રીમા લગભગ બે વર્ષે વિદેશથી પોતાને દેશ પાછી આવી. પતિ વિદેશમાં જ હતો. રીમા એરપોર્ટથી સીધી પોતાને પિયર ગઈ. સાસરે જવાનું તેને મન ન હતું કારણ તે વિદેશ ગઈ તે પહેલાં સાસરાવાળાઓએ ઘણું ખરાબ વર્તન કર્યું હતું.તે ભણેલી હોવા છતાં તેને કામ કરવા દીધું ના હતું.બે વર્ષ પહેલાં રીમાના પતિ રાકેશને વિદેશ જવાની તક મળી અને રીમાને પણ ત્યાં કામ કરવા મળ્યું. પોતાની આવડત સાબિત કરવાનો મોકો મળ્યો.તે અને રાકેશ વિદેશમાં ખુશ હતાં. ઘણું કમાયાં પણ હતાં. રીમા આમ તો ખુશ હતી પણ સાસરાવાળાઓનું ખરાબ વર્તન ભૂલી ના હતી. ઘણાં કામ પૂરાં કરવામાં જ પહેલું અઠવાડિયું વીતી ગયું. રીમાએ સાસરે મળવા જવાનું નામ ન લીધું.
વિદેશથી લાવેલી ભેટ પણ માણસ સાથે મોકલી દીધી. રીમાનાં માતા-પિતાને તેનું આવું વલણ ન ગમ્યું. પરંતુ રીમાને સમજાવવું કઈ રીતે કે જૂની વાતો ભૂલી જવામાં જ સાર અને બધાની ભલાઈ છે. બીજે દિવસે સવારે રીમા તેની મા સાથે પોતાના ડ્રેસ અને સાડી બ્લાઉઝ સીવડાવવા પોતાના જુના દરજી પાસે ગઈ. દરજીએ,બધું સમજી લીધું પછી કહ્યું ,‘‘રીમાબેન, તમે બે વર્ષે કપડાં સીવડાવવા આવ્યાં છો તો મને તમારું નવું માપ લઇ લેવા દો. કદાચ માપમાં કોઈ ફેરફાર આવ્યો હોય.” રીમાએ કહ્યું ,‘‘હા, તમારી વાત સાચી છે. નવું માપ લઇ લો,જુના માપ પ્રમાણે નવાં કપડાં ન સીવતા.”
રીમા અને તેની મા દરજી પાસેથી બહાર નીકળ્યાં,માએ કહ્યું, ‘‘સારું કર્યું તે નવું માપ આપી દીધું. બધું નવા માપ પ્રમાણે કરવું જરૂરી છે.” રીમાએ હા પાડી, તક મળતાં માતાએ વાત સાંધી, દીકરીને પ્રેમથી સાચી વાત સમજાવતાં કહ્યું ,‘‘બેટા, જો બે વર્ષે આપણા શરીરના માપમાં બદલાવ આવી જાય છે અને તે પરિવર્તન આપણે સમજીએ છીએ તો જરાક મોટું મન રાખી સમજ કે બે વર્ષ પહેલાં રાકેશનાં માતા-પિતા અને ઘરવાળાંઓએ તારી સાથે જે અયોગ્ય વર્તન કર્યું તે માપતોલથી જ તેમને ન તોલ, નવા માપથી વિચાર. તું તારો વ્યવહાર વધુ સારો કર,એમ વિચાર તેમનામાં પણ પરિવર્તન આવ્યું હશે. સંબંધોને જુના માપથી નહિ પરિવર્તનના નવા માપથી તોળવા જોઈએ.” રીમા માતાની વાત સમજી ગઈ, સાસરે ગઈ. બધા પોતાની ભૂલ માટે પસ્તાઈ રહ્યાં હતાં. બધાએ રીમાને પ્રેમથી આવકારી. સંબંધોના માપમાં સકારાત્મક પરિવર્તન આવ્યું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
