Editorial

પહેલગામ હુમલાનો હેતુ કાશ્મીરમાં ફરીથી ધબકતા થયેલા પર્યટન ઉદ્યોગને ફટકો મારવાનો છે

કાશ્મીરમાં કેટલાક સમયથી શાંતિ હતી ત્યાં મંગળવારે અચાનક દેશ આખાને હચમચાવતો એક મોટો બનાવ બની ગયો. કાશ્મીરના પહેલગામ ટાઉન નજીક એક પ્રસિદ્ધ ઘાસના મેદાન ખાતે ત્રાસવાદીઓએ ગોળીબાર કરીને મંગળવારે ૨૬ જણાને મારી નાખ્યા.  મૃતકોમાં મોટા ભાગના પર્યટકો હતા. ૨૦૧૯ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં આ સૌથી ઘાતક હુમલો છે. જે ૨૬ લોકો માર્યા ગયા છે તેમાં બે વિદેશીઓ અને બે સ્થાનિકો પણ છે અમે એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ વધુ વિગતો જણાવ્યા વિના માહિતી આપી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે જો કે હજી વધુ વિગતોની પ્રતિક્ષા છે. 

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ આ ત્રાસવાદી હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પર કરવામાં આવેલા આપણે જોયેલા કોઇ પણ હુમલા કરતા ઘણો મોટો હુમલો ગણાવ્યો હતો. તેમની વાત સાચી છે. હાલ નજીકના ભૂતકાળમાં નાગરિકો પર આટલો મોટો કોઇ હુમલો થયો નથી. ટાર્ગેટ કિલિંગના કેટલાક બનાવો કલમ ૩૭૦ રદ થયા પછી બન્યા છે ખરા, પણ તેમાં એકલ દોકલ કે પાંચ સાત નાગરિકોને નિશાન બનાવાયા હતા. આ ખૂબ જ મોટો કહી શકાય તેવો હુમલો નાગરિકો પરનો છે અને તેનો દેખીતો હેતુ કાશ્મીરમાં ફરીથી ખીલવા લાગેલા પર્યટન ઉદ્યોગને તોડી નાખવાનો છે.

આ હુમલો એવા  સમયે થયો છે કે જ્યારે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ પણ એક પર્યટક તરીકે ભારતની મુલાકાતે આવ્યા છે. જ્યારે  ટુરિસ્ટોને નિશાન બનાવતા ત્રાસવાદી હુમલાના સમાચાર કાશ્મીરમાં ફેલાયા ત્યારે આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ(ટીઆરએફ)એ સ્વીકારી હતી જે પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબા  સંગઠનનું એક શેડો ગ્રુપ છે. અનેક હેતુઓને લક્ષમાં રાખીને તેણે આ હુમલો કર્યો છે અને તેમાં પર્યટન ઉદ્યોગને ફટકો મારવાનો હેતુ સ્પષ્ટ દેખાઇ આવે છે.

બનાવને નજરે જોનારાઓએ હુમલા સમયની ધ્રુજાવનારી વિગતો જણાવી હતી. આ સ્થળે દરરોજની જેમ જ શાંતિપૂર્ણ રીતે પ્રવૃતિઓ ચાલી રહી હતી તે સમયે મંગળવારે બપોરે અચાનક  હુમલો થયો હતો. અનેક લોકો અહીં પિકનીકની મજા માણી રહ્યા હતા, ઘોડેસવારી અને ખાણીપણી કરી રહ્યા હતા  તે સમયે અચાનક થયેલા આ હુમલાથી ચીસાચીસ મચી ગઇ હતી અને  થોડી વારમાં તો લોહીના ખાબોચિયામાં અનેક નિશ્ચેતન મૃતદેહો પડેલા હતા. દેખીતી રીતે ત્રાસવાદીઓએ કાશ્મીરમાં બહારથી આવતા પર્યટકોને બીવડાવવા માટે આ જઘન્ય કૃત્ય કર્યુ છે.

કેટલાક લોકોએ જણાવ્યું હતું કે હુમલાખોર ત્રાસવાદીઓની સંખ્યા પાંચની હતી કદાચ વધુ કે ઓછી હોઇ શકે પણ તેમણે નિર્દોષ પર્યટકોને મારીને જે અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું છે તેના બદલ તેમને સખત સજા મળવી જોઇએ. બનાવની ખબર મળતા જ  લશ્કર, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ બનાવના સ્થળે ધસી ગયા હતા. હુમલાખોરોને શોધી કાઢવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હુમલાખોરો વહેલી તકે ઝબ્બે જઇ જશે તેવી આશા રાખીએ.  આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી છે. TRF એ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું શેડો ગ્રુપ છે.  પાકિસ્તાન સ્થિત શેખ  સજ્જાદ ગુલ TRFનો વડો છે.  એવું કહેવાય છે કે પુલવામા હુમલા પહેલા જ આ આતંકવાદી સંગઠને ખીણની અંદર  પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું.

