Gujarat

ખ્યાતિ હોસ્પિટલને સરકારે નોટિસ ફટકારી, હોસ્પિટલનું, સર્જરી કરનારા તબીબોનું લાઈસન્સ રદ થઈ શકે

ગાંધીનગર: ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. PMJAY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એકશન લેવામાં આવશે. જરૂર પડે હોસ્પિટલનું લાયસન્સ રદ કરાશે. જે ડોકટરોએ સર્જરી કરી છે તેમનું પણ લાયસન્સ રદ થઇ શકે છે.

આ ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટીસ આપી છે. PMYAJ યોજના હેઠળ કોઇ પણ હોસ્પિટલ કેમ્પ કરી શકતી નથી. PMYAJ હેઠળ દર્દીના ઓપરેશન પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. ફાઇલ પ્રોસેસ કરતા પહેલા પરવાનગીની જરૂરી પડે છે. આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ હોસપિટલની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરશે.

ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ નોટિસ ફટકારી 7 દિવસમાં જવાબ માંગ્યો
અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલને બે દર્દીઓના મૃત્યુના મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સાત દિવસમાં જરૂરી ખુલાસો કરવા નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલના માનદ રજિસ્ટ્રાર દ્વારા ડૉ. પ્રશાંત વજીરાણી, ડૉ. સંજય પટોલીયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી તથા સીઈઓ ચિરાગ રાજપુત ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એસજી હાઇવે અમદાવાદને નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, દર્દીઓની સારવારના તમામ કાગળો, દસ્તાવેજો, રિપોર્ટ તથા અન્ય પુરાવા દિન સાતમાં મોકલી આપશો. આ ઉપરાંત હોસ્પિટલની નોંધણી, રજીસ્ટ્રેશન, ડિડ, માલિકનું નામ તથા હોસ્પિટલ ખાતે કામ કરતા ડોક્ટરના તમામ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની નકલ દસ્તાવેજો પણ મોકલવાની રહેશે.

જણાવી દઈએ કે અમદાવાદ શહેરના એસજી હાઇવે ઉપર ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારને જાણ કર્યા વિના જ 19 જેટલા દર્દીઓની એન્જીયોગ્રાફી કરી નાંખી હતી, જેમાંથી બે દર્દીનું મૃત્યુ થતાં ગંભીર બેદરકારી બહાર આવી છે. આ સમગ્ર મામલે દર્દીઓના પરિવારજનોનો આક્ષેપ છે કે, પીએમજેએવાય કાર્ડનો સરકારી લાભ મેળવવા માટે આ આખું ષડયંત્ર કરાયું છે.

મહેસાણા જિલ્લામાં કડી નજીકના બોરીસણા ગામમાં મહાદેવ મંદિર ખાતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા રવિવાર 10મી નવેમ્બરના રોજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 100થી વધારે લોકોએ લાભ લીધો હતો. જેમાં 20 જેટલા લોકોને અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા. આ તમામ લોકોની પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાંથી સાત લોકોમાં એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. જેમાં 70 વર્ષના સેનમ મોતીભાઈ અને 50 વર્ષના મહેશ બારોટનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અન્ય કેટલાક દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.

આ અંગેની જાણ પરિવારજનોને થતા મોટી સંખ્યામાં લોકો અમદાવાદ એસજી હાઇવે ખાતે આવેલી ખ્યાતિ હોસ્પિટલ પર ઉમટી પડ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જેના પગલે સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પરિવારજનો આક્ષેપ છે કે પીએમજેએવાય કાર્ડનો સરકારી લાભ મેળવવા માટે આ આખું ષડયંત્ર કરાયું છે.

Most Popular

To Top