26 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી તબક્કાવાર કાર્યક્રમો શરૂ કરશે
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્ને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેથી વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી હતી અને જો નહીં થાય તો 26 ફેબ્રુઆરીથી આગામી 11 માર્ચ સુધી આંદોલનના કાર્યક્રમો આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આરટીઓમાં ફરજ બજાવતાં હજારો અધિકારીઓને કંઈને કંઈ પ્રશ્નોને લઈને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 38 જેટલાં અધિકારીઓના 3 થી 10 વર્ષ પહેલાં પ્રોબેશન પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં કાયમી નિમણૂક આપવામાં ન આવતી હોવાથી, ચેક પોઈન્ટ પર કર્મચારી માટે માળખાકિય સુવિધા ઉભી કરવા, ચેક પોઈન્ટ ખાતે અવર જવર કરવા માટે સરકારી વાહન પૂરાં પાડવા, ખાનગી એજન્સીના સોફ્ટવેરને દૂર કરીને ટ્રેકની સમસ્યા સત્વરે દૂર કરવી, પ્રમોશન, વધારાની સેવામાં ભાડા ભથ્થા આપવા, યુનિફોર્મ એલાઉન્સ ફાળવવું, જરૂરી સ્ટાફની પૂર્તતા કરવા માટે ભરતી કરવી સહિતના વિવિધ મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી તેમના પ્રશ્નોને વાચા નહીં મળતા કર્મચારીઓએ આંદોલનના મંડાણ કરવાની ફરજ પડી છે. કર્મચારીઓ દ્વારા આગામી 26મીથી કાળી પટ્ટી બાંધીને ફરજ પર હાજર થશે.તેમજ સોશ્યલ મીડિયા પર પણ કાળી પટ્ટી મૂકીને વિરોધ નોંધાવશે, 27મીએ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના વડાને આવેદન આપશે, મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી સહિત અન્ય વિભાગીય અધિકારીઓને મેસેજ, ટ્વીટ અને સોશ્યલ મીડિયા થકી તેમની વાત પહોંચાડશે. 1 માર્ચના રોજ તમામ ટેકનિકલ અધિકારીઓ 1 દિવસની માસ સીએલ પર ઉતરીને કામગીરીનો બહિષ્કાર કરશે, જ્યારે 4 માર્ચે સત્યાગ્રહ છાવણી ખાતે ભેગાં મળીને વિરોધ નોંધાવશે, આ બાદ પણ તેમના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો, આરટીઓના ટેકનિકલ અધિકારીઓ જ્યાં સુધી પડતર પ્રશ્નોની માંગણી પૂર્ણ ના થાય ત્યાં સુધી માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.