Columns

પાકિસ્તાન સામે આખરી અને પૂર્ણ યુદ્ધ જ ઉપાય છે

જેમની હિન્દુ ઓળખ સ્પષ્ટ કરાવ્યા પછી મારી નખાયેલા તે 26 ભારતીયોએ પાકિસ્તાન સામે પૂર્ણ પ્રકારના યુદ્ઘનું જાણે આહવાન કર્યું હતું. ભારત સરકાર અને તેના લશ્કરે એ આહવાન ઝીલી લીધું છે. સંપૂર્ણ પ્રકારના અને અંતિમ બને તેવા યુદ્ઘ સિવાય પાકિસ્તાનનો ઈલાજ નથી. 1947માં પાકિસ્તાન હજુ સ્વતંત્ર દેશ તરીકે જન્મયું હતું કે તરત કાશ્મીર પર હુમલો કર્યો હતો. પછી 18માં વર્ષે 1965માં તે ફરી લડેલું. જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય ઘુસણખોરી કરેલીને તાશ્કંદ ધોષણાપત્ર યુદ્ઘવિરામ જાહેર થયેલો. પણ પછીના છઠ્ઠા વર્ષે 1971માં વળી યુદ્ઘ થયેલું અને ભારતે પાકિસ્તાની પંજાબ, સિંધ ક્ષેત્રમાં આધિપત્ય મેળવી લીધેલું. તે વખતે પણ શિમલા કરાર વડે પાકિસ્તાન પ્રત્યે ભારતે ઉદાર વલણ દાખવી શાંતિ સ્થાપેલી. અલબત્ત એ યુદ્ઘના પરિણામે પાકિસ્તાને બાંગ્લાદેશની રચના જાણે અનિવાર્ય બનાવી દીધેલી. આ વખતે પાકિસ્તાને બલુચીસ્તાનને અને પીઓકેને ગુમાવવું પડશે એવું લાગે છે.
‘ઓપરેશન સિંદૂર’ વખતે ભારતનો ઈરાદો ફકત એટલો જ હતો કે પહેલા ગામમાં જે હિંદુ-પ્રવાસીઓને આતંકવાદીઓએ મારી નાંખ્યા તે આતંકવાદીઓનાં પાકિસ્તાન સ્થિત ઠેકાણાં ખતમ કરવામાં આવે. પાકિસ્તાન સામે પૂર્ણ યુદ્ઘ છેડવાનો કોઈ ઈરાદો નહોતો પણ પાકિસ્તાને પછી જે વળતા હુમલા કર્યા તેણે ભારતને હવે પૂર્ણ યુદ્ઘની ફરજ પાડી છે. ભારતે તેમ જ કરવું જોઈએ કારણકે 1947થી આપણે સહન કરતાં આવ્યા છે. પાકિસ્તાન સીધું લડી શકે તેમ ન હતું તો તેમની સરકારે, ISIS આતંકવાદીઓને તૈયાર કર્યા. લશ્કરી તાલીમ, શસ્ત્રો અને સગવડો આપી. કાશમીરમાં ભયાનક પ્રકારનો સંહાર ચલાવ્યો અને દેશના સંસદભવન પર હુમલા સુધી ગયા. 1999માં કારગિલ યુદ્ઘ કર્યું. 2019માં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો. આવા આઘાતક બનાવોનો એક લાંબો સિલસિલો છે. સંસદભવન પરનાં હુમલા પછી ભારતે અનેક વાર ડોઝીયર મોકલેલા પણ પાકિસ્તાને ક્યારેય કબૂલ નથી કર્યું કે કે તે ભારતમાં હુમલા કરાવે છે. પાકિસ્તાનની રાજનીતિ અને શાસકો ભારત સામે લડવાને જ કેન્દ્રમાં રાખતા આવ્યા છે. ઈસ્લામિક કટ્ટરવાદ તેમના માટે ખૂબ જ મહત્ત્વનો છે અને તેથી ભારતે આ વખતની પૂર્ણ લડાઈ વડે એ ઈસ્લામિક