ધીમે ધીમે, આ સંગઠને પોતાની તાકાત વધારવાનું શરૂ કર્યું અને તેને ગુપ્તચર એજન્સી ISI ની સાથે કેટલાક પાકિસ્તાન સમર્થિત આતંકવાદી  સંગઠનોનો ટેકો મળ્યો. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થતાં જ આ સંગઠન આખા કાશ્મીરમાં સક્રિય થઈ ગયું. પાકિસ્તાન પર તેના દેશમાં ખીલી રહેલા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું.

પાકિસ્તાન સમજી ગયું હતું કે હવે તેને લશ્કર-એ-તૈયબા અને  હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનો સામે કાર્યવાહી કરવી પડશે, પરંતુ તેને ડર પણ હતો કે આના કારણે તે કાશ્મીરમાં પોતાનો દબદબો ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાની  ગુપ્તચર એજન્સી ISI અને લશ્કર-એ-તૈયબાએ સાથે મળીને એક નવા આતંકવાદી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો પાયો નાખ્યો. TRF ખાસ કરીને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ  (FATF) દ્વારા કાર્યવાહી ટાળવા માટે બનાવવામાં આવ્યું હતું છે.  વાસ્તવમાં, FATF એ પાકિસ્તાનને તેની ગ્રે લિસ્ટમાં રાખ્યું હતું.

આ સાથે, તેના પર ઘણા નિયંત્રણો પણ લાદવામાં આવ્યા,  ત્યારબાદ TRF અસ્તિત્વમાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય ખીણમાં ૧૯૯૦ના યુગને પાછો લાવવાનો છે. TRFનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કર-એ-તૈયબા મામલે પાકિસ્તાન પર વધતા દબાણને ઘટાડવાનો અને  કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદને પ્રોત્સાહન આપવાનો છે. અને પહેલગામ હુમલો આ હેતુને લક્ષમાં રાખીને પણ કરવામાં આવ્યો છે.

જ્યાં અનેક નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારાયા તે પહેલગામ ટાઉનથી છ કિમી જેટલા અંતરે આવેલ બૈસારન એક ઘાસિયુ મેદાન છે, તે પાઇનના જંગલ અને પર્વતોથી ઘેરાયેલું છે અને ખૂબ રમણીય દેખાય છે. તે પહેલગામના મિની સ્વીત્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. જો કે ત્યાં વાહનો જઇ શકતા નથી. ઘોડા કે ટટ્ટુ પર અથવા તો ચાલતા જ ત્યાં જઇ શકાય છે. આ બાબતનો ફાયદો ઉઠાવીને ત્રાસવાદીઓએ આ હુમલો ત્યાં કર્યો છે જેથી પર્યટકોને કોઇ બચાવવા આવી ન શકે.  એક મહિલાએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ પર્યટકોને  તેમના નામ પૂછી પૂછીને ગોળીઓ મારી હતી. મારા પતિને એટલા માટે ગોળી મારવામાં આવી કે  તે મુસ્લિમ ન હતો એમ  મહિલાએ જણાવ્યું હતું. દેખીતી રીતે ત્રાસવાદીઓ એક કાંકરે અનેક પક્ષીઓ મારવા માગતા હતા. તેઓ પર્યટકોને બીવડાવવાની સાથે કોમી કલેશ પણ સર્જવા માગતા જણાય છે.

ઘણા રાજ્યોમાંથી અહીં પર્યટકો ભેગા થયા હતા જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના પર્યટકો પણ હતા.  સવારે પર્યટકોથી ધબકતું પહેલગામ શહેર બપોરે આ હુમલાના સમાચાર ફેલાતા સૂમસામ થઇ  ગયું હતુ.  પ્રવાસીઓ મોટી સંખ્યામાં બહાર જવા લાગ્યા હતા. વર્ષોથી આતંકવાદનો  સામનો કર્યા પછી કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ ઘટના બની છે. હાલ તુરંત તો ત્રાસવાદીઓ તેમના હેતુમાં સફળ થયેલા જણાય છે. જો કે દેશવાસીઓ અને સરકારનો મક્કમ નિર્ધાર તેમના હેતુમાં ત્રાસવાદીઓને કાયમી ધોરણે સફળ નહીં થવા દે. આ ઘટના પરથી એક બોધપાઠ પણ શીખવા મળ્યો છે અને તે એ કે કાશમીરમાં બધુ સમુસુતરુ થઇ  ગયું છે તેવા ભ્રમમાં રહેવા જેવું નથી. ત્યાં જતા પર્યટકોને પુરતી સુરક્ષા પુરી પાડવી અને તેમને માટે માર્ગદર્શિકાઓ જારી કરવી જરૂરી છે.

Most Popular

To Top