મહાકાળી મંદિર નજીક અકસ્માત બાદ રસ્તા પર પથ્થરો ફેલાતા ટ્રાફિક જામ
પોલીસ દોડી આવી, ટ્રાફિક વ્યવસ્થા સંભાળી, માર્ગ આંશિક બંધ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 6
વડોદરા જિલ્લાના પાદરા ખાતે મહાકાળી મંદિર નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પથ્થર ભરેલી ટ્રક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ પાદરા નજીક મહાકાળી મંદિર પાસેથી પસાર થઈ રહેલી પથ્થર ભરેલી ટ્રકનો ચાલક અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રક રસ્તા પર પલટી ગઈ હતી. ટ્રક પલટી જતા તેમાં ભરેલા પથ્થરો રસ્તા પર ફેલાઈ ગયા હતા, જેના કારણે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને માર્ગના એક ભાગને તાત્કાલિક બંધ કરીને વાહનોને વૈકલ્પિક માર્ગે દોરવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.