હરણી લેક ઝોનની ઘટના બાદ પણ પ્રવાસમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું બહાર આવ્યું :
ડીઈઓ કચેરી દ્વારા તપાસના આદેશ અપાયા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.31
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા પ્રાથમિક શાળાના બાળકો દરિયા કિનારે પાણીમાં મસ્તી કરી રહ્યા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. પોરબંદરના માધવપુર બીચનો વીડિયો એક નાગરીકે ઉતારી સોશિયલ મિડિયામાં મૂકયો છે. હરણી લેક કાંડની ઘટના બાદ આ વાયરલ થયેલા વીડિયોને લઈ ડીઈઓ કચેરી દ્વારા તપાસના આદેશ અપાયા છે.
એક તરફ વડોદરા શહેર અને રાજયમાં સંખ્યાબંધ શાળાએ પ્રવાસો રદ કર્યા છે ત્યારે પાદરાની સાદરા પ્રાથમીક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઇ જઇ માધવપુર દરિયામાં 30થી 40 બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડિયો નાગરીકે ઉતાર્યો હતો. જેમાં સ્પષ્ટ નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં છે અને બાળકો પાણીમાં જોખમી મસ્તી કરે છે. વિડિયો ઉતારનાર શિક્ષકને હરણીની ઘટના અંગે પૂછી પ્રશ્ન કર્યો હતો કે વડોદરા હરણી તળાવમાં ઘટના બની તેને તમે ધ્યાનમાં નથી લેતા ? શિક્ષકે જવાબ આપ્યો ના હતો. બાળકો શિક્ષકની સામે જ પાણીમાં મસ્તી કરી રહ્યા છે. એક તબક્કે શિક્ષક બાળકોને બહાર કાઢવાની કોશીશ કરતાં પણ નજરે પડે છે. અત્રે નોંધનીય બાબતે છે કે વડોદરામાં હરણી લેક દુર્ઘટનાની શ્યાહી હજી તો સુકાઈ નથી. ત્યાંતો આ શાળાના શિક્ષકો દ્વારા બાળકોને બીચ પર પ્રવાસે લઈ જવામાં આવ્યા છે. પ્રવાસની નિયમાનુસાર મંજૂરી મેળવી છે. પરંતુ નિયમમાં સ્પષ્ટ પણે જણાવેલ છે કે વધુ ઊંચાઈવાળા ઊંડાણ વાળા પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી. તેમ છતાં શાળાના શિક્ષકો દ્વારા બાળકોને જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં સાદરા ની શાળાના બાળકોનો જોખમી પ્રવાસ નો વિડીયો વાયરલ થતાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી તુરંત તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
આ ઘટના બની ખૂબ જ ગંભીર બાબત છે, શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે
પાદરા તાલુકાના સાદરા ગામના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે 25 જાન્યુઆરીથી મંજૂરી આપવામાં આવેલી છે એવી પ્રવાસ શરતોને આધીન મંજૂરી આપવામાં આવેલી છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાઈ તમામ બાબતોને યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ જ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણ વાળા પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી ખરેખર આ ઘટના બની ખૂબ જ ગંભીર બાબત છે આ ઘટનાની જાણ થતા જ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર વિરુદ્ધ સો ટકા પગલાં લેવામાં આવશે હવે પછી ખાસ તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે કે કોઈપણ આવા પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા એ ઉપરાંત ટૂંકો પ્રવાસ કરાવો એવી સૂચના આપીશું : મહેશ પાંડે, એજ્યુકેશન ઈન્સ્પેકટર, ડીઈઓ કચેરી