ખલનાયક થવા તૈયાર નાયકોની ભીડ જામી છે. વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા એવા હતા, જેમણે વિલનમાંથી હીરો થવું હતું પણ હવે હીરો નહીં તો વિલનનો વિકલ્પ ઘણાને પસંદ છે. આ યાદીમાં હવે પ્રતીક (સ્મિતા પાટિલ) બબ્બર ઉમેરાયો. સિકંદરમાં સલમાન સાથે તે એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તે અત્યંત ઘાતક વિલન બન્યો છે. સલમાન સામે વિલન બનવામાં જશ જૂદું ખમીર જોઇએ અને આજ સુધી હીરો તરીકે થોડી ફિલ્મો કરીને થાકેલો પ્રતીક બબ્બર જાણે પોતાની જ ઈમેજ સામે બળવો કરશે. સિકંદર જ નહીં હીટ-3 નામની ફિલ્મમાં પણ તે વિલન જ છે અને તે કહે છે કે ખલનાયકની ભૂમિકા કરવી ઘણી ઉત્તેજક છે અને એવી ભૂમિકા એક નવી ઉર્જાનો અનુભવ કરાવે છે, તે કહે છે કે મારે ખલનાયક તરીકે જ આગળ વધવું છે એવું ય નથી મારે તો બધા જ પ્રકારની ભૂમિકા કરવી છે પણ હમણાં ખલનાયકીએ મને તાજો કરી દીધો છે. સાઉથના દિગ્દર્શક સાથે કામ કરવા હું ઉત્સુક હતો કારણ કે તેઓ કશુંક નવું કરવા માંગતા હોય છે. તેમના પાત્રો પણ લાર્જર ધેન લાઇન હોય છે એટલે ખલનાયકી પણ બસ એજ રીતે જોરદાર હોય છે. પ્રતીકે હવે કેટલાક સમયથી પોતાની અટકમાં બબ્બર પહેલાં પાટિલ ઉમેરી દીધું છે. તે કહેવા માંગે છે કે જો રાજ બબ્બર મારા પિતા છે તો તેનાથી પહેલા મારી મા સ્મિતા પાટિલ છે અને મારા નાનીએ અને નાનાએ જ મને મોટો કર્યો હોય તો બબ્બર પહેલાં પાટિલ અટક જ મારી ઓળખ છે. હકીકતે પ્રતીક એક ઘવાયેલો અને ઉપેક્ષિત પુત્ર છે. તેણે પોતાની રીતે જ કારકિર્દી બનાવવી પડી છે. રાજ બબ્બરે પિતા તરીકે તેમાં કોઇ ભૂમિકા ભજવી નથી. પ્રતીકને ‘જાને તું યા જાને ના’ નામની ફિલ્મમાં આમીરે કામ આપેલું અને પછી આરક્ષણ, માય ફ્રેન્ડ પિન્ટો, બાગી-2, મુલ્ક, છિછોરે જેવી ફિલ્મોથી તેની કારકિર્દી આગળ વધી છે. આમાની કોઇ ફિલ્મોમાં તે કોઇ મોટા સ્ટાર તરીકે બહાર ન આવ્યો. તે એવો હેન્ડસમ પણ નથી અને ઘણો વખત અંગત રીતે જ ગુંચવાયેલો રહ્યો છે. તેના અંગત જીવનમાં પ્રેમિકા આવી અને અલગ થઇ. પરંતુ તેણે કામ કરવાનું ચાલુ રાખ્યું અને તેથી જ હવે હીરો યા સહઅભિનેતાનાં પાત્રની જગ્યાએ વિલન બની ગયો છે. છેલ્લે ધૂમધામમાં આવેલા પ્રતીકે સલમાન સામે અનેક એક્શન દૃશ્યો ભજવ્યા છે.
પ્રતીક હવે શૂટઆઉટ એટ ભાયખલા, ડિયર એક્સિસ, વો લડકી હૈ કહાં અને અભી તો પાર્ટી શૂરું હુઇ હૈની રાહ જુએ છે. તે ઘણો વખતથી એવી ભૂમિકા ઇચ્છતો હતો કે લોકોની નજરે ચડે અને સિકંદર એક એવી જ ફિલ્મ છે. પ્રતીકને ખબર છે કે રાજ બબ્બરે ખલનાયક તરીકે શરૂઆત કરેલી અને પછી હીરો બનેલા તો પોતે હવે તેનાથી અવળુ કરે છે. અભિનેતા માટે તો મળેલી ભૂમિકા સારી રીતે નિભાવવી મહત્ત્વની છે. પહેલાં સાન્યા સાગર સાથે લગ્ન કર્યા પછી હમણા કેનેડિયન પણ મૂળ બંગાળી એકટ્રેસ પ્રિયા બેનરજીને પરણેલો પ્રતીક બધી રીતે સેફ થવા માંગે છે. પછી ભલે તેને લોકો કહે કે નાયક નહીં ખલનાયક હૈ તું. •

