CCTV જોઈ કાળજા કંપ્યા
વડોદરા | તા. 25 ફેબ્રુઆરી
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં તેજ રફતાર વધુ એક યુવક માટે મોતનું કારણ બની છે. ઓવર સ્પીડમાં બાઈક ચલાવતો 19 વર્ષીય યુવક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને ખાનગી પેટ્રોલપંપ પર આવેલા હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર ભટકાતા સેકંડોમાં જ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. આ ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ વાયરલ થતા લોકોના કાળજા કંપી ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના કલાલી ગામના ચાણક્યનગરીમાં રહેતો આદિત્યકુમાર રાજેન્દ્રભાઈ પરમાર (ઉ.વ. 19) કેમેરા લગાવવાનું કામ કરતો હતો. ગત 21 ફેબ્રુઆરીના બપોરના સમયે તે મહાવીર ચાર રસ્તાથી પાણીગેટ તરફ પોતાની બાઈક પર જઈ રહ્યો હતો. દુધેશ્વર સોસાયટી સામે આવેલા ખાનગી પેટ્રોલપંપ નજીક પહોંચતા તેની બાઈક અત્યંત તેજ ગતિમાં હોવાથી સ્ટેરીંગ પરનો કાબુ છૂટી ગયો હતો.
ઓવર સ્પીડમાં આવેલી બાઈક સીધી પેટ્રોલપંપ બહાર આવેલા હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર ભટકાઈ, જેના કારણે બાઈકના કુરચે–કુરચા ઉડી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવક કદાચ પેટ્રોલ ભરાવવા પંપ તરફ વળી રહ્યો હતો, પરંતુ ઓવર સ્પીડને કારણે બાઈક પર નિયંત્રણ રાખી શક્યો નહોતો. સદનસીબે અકસ્માત સમયે નજીક ઊભેલી એક મહિલાનો આબાદ બચાવ થયો હતો; જો આસપાસ વધુ લોકો હાજર હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી.
આ અકસ્માત બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પાણીગેટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઝડપ એક ક્ષણમાં આખું જીવન ખતમ કરી શકે છે. શહેરમાં વધતા ઓવર સ્પીડ અકસ્માતો સામે સચેત થવાની તાતી જરૂરિયાત છે.