
વડોદરા, તા.27:
વડોદરા શહેરના પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું ગેરકાયદે વેચાણ કરતા એક શખ્સને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા આઈડી મારફતે ગ્રાહકોને છૂટકમાં ઇ-સિગારેટ વેચાણ કરતો આરોપી કાર સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી કુલ રૂ.7.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત ઇ-સિગારેટના ગેરકાયદે વેપાર અંગે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં જાહેર માર્ગ પર ફૈઝલ શેખ નામનો શખ્સ બલેનો કારમાં ઇ-સિગારેટનો જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે એસઓજીએ સ્થળ પર રેડ કરતા ફૈઝલ શેખને ઝડપી પાડ્યો હતો. તેની કારની તપાસ કરતા ડિક્કીમાંથી અલગ-અલગ કંપની અને ફ્લેવરની ‘મેડ ઇન ચાઇના’ બનાવટની કુલ 49 ઇ-સિગારેટ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ.1.05 લાખ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીએ આ જથ્થો મુંબઈના અમનખાન પાસેથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત, તે સોશિયલ મીડિયા આઈડી મારફતે પણ વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીની પાસેથી કુલ રૂ.1.80 લાખની ઇ-સિગારેટ, રૂ.5 લાખની કાર અને રૂ.30 હજારનો મોબાઇલ મળી કુલ રૂ.7.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ સિટી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને આ ગેરકાયદે નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરાઈ છે.