એક દિવસ શિષ્યોએ ગુરુજીને પૂછ્યું, ‘‘ગુરુજી, તમે અમને શીખવાડ્યું છે કે પાપ કરવું નહિ અને પુણ્ય કરતાં રહેવું. પાપ કરવું ન જોઈએ તે બધા જાણે છે છતાં લોકો જીવનમાં પાપ કરે જ છે તેનું કારણ શું?’’ ગુરુજી બોલ્યા, ‘‘શિષ્યો, પાપ ન જ કરવું જોઈએ અને પુણ્ય કરતાં જ રહેવું જોઈએ તે બધા જાણે છે છતાં બધા પાપ કરે છે તેનું કારણ સમજાવવા હું તમને એક નાની કથા કહું છું.’’ગુરુજીએ ત્રણ મિત્રોની કથા શરૂ કરી.
ત્રણ ખાસ મિત્રો હતા. તેઓ મહેનત કરી કમાતા અને ઘરનું ગુજરાન ચલાવતાં,પણ સખત મહેનત કરી થાક્યા હતા. એક દિવસ ત્રણ જણે નક્કી કર્યું કે આમ મહેનત કરી જીવન વીતી જશે તેના કરતાં કોઈ ખજાનાની શોધ કરીએ. એક સિદ્ધ પાસેથી જાણવા મળ્યું કે જંગલમાં એક અતિ વિકટ ગુફામાં ખજાનો છે પણ ત્યાં પહોંચવું કઠીન છે. ત્રણે મિત્રો મહેનત કરી ખજાનાવાળી ગુફા સુધી પહોંચી ગયા. આખી ગુફા સોના, હીરા, ઝવેરાતથી ભરેલી હતી. ત્રણે મિત્રોની સાત શું; ચૌદ પેઢી બેસીને ખાઈ શકે તેનાથી વધારે ધન હતું. ત્રણે મિત્રો ખજાનો જોઇને ખુશ ખુશ થઈ ગયા અને ખજાનો કઈ રીતે લઇ જવો તેની વિચારણા કરવા લાગ્યા. એક મિત્રે કહ્યું, ‘‘બહુ થાક્યાં છીએ. કૈંક ખાઈ લઈએ અને થોડો વિશ્રામ કરીએ.’’ બે મિત્રો જંગલમાં ખોરાકની શોધમાં ગયા.
આટલો બધો ખજાનો જોઇને બધાના મનમાં લોભ અને લાલચ પ્રવેશ્યાં. ત્રણે મિત્રો ભાગ પડે તો પણ અઢળક મળે તેટલો ખજાનો હતો પણ ત્રણેના મનમાં લોભ અને લાલચને કારણે વિચાર આવ્યો કે આ બે સાથે ખજાનો વહેંચવો ન પડે અને ખાલી મને જ આખો ખજાનો મળે તો? જે બે મિત્રો ભોજન શોધવા ગયા હતા તેમાંથી એક મિત્રે બીજા મિત્રને પાછળથી હુમલો કરી મારી નાખ્યો અને પછી પોતે થોડાં રસીલાં પણ ઝેરી ફળ લઈને ગુફામાં આવ્યો અને ગુફામાં રહેલા મિત્રને રડતાં રડતાં કહ્યું, ‘‘આપણા મિત્રને વાઘે ફાડી ખાધો’’. આ સાંભળી દુઃખી થવાને બદલે ત્રીજા ગુફામાં રહેલા મિત્રને મનમાં વિચાર આવ્યો કે તને પણ વાઘે મારી નાખ્યો હોત તો સારું થાત. ત્રીજા મિત્રે બીજા મિત્ર પર હુમલો કરી તેને મારી નાખ્યો. હવે આખો ખજાનો પોતાનો થઈ ગયો તેમ વિચારી તે ખુશ થતો આરામ કરવા બેઠો. તેની નજર મિત્રે લાવેલાં રસીલાં ફળ પર પડી. તેણે ફળ ખાધું અને તે ઝેરી ફળ ખાવાથી તે પણ મરી ગયો.
ત્રણે ખાસ મિત્રો હતા પણ ખજાનો જોઇને તેમના મનમાં લોભ અને લાલચ આવ્યાં અને આખો ખજાનો એકલાં મેળવી લેવા તેમણે મિત્ર હત્યાનું પાપ કરતાં પણ વિચાર ન કર્યો. આમ લોભ ,લાલચ ,સ્વાર્થ પાપનું મૂળ કારણ છે. બધા જીવનમાં લોભ, લાલચ અને સ્વાર્થ વૃત્તિને લીધે પાપ કરે છે.
ગુરુજીએ વાર્તા કહીને શિષ્યોને સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.