ઇજારદારના માણસોએ રજાના દિવસે સાગમટે રજા પાડી દેતા કાર્યવાહી
રક્ષાબંધને પાણી ન મળતા દીપ સોસાયટી અને ભવાની સોસાયટી સહિતના રહીશોએ કારેલીબાગ પાણી ટાંકીએ જઈ વિરોધ કર્યો હતો
વડોદરામાં તાજેતરમાં રક્ષાબંધનની રજા દરમિયાન કારેલીબાગ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણમાં થયેલી બેદરકારી સામે પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. દીપ સોસાયટી અને ભવાની સોસાયટીના રહીશોને રજાના દિવસે પાણી ન મળતા તેઓ સીધા કારેલીબાગ પાણીની ટાંકી પર પહોંચ્યા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. માહિતી મુજબ, પાણી વિતરણ માટે વડોદરા મહાનગરપાલિકાએ વાયટલ ફેસિલિટીઝ નામની કંપનીને ઇજારામાં કામ સોંપ્યું છે. આ કંપની પર પાણી વિતરણ માટે પૂરતું માનવબળ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી છે. કારેલીબાગ વિસ્તારમાં પણ પાણીનું વિતરણ આ જ કંપનીના માણસો દ્વારા કરવામાં આવે છે. પરંતુ રક્ષાબંધનની રજાના દિવસે આ ઇજારદાર કંપનીના માણસોએ કોઈને જાણ કર્યા વગર એકસાથે રજા પાડી દીધી હતી. જેના કારણે પાણી વિતરણમાં વિલંબ થયો અને દીપ સોસાયટી, ભવાની સોસાયટી સહિતના વિસ્તારોમાં રહીશો પાણી વિના રહી ગયા હતા. આ પરિસ્થિતિથી નારાજ રહીશો સીધા કારેલીબાગ પાણીની ટાંકી પર પહોંચી ગયા અને પાલિકા અધિકારીઓને સમસ્યા અંગે માહિતગાર કર્યા.
રહીશોના રોષ બાદ તંત્રે તપાસ હાથ ધરી હતી. જેમાં માલુમ પડ્યું કે ઇજારદાર કંપની દ્વારા માનવબળ પુરું પાડવામાં બેદરકારી રાખવામાં આવી છે અને તેની કોઈ પૂર્વ જાણ પાલિકાને કરાઈ નહોતી. પાણી જેવી મૂળભૂત સેવાઓમાં આ પ્રકારની ખામી ઉભી થવાથી લોકો પર સીધો પ્રભાવ પડ્યો હતો. પાલિકાએ આ ઘટના અંગે વાયટલ ફેસિલિટીઝ કંપનીને નોટિસ પાઠવી છે અને જવાબદારી નિર્ધારિત કરીને રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ચેતવણી પણ આપવામાં આવી છે. પાણી વિતરણ જેવી જરૂરી સેવાઓમાં રજાના દિવસોમાં પણ સતત કામગીરી જરૂરી છે. પાલિકાના જણાવ્યા મુજબ, ઇજારદાર કંપનીને માનવબળની વ્યવસ્થા પૂર્વ આયોજનથી કરવાની ફરજ છે. આ કેસમાં તે ન થવાથી આર્થિક દંડની કાર્યવાહી કરવામાં આવી છે.
શટડાઉન-પાઇપલાઇન ખામી વચ્ચે કારેલીબાગમાં પાણીનો કકળાટ
મહીસાગર નદીના રાયકા-દોડકા ખાતે મોટી પાણીની લાઈન નાખ્યા છતાં કારેલીબાગમાં પાણીના ધાંધિયા યથાવત છે. તંત્રે પ્રેશર વધારાની જાહેરાત કરી હતી, પરંતુ રાહત મળી નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અક્ષતા સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ ત્યારે પાલિકાએ ચકાસણી કરતા વર્ષો જૂની કટાઈ ગયેલી પાઇપ મળી આવી હતી. ગત 3 ઓગસ્ટે વીજ કંપનીએ 11 ઓગસ્ટે શટડાઉન જાહેર કરતાં સવારનું પાણી બંધ અને બપોરે ઓછા પ્રેશરથી આપવાનું જણાવ્યું હતું. પરિણામે વિસ્તારમાં ફરી પાણીની તંગી સર્જાઈ. છેલ્લા દોઢેક મહિનાથી પાણી કકળાટને કારણે સ્થાનિકો આંદોલન, ટાંકીએ હલ્લાબોલ કરતા રહ્યા છે, જ્યારે તંત્ર ટેન્કરથી સમસ્યા ડામવાનો પ્રયાસ કરી રહ્યું છે.