કટ્ટરવાદને પણ ખતમ કરવાનો છે. પહેલગામમાં હિન્દુ ઓળખ સ્પષ્ટ કરી મારી નાંખવાની યોજના પાછળ ઈસ્લામી કટ્ટરવાદ અને ભારતમાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ તીવ્ર બને તે હેતુ હતો. જો કે બન્યું છે ઊલ્ટું કાશ્મીરમાં હુમલાખોરો સામે દેખાવો યોજાયા અને ઓવૈસી જેવા મુસ્લિમ નેતા અત્યારે પાકિસ્તાનને ખતમ કરવાની વાત દરેક નિવેદનમાં દોહરાવે છે. પશ્ચિમ બંગાળમાં ઊંચા થયેલા મુસ્લિમો પણ સ્તબ્ધ છે. ભારત માટે આ યુદ્ઘ આખરનું જ બનવું જોઈએ અને તેમાં કોઈ સમજૂતી, સમાધાનની જગ્યા ન હોવી જોઈએ. ભારત વારંવાર યુદ્ઘની દશામાં ન રહી શકે. પાકિસ્તાની સરહદો પર લશ્કરને હંમેશાં તહેનાત રાખવું પડે છે. કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા ભારત કરોડો રૂપિયા ખર્ચે છે અને નિયમિત રીતે જવાનોને, લશ્કરના અધિકારીઓને શહીદ થવું પડે છે. કોઈ પણ વિકાસશીલ દેશને આ રીતે સતત સળગતી સરહદ ન પોષાય શકે. પાકિસ્તાન ભારત સામે લડતી વખતે ઈસ્લામને વચ્ચે લાવે છે ને તેનાથી ભારતીય મુસ્લિમો સામે ભારતમાં પ્રશ્નો ઊભા થાય છે. એવું લાગે છે કે 1947માં જે ભાગલા પડયા તે અધૂરા હતાં ને હવે તે પૂરાં કરવા પડશે. પાકિસ્તાનના શાસકો અને લશ્કર આજે પણ ‘ઓપરેશન સિંદૂર’ માં મરાયેલા આતંકવાદીના જનાજામાં હાજર રહે તે સૂચવે છે કે તેઓ માટે આતંકવાદી કોણ છે. પાકિસ્તાનમાં હમણાં નબળા શાસક છે અને પાકિસ્તાનની પ્રજાને તેની પર વિશ્વાસ નથી. આ શાષક પાકિસ્તાનનાં લશ્કરને પણ દોરવી શકે તેવા નથી. વિપુલ શસ્ત્રસામગ્રી વિના લશ્કર લડી ન શકે અને ભારતની વિપુલ શસ્ત્રસામગ્રી સામે વધારે દિવસ ટકવાની દશામાં પાકિસ્તાન નથી. તેમણે મોરચો ખોલી તો દીધો છે હવે ભારતે જ પૂરો કરવો પડશે. પાકિસ્તાન ઈચ્છશે એટલો સમય આ યુદ્ઘ ચાલવાનું છે. આગલી લડાઈઓમાં પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ ગુમાવનાર પાકિસ્તાને બલુચિસ્તાન અને POK ગુમાવવા તૈયાર રહેવાનું છે. ભૂતકાળમાં તો ભારતે પાકિસ્તાનના વિસ્તારો જીતીને પાછા આપેલા અત્યારની સરકાર એવી ઉદાર બને તેવી નથી. ભારતીય ઉપખંડમાં છેલ્લા આઠ દાયકાથી પાકિસ્તાની સરહદનો મુદ્દો છે. ચીન સામેની આપણી લડાઈ જૂદી છે ને બાંગ્લાદેશની તો કોઈ હેસિયત નથી. પાકિસ્તાન હવે બાંગ્લાદેશથી પણ મોરચો ખોલવા માંગે છે એટલે પૂર્ણ યુદ્ઘ આપણી