Editorial

પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ દેવાળિયું થવાના આરે

ભારત એક એવો દેશ છે જેણે તેની સીમાઓ વિસ્તારવાની નીતિ કોઇ દિવસ અપનાવી નથી. હંમેશા તેણે તેની લાઇન મોટી કરવા માટે વિકાસ તરફ જ ધ્યાન આપ્યું છે. ભારતની કોઇપણ સરકાર હોય પણ હંમેશા તેણે તેની વ્યાપાર અને વિદેશ નીતિ એ પ્રકારની રાખી છે જેના કારણે દેશને ફાયદો થાય. તેનાથી બિલકુલ વિરૂદ્ધ વાત પાકિસ્તાનની છે. પાકિસ્તાન એવો પડોશી દેશ છે કે, જેણે હંમેશા ભારતના કોઇ પણ કાર્યમાં હંમેશા રોડા નાંખવાનું જ કામ કર્યું છે. પોતાના દેશના વિકાસ ઉપર ધ્યાન આપવાના બદલે ભારતને અસ્થિર કરવા માટે જુદા જુદા આતંકવાદ સંગઠનોને દેશમાં પનાહ આપ્યો. ભારત હંમેશા અસ્થિર રહે તેવા જ પાકિસ્તાનના હંમેશા પ્રયાસ રહ્યાં છે.

હવે તેનું પરિણામ એ છે કે, દેશ જાતે જ અસ્થિર બની ગયો છે. શ્રીલંકાની જેમ પાકિસ્તાન પણ દેવાળિયો દેશ બની જાય તેવી પૂરેપૂરી શક્યતા વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ જોઇ રહ્યાં છે. એટલું જ નહીં  પાકિસ્તાન સ્ટેટ બેંકે કહ્યું છે કે, પાકિસ્તાન ફિનિશ લાઈન પર પહોંચી ગયું છે. આ દેશ એવો છે કે, જુદી જુદી આર્થિક સંસ્થાઓ અને અન્ય દેશોની આર્થિક મદદ ઉપર નભી રહ્યો છે. પાકિસ્તાન પણ શ્રીલંકાની જેમ ભયાનક આર્થિક સંકટમાં ફસાતું જઈ રહ્યું છે. જો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાકિસ્તાનને ઝડપથી 3 અબજ ડૉલરનું રાહત પેકેજ નહીં આપે, તો તે પણ શ્રીલંકાની જેમ રાતોરાત દેવાળિયું થઈ જશે. જો આવું થશે તો પાકિસ્તાન ઈતિહાસમાં બીજી વાર દેવાળિયું થશે.

કમરતોડ મોંઘવારી, ઇંધણની ઊંચી કિંમતો અને રાજકીય અસ્થિરતાના કારણે પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયાનો વધારો થતાં લિટરનો ભાવ 180 ઉપર પહોંચી ગયો છે. પાકિસ્તાને ઈન્ટનેશનલ મોનેટરી ફંડ પાસે ત્રણ અબજ ડૉલરની માંગ કરી છે, પરંતુ આઈએમએફ ક્રૂડ-ગેસની કિંમતો વધારવાની શરત મૂકી રહ્યું છે. અગાઉની ઈમરાન સરકારે પોતાની છબિ સુધારવા ઇંધણના ભાવમાં ભારે ઘટાડો કર્યો હતો. તેના કારણે જ સરકારની આવક ઘટવા લાગી હતી.

હવે મુશ્કેલી એ છે કે, આઈએમએફ ક્રૂડની કિંમતો વધારીને શેહબાઝ સરકાર પાસે 60 કરોડ ડૉલરની સબસિડી ઓછી કરવાનું સૂચન કરે છે, પરંતુ શેહબાઝ સરકાર આવું કોઈ જોખમ ખેડવા માંગતી નથી. તેનું કારણ એ છે કે, પાકિસ્તાન સરકાર પહેલેથી જ ઘઉં અને ખાંડમાં જબરદસ્ત મોંઘવારીનો સામનો કરી રહી છે. અત્યંત ગીચ વસતી ધરાવતા પાકિસ્તાનના અર્થતંત્રમાં એ તમામ લક્ષણો દેખાઈ રહ્યા છે, જે શ્રીલંકામાં થોડા સમય પહેલા દેખાતા હતા. આમ, ભારતના બંને પાડોશી દેશ હાલ લોનના ચક્કરમાં સપડાઈ ગયા છે. પાકિસ્તાન પાસે ફક્ત 10 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે. આ સ્થિતિમાં તેને ચાલુ વર્ષે 45 અબજ ડૉલરનું જંગી નુકસાન થયું છે. જો આ મુદ્રા ભંડાર ખાલી થશે, તો પાકિસ્તાન પાસે જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાના પૈસા પણ નહીં બચે.

પાકિસ્તાન પાસે ફક્ત 10 અબજ ડૉલરનું વિદેશી હુંડિયામણ હાલ પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે સ્થાનિક વેપાર ઠપ છે, રોકાણ આવતું નથી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વ્યાજદરો પણ વધ્યા છે. ચાલુ વર્ષે પાકિસ્તાનને વેપારમાં 45 અબજ ડૉલરનું જંગી નુકસાન થયું છે. પાકિસ્તાને આઈએમએફ પાસે ત્રણ અબજ ડૉલરની લોન માંગી રહ્યું છે, જેથી તેનું વિદેશી હુંડિયામણ ઊંચું જઈ શકે. હાલ પાકિસ્તાન પાસે ફક્ત 10.2 અબજ ડૉલરનો વિદેશી મુદ્રા ભંડાર છે. ગયા સપ્તાહે આંતરરાષ્ટ્રીય બોન્ડ એકદમ નીચા સ્તરે આવી ગયા હતા. આ ઉપરાંત શેહબાઝ સરકાર અને ઈમરાન ખાનના રાજકીય ઘર્ષણના કારણે પણ આઈએમએફ લોન આપવામાં આનાકાની કરી રહ્યું છે. પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સાથે આઈએમએફના અધિકારીઓએ બુધવારે એક બેઠક યોજી હતી. તેમાં આઈએમએફએ શરત મૂકી હતી કે, જો સરકાર ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરે તો જ અમે લોન આપીશું. પાકિસ્તાન સરકાર માટે આ નિર્ણય અઘરો સાબિત થઈ શકે એમ છે.

Most Popular

To Top