હાલોલ પોલીસની જીવદયા પ્રત્યે સરાહનીય કામગીરી
હાલોલ |
હાલોલ ટાઉન પોલીસ દ્વારા જીવદયા પ્રત્યે દાખવાયેલી માનવતા અને તત્પરતા સરાહનીય બની છે. હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલા પીપળાના ઝાડ પર પતંગની દોરીમાં એક કાગડો ફસાઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. કાગડો દોરીમાં ફસાતા ઉડી શકતો ન હોવાથી તાત્કાલિક બચાવની જરૂરિયાત ઉભી થઈ હતી.
આ બાબતની જાણ થતાં હાલોલ ટાઉન પોલીસે વિલંબ કર્યા વગર સિદ્ધાંત જીવદયા ટીમને માહિતી આપી હતી. જાણ મળતાની સાથે જ જીવદયા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પીપળાના ઊંચા ઝાડ પર દોરીમાં ફસાયેલા કાગડાને બચાવવાની કામગીરી દોઢેક કલાક સુધી ચાલી હતી. ભારે મહેનત બાદ કાગડાને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ દરમિયાન જાણવા મળ્યું હતું કે દોરીમાં ફસાવાના કારણે કાગડાની પાંખને અનેક જગ્યાએ ઇજા પહોંચી હતી. ત્યારબાદ હાલોલ ટાઉન પોલીસ સ્ટાફ અને સિદ્ધાંત જીવદયા ટીમની મદદથી ઘાયલ કાગડાને તાત્કાલિક પશુ ચિકિત્સાલયમાં લઈ જઈ જરૂરી સારવાર આપવામાં આવી હતી.સમયસર મળેલી સારવારના કારણે કાગડાનો જીવ બચી ગયો હતો.
હાલોલ પોલીસ અને સિદ્ધાંત જીવદયા ટીમની આ સંયુક્ત કામગીરીથી જીવદયા અને સંવેદનશીલતાનો ઉત્તમ દાખલો બેસાડવામાં આવ્યો છે, જેને સ્થાનિક નાગરિકોએ પણ વખાણ્યો છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