સાયણ: સાયણ ટાઉનના કાશી ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારના એક કિશોરને તેના ફળિયાના રહેવાસીએ જ ગળામાં ચપ્પુના ઘા ઝીંકી પતાવી દેતા ઓલપાડ તાલુકામાં આઠમાં દિવસે ફરી થયેલ હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત રહેતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
ગઇ તારીખ ૮મી ફેબ્રુઆરીના રોજ ઓલપાડ ટાઉનમાં રહેતા મહારાષ્ટ્રના શ્રમજીવી અશોક બાપુએ તેની પત્ની હિરાબાઇના ગળામાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કર્યાના બનાવની શ્યાહી સુકાઈ તે પહેલા સાયણ ટાઉનમાં એક શ્રમજીવી પરિવારના કિશોરના ગળામાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ગુનાની વિગત મુજબ સાયણ ટાઉનના કાશી ફળિયામાં શ્રમજીવી પરિવારમાં અમિત બાબુભાઇ રાઠોડ(૧૪ વર્ષ ૦૭ માસ)રહેતો હતો. આ ફળિયામાં મૂળ ભરૂચના વાલિયા તાલુકાનો વિજય કાનાભાઈ વસાવા પણ તેની પત્ની આશાબેન સાથે રહે છે અને મજૂરી કામ કરે છે.
શનિવાર,તા.૧૫ ના રોજ સવારે ૮:૦૦ કલાકના સુમારે સગીર અમિત રાઠોડ કાશી ફળિયામાં અક્ષયના તબેલાવાળા મકાન પાસે આરોપીની પત્ની આશાબેન સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે આરોપી વિજય વસાવા બંન્નેને વાતચીત કરતાં જોઈ ગયો હતો અને પત્ની સાથે સગીર અમિતને સબંધ હોવાનો વહેમ રાખી સવારે ૮:૩૦ કલાકના સુમારે ચપ્પુ સાથે આવેશમાં દોડી જઈ અમિતના ગળામાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા જેથી તેના ગળાી નસ કપાઇ જતાં જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લવાઇ રહ્યો હતો ત્યારે વસવારી ગામ નજીક જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. અમિત પર હિંસક હુમલો થયો ત્યારે ફળિયાના રહેવાસી દોડી આવ્યા હતા અને આરોપી વિજય વસાવાને પકડી લઇ મેથીપાક આપ્યો હતો.
