વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદ નગર નજીક જળશક્તિ અભિયાન અંતર્ગત સ્પોન્જ પોન્ડનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્થાનિક લોકોમાં ઘરોમાં ઘરેલું વેસ્ટથી ખાતર બનાવવા માટે હોમ કંપોસ્ટ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની સહિતના કોર્પોરેટરો અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા. પ્રોગ્રામ પૂર્ણ થયા પછી સ્થાનિક રહીશોએ હાજર નેતાઓ સામે સ્પષ્ટ રીતે માંગણી રાખી કે, આ વખતે ચોમાસામાં અમારું વિસ્તાર ફરી પાણીમાં ગરકાવ ન થાય એ માટે ખાતરી આપવામાં આવે.
રહીશોએ જણાવ્યું કે વર્ષો થી આ સમસ્યા ચાલી રહી છે અને અમારી તકલીફને કોઈ પણ ગંભીરતાથી લેતું નથી. રહીશોએ તટસ્થ રીતે કહ્યું કે, “અમે કોઈ પક્ષના વિરોધમાં નથી, પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા આવે છે. વરસાદ આવે ત્યારે કોઈ દેખાતું નથી. લાઇન ચોખ્ખી નથી, પાણી નિકળી શકતું નથી. વર્ષ 2019માં આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે મીડિયાની મદદથી સહાય મળી હતી.” એક મહિલા રહીશે ગુસ્સાભેર કહ્યું કે, “અમે આખી રાત બાળકો સાથે બેસી રહેવું પડે છે. અનાજ પણ પાણીમાં ભીંજાય છે. આમ તો આજે પ્રોગ્રામ હોવાથી બધાને અહીં આવવું પડ્યું છે, પણ જ્યારે પાણી ભરાય ત્યારે કોઈ જોવા પણ આવતું નથી. અમારું દુઃખ જોયા વગર ઉકેલ આવશે નહીં.”