આવ્યો હતો અને કેલનપુર પાસે અક્ષર સીટી સોસાયટીમાં ભાડે મકાન રાખી રહેતો હતો. બે દિવસથી રોનાલ્ડને ઉલટી સતત થતી હતી.જેથી 22મી મેના રોજ તેની તબિયત વધુ બગડતા મકાન માલિક લક્ષ્મણભાઈ પંચાલે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સમાં ફરજ બજાવનાર કર્મચારીએ યુવાનની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. વરણામા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ સજુભા અર્જુનસિહ અક્ષર સીટી સોસાયટી ખાતે દોડી આવ્યા હતા. પોલીસે મોતને યુવાનની લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સૂત્રોમાંથી જાના મળ્યા આ યુવાને વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હોવાનું બહાર આવ્યું હતું. જોકે યુવાકના મોતનું કારણ જાણવા માટે તેના વિસેરા લીધા બાદ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ દ્વારા મોતને ભેટેલા યુવાનના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પરિવારજનો આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે