ગોત્રી યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે 15 દિવસથી ઉભરાતી ડ્રેનેજથી લોકો ત્રાહિમામ :
કાઉન્સિલરોનું રટણ : અધિકારીઓ સાંભળતા નથી
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 10માં સમાવિષ્ટ ગોત્રી યક્ષ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે છેલ્લા 15 દિવસથી પાણીની મુખ્ય લાઈનના વાલ્વ પાસેથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે. ઉભરાતી ડ્રેનેજના દૂષિત પાણી પીવાલાયક પાણીમાં ભળે તો લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઈ છે. કોર્પોરેટરોને રજૂઆત પણ અધિકારીઓજ સાંભળતા નહીં હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશોને માત્રને માત્ર ફોટા પડાવવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. શહેર ખાડોદરા બની ગયું,દરરોજ શહેરના જુદાજુદા વિસ્તારોમાં ભુવા નિર્માણ પાણી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં આજે પણ રોડ રસ્તા પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. છાશવારે કાઉન્સિલરો પણ અધિકારીઓ સાંભળતા નહીં હોવાનું રટણ કરતા હોય છે. ત્યારે, હવે પાલિકામાં માત્ર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનું રાજ હોય તેમ મનાઈ રહ્યું છે.

શહેરના ગોત્રી ચારરસ્તા વિસ્તારમાં વીતેલા 15 દિવસથી ડ્રેનેજ લાઈન લીકેજ થઈ છે. જેના દૂષિત પાણી પીવાલાયક પાણીના મુખ્ય વાલ પાસેથી વહી રહ્યા છે, આ દૂષિત પાણી સાથે પીવાના પાણીની લાઈનમાં ભળી જાય તેવી સ્થિતિ ઘણા સમયથી પ્રવર્તી છે. ત્યારે, આ પરિસ્થિતિ સ્થાનિક રહીશો માટે સ્વાસ્થ્યનો મોટો ખતરો ઉભો કરે તેવી શક્યતા છે,તેમ છતાં વોર્ડ 10 નું તંત્ર આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર નિદ્રાધીન શબ્દ અહીં સંપૂર્ણપણે સાર્થક કરે છે. કારણ કે, લોકોની જીંદગી સાથે સંકળાયેલા આટલા ગંભીર પ્રશ્ન પર સત્વરે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વોર્ડ 10 ના કોર્પોરેટરને સ્થાનિક રહીશો દ્વારા રજુઆત કરતા તેઓ દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું, તેમ છતાં આટલા દિવસથી જૈસે થેની જ સ્થિતિ જોવા મળી છે. ત્યારે, જો કોર્પોરેટરનું જ અધિકારીઓ સાંભળતા ના હોય તો સામાન્ય નાગરિકનું શું સાંભળશે.
ફોટા વીડિયો મોકલી કાઉન્સિરોને રજૂઆત કરી છે છતાં કાર્યવાહી થઈ નથી :

ગટરનું પાણી અહીંયા પાણીનો વાલ્વ આવેલો છે. ત્યાંથી ઉભરાઈ રહ્યું છે. કોર્પોરેટરને કહ્યું તેમણે અધિકારીઓને કહ્યું, પણ અધિકારીઓ કોર્પોરેટરનું સાંભળવા તૈયાર નથી. અમે એટલી બધી રજૂઆત કરી છે કે, કાલે ઉઠીને જો આ પાણી, પાણીના વાલ્વની અંદર મિક્સ થશે અને જો રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કોની ? કોર્પોરેટર ઉમંગ ભટ્ટને ફોટા વિડિયો બધી રીતે જાણ કરેલી છે. તેમનું કહેવું છે કે, અધિકારીઓ કામ કરી રહ્યા નથી. કુસુમબેન વાઘેલાને પણ રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી આની કામગીરી થઈ નથી. :
જયેશ પટેલ,સ્થાનિક