અનિવાર્યતા છે. પાકિસ્તાન ઈસ્લામના નામે આતંકવાદ ફેલાવે છે તો તે જોઈ લે કે દુનિયાનાં કેટલા ઈસ્લામી દેશો તેમને મદદ કરવા તૈયાર છે વ્યૂહાત્મક રીતે તો આખું વિશ્વ ઈસ્લામી દેશોની વિરૂધ્ધમાં છે તો પાકિસ્તાન પોતાની રાજકીય હેસિયત માપી લે. ‘ઓપરેશન સિંદૂર’ વડે ભારત સરકાર અને લશ્કરે જે વ્યૂહ અપનાવ્યો તે બેમિસાલ હતો. રાત્રે 1.05 વાગ્યે શરૂ કરી ફક્ત 25 મિનીટમાં 9 આતંકવાદી કેમ્પ ખતમ કર્યા. આગળની સર્જિકલ સ્ટ્રાઈક પણ એવી જ હતી અને પાકિસ્તાન બ્હાવરું બની ગયેલું. ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં પણ પહેલગામમાં જે નિર્દોષ હિન્દુઓને મારી નખાયા તેનું ભાવનાત્મક પ્રતિઆક્રમણ હતું. યુદ્ધ સામે રાષ્ટ્રભાવ જોડવાની આ રીત હતી અને ઓપરેશન પછી તેની માહિતી વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, સેનાનાં કર્નલ સોફિયા કુરૈશી અને વાયુસેનાનાં વિંગ કમાંડર વ્યોમિકા સિંહ આપે તે ખાસ વાત હતી. ‘ઓપરેશન સિંદૂર’ હોય તો તેનું નેતૃત્વ સ્ત્રી કર્નલ અને કમાંડરનું હોય તેમાં એક ગુજરાતી મુસ્લિમ હોય. ભારતમાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષને હવા આપવા પાકિસ્તાને કાવતરા કર્યા હોય ત્યારે આ પ્રકારનું બ્રિફીંગ આપોઆપ ઘણા હકારાત્મક સંકેતોથી ભરેલું છે.
અત્યારે તો યુદ્ઘના સંજોગો ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યા છે અને તેનું આકલન અધૂરું જ રહેવાનું પણ ભારતનો વ્યૂહ હજુ પણ આતંકવાદ અને આતંકવાદને ખતમ કરવાનો જ રહ્યો છે, પાકિસ્તાનનાં નાગરિકો તેના લક્ષ્ય પર નથી. આ એક સ્વસ્થ અને ભારતીય સ્વમાન અને ડહાપણને જાળવતી પ્રતિક્રિયા છે પણ પાકિસ્તાન જો બેફામ બનશે એને બન્યુ પણ છે, તો મુકાબલો નેસ્તનાબૂદનો જ રહેશે. ભારતીય લશ્કરની ત્રણે પાંખ પ્રતિકાર માટે પૂર્ણ પણે તૈયાર હતી અને છે. બાકી 2025ના વર્ષમાં કોઈ પણ દેશો વચ્ચેનું યુદ્ઘ યોગ્ય નથી. વિશ્વના દેશોની સરહદ પર યુદ્ઘની દશા છે ત્યારે ભારત એક અનિવાર્ય યુદ્ઘ લડી રહ્યું છે ને લડશે. પાકિસ્તાનનો ઉપાય કરવો જરૂરી છે અને થશે. પાકિસ્તાન પોતે બરબાદ થવા માંગતું હોય તો તેને કોઈ રોકી ન શકે. આ વખતનું યુદ્ઘ પાકિસ્તાનના રાજકારણને, લોકોને અને ઈસ્લામવાદી તત્ત્વોની કટ્ટરતાને બદલશે ને તેમાં જ શાણપણ છે.

બકુલ ટેલર

Most Popular

To